બલુચિસ્તાનમાં કોલસાની ખાણના ૧૧ મજૂરોની હત્યા

04 January, 2021 03:34 PM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

બલુચિસ્તાનમાં કોલસાની ખાણના ૧૧ મજૂરોની હત્યા

ફાઈલ તસવીર

નૈઋત્ય પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાન પ્રાંતમાં બંદૂકધારીઓ દ્વારા ખાણકામ કરનારા ૧૧ લોકોનું અપહરણ કરી પર્વત પર લઈ જવાયા બાદ તેમને ઠાર મારવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યાનુસાર ખાણકામના કામદારો પોતાના કામ પર જઈ રહ્યા હતા, જ્યારે કેટલાક બંદૂકધારી શખસોએ તેમનું અપહરણ કર્યું હતું અને નજીકમાં મચ્છ વિસ્તારમાં આવેલી ટેકરીઓમાં લઈ જઈ તેમના પર ગોળીબાર કર્યો હતો.

છ ખાણ કામદારો ઘટના સ્થળ પર જ મરણ પામ્યા હતા, જ્યારે કે ગંભીર રીતે જખમી થયેલા અન્ય પાંચ કામદારોનું મૃત્યુ હૉસ્પિટલ લઈ જતી વખતે થયું હતું. ઘટના બાદ પોલીસ, ફ્રન્ટિયર કોર્પ્સ અને જિલ્લા વહીવટી અધિકારીઓની ભારે ટુકડી સ્થળ પર પહોંચી હતી.

બલુચિસ્તાનના મુખ્ય પ્રધાન જામ કમાલ ખાને ઘટનાનો વિરોધ કર્યો છે અને સંબંધિત અધિકારીઓ પાસેથી તેનો તપાસ અહેવાલ મગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે નિર્દોષ ખાણના કામદારોને ઠાર મારનારા કોઈ પ્રકારની દયાના હક્કદાર નથી.

international news balochistan pakistan