Nobel Prize 2021: ભૌતિક ક્ષેત્રમાં સ્યુકુરો મનાબે સહિત ત્રણને નોબેલ પ્રાઈઝ

05 October, 2021 05:28 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર 2021 ની જાહેરાત કરવામાં આવી છે.

યુએસ, જાપાનીઝ વૈજ્ઞાનિક સ્યુકુો મનાબે, જર્મનીના ક્લાઉસ હેસલમેન અને જ્યોર્જિયો પેરસીને નોબલ પ્રાઈઝ ( તસવીરઃAFP)

ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર 2021 ની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે સંયુક્ત રીતે ત્રણ લોકોને જટિલ ભૌતિક પ્રણાલીઓની સમજણમાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે પસંદ કર્યા છે. તેમાં સ્યુકુરો મનાબે(Syukuro Manabe),ક્લાઉસ હાસેલમેન(Klaus Hasselmann)અને જ્યોર્જિયો પેરસી (Giorgio Parisi) ના નામ સામેલ છે, જેમને ભૌતિકશાસ્ત્ર માટે 2021 નો નોબેલ પુરસ્કાર એનાયત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે.

સ્યુકુરો મનાબે અને ક્લાઉસ હાસેલમેન એ પૃથ્વીની આબોહવાનું ભૌતિક મોડેલ વિકસાવ્યું, જેથી તેના ફેરફારોનું સચોટ નિરીક્ષણ કરી શકાય અને ગ્લોબલ વોર્મિંગનો અંદાજ લગાવી શકાય. આ સાથે જ્યોર્જિયો પેરસીએ તેમની શોધ દ્વારા પરમાણુઓથી ગ્રહો સુધી ભૌતિક પ્રણાલીમાં ઝડપી ફેરફારો અને વિકારો વચ્ચેની પ્રવૃત્તિ બતાવી છે.

સોમવારે નોબેલ સમિતિએ અમેરિકન વૈજ્ઞાનિકો ડેવિડ જુલિયસ (David Julius)અને આર્ડેમ પટાપૌટિયનને (Ardem Patapoutian)મેડિસિન ક્ષેત્રે કરેલી શોધો માટે સન્માનિત કરવામાં આવ્યાં હતા. આગામી દિવસોમાં રસાયણશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે પુરસ્કારો પણ રજૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે ગત વર્ષે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર અમેરિકન વૈજ્ઞાનિક એન્ડ્રીયા ગેઝ, બ્રિટનના રોજર પેનરોઝ અને જર્મનીના રેનાર્ડ ગેન્ઝેલને મળ્યો હતો. બ્લેક હોલ પર સંશોધન માટે ત્રણેયને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નોબેલ સમિતિના મહાસચિવ થોમસ પર્લમેને સોમવારે વિજેતાઓની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિને એક કરોડ સ્વીડિશ ક્રોનર (આશરે 8.5 કરોડ રૂપિયા) ની રકમ સાથે ગોલ્ડ મેડલ આપવામાં આવે છે.

world news international news