અમેરિકામાં શાળા શરૂ થતા જ કોરોના બેકાબૂ, સાત દિવસમાં 1.41 લાખ બાળકો સંક્રમિત થયા

25 November, 2021 04:37 PM IST  |  Washington DC | Gujarati Mid-day Online Correspondent

યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોના વાયરસ રોગચાળો હવે ઝડપથી બાળકોને ચપેટમાં લઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોના વાયરસ રોગચાળો હવે ઝડપથી બાળકોને ચપેટમાં લઈ રહ્યો છે. વાયરસનું આ સ્વરૂપ વિશ્વમાં એક ચેતવણીનો સંકેત હોય શકે છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રીક્સ (આપ)એ 11 અને 18 નવેમ્બર છેલ્લા અઠવાડિયે વચ્ચે 1,41,905 બાળકો ચેપગ્રસ્ત થયાનો અહેવાલ આપ્યો છે.

રિપોર્ટ અનુસાર છેલ્લા બે સપ્તાહની સરખામણીમાં બાળકોમાં સંક્રમણના દરમાં 32 ટકાનો વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે યુએસમાં ગયા અઠવાડિયે જોવા મળેલા નવા કેસના ત્રીજા ભાગના કેસ બાળકો સાથે સંબંધિત છે. અમેરિકાની વસ્તીના 22 ટકા બાળકો છે. ત્રણ ટકાથી પણ ઓછા બાળકો રોગચાળાની ચપેટમાં આવ્યા છે, આ હિસાબે 68 લાખથી વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે.

AAPના રિપોર્ટ અનુસાર, ચેપને કારણે બાળકોમાં મૃત્યુ દર ખૂબ જ ઓછો છે. અમેરિકાના છ રાજ્યોમાં કોરોનાથી એક પણ બાળકનું મોત થયું નથી. બાળકોમાં ચેપના સામાન્ય લક્ષણો જોવા મળે છે. આનું કારણ એ છે કે બાળકોને સમયાંતરે ઈન્ફલ્યુએન્ઝા, મેનિન્જાઇટિસ, ચિકનપોક્સ અને હેપેટાઇટિસ માટે રસી આપવામાં આવે છે, જે તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, ઓક્ટોબરમાં 5થી 11 વર્ષની વયના 8,300 બાળકોને ચેપ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 172નાં મોત થયા છે. સીડીસીએ જણાવ્યું હતું કે રોગચાળાની ઝડપી ગતિ વચ્ચે 2,300 શાળાઓ બંધ કરવામાં આવી હતી, જેનાથી 1.2 મિલિયન બાળકોના શિક્ષણને અસર થઈ હતી. હવે શાળા શરૂ થતાની સાથે જ ચેપ બેકાબૂ થવા લાગ્યો છે, જે આવનારા સમય માટે ચેતવણી સમાન છે.

યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝના ડિરેક્ટર ડૉ. એન્થોની ફૌસીએ સ્વીકાર્યું કે તાજેતરના સમયમાં તમામ ઉંમરના બાળકોમાં ચેપનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિંતાજનક સ્થિતિ છે.

international news coronavirus united states of america