લાસ્ટ સ્પીચમાં ઓબામાની આંખમાં આવી ગયાં આંસુ

07 November, 2012 03:25 AM IST  | 

લાસ્ટ સ્પીચમાં ઓબામાની આંખમાં આવી ગયાં આંસુ



અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે ગઈ કાલે મતદાન થયું હતું. સૌથી પહેલો વોટ ન્યુ હૅમ્પશૉના ડિક્સવિલે નૉચ નામના ટાઉને આપ્યો હતો. આ ટાઉનમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બરાક ઓબામા અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મિટ રોમ્નીને પાંચ-પાંચ વોટ મળ્યાં હતા. આ પહેલી વખત ડિક્સવિલે નૉચમાં પ્રમુખપદના બન્ને ઉમેદવારો વચ્ચે ટાઇ થઈ હતી. લેટેસ્ટ સર્વેમાં ઓબામા અને રોમ્નીને લગભગ સરખા જ વોટ મળશે એવી આગાહી કરવામાં આવી હતી તેથી બન્ને વચ્ચે ટાઇ સર્જાય એવી શક્યતા પણ નકારવામાં આવતી નથી. સોમવારે રાત્રે આયોવામાં પોતાની છેલ્લી ઇલેક્શન સ્પીચમાં ભાવુક થઈ ગયેલા બરાક ઓબામાની આંખમાંથી આંસુ સરી પડ્યાં હતાં. આ તરફ મીટ રોમ્નીએ પણ જોરદાર સમર્થન બદલ લોકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અમેરિકાની ચૂંટણીના પરિણામ પર દુનિયાભરની નજર છે. આ ચૂંટણી જીતવા માટે કુલ ૫૩૮ ઇલેક્ટરલ વોટ્સમાંથી ઓછામાં ઓછા ૨૭૦ વોટ મેળવવા જરૂરી છે. અમેરિકામાં ૧૮ કરોડથી વધારે લોકો વોટ આપવા માટે લાયક છે. વાઇટ હાઉસમાં આવતાં ચાર વર્ષ કોણ રહેશે એ નક્કી કરવા માટે અમેરિકામાં ગઈ કાલે વહેલી સવારથી જ વોટ પડવાના શરૂ થઈ ગયા હતા. જોકે એક તૃતીયાંશ એટલે કે ૩.૫ કરોડ મતદાતાઓએ તો પહેલેથી જ વોટ આપી દીધો હતો. અમેરિકાના નવા પ્રમુખ કોણ બનશે એ ૧૦ સ્વિંગ સ્ટેટના મતદાતાઓના મિજાજ પર નર્ભિર છે. આ એવાં રાજ્યો છે જ્યાં ઓબામા અને રોમ્ની બન્ને વચ્ચે કટોકટીનો મુકાબલો છે. સોમવારે છેક છેલ્લે સુધી ઓબામા અને રોમ્નીએ એકબીજાને વોટબૅન્કમાં ગાબડું પાડવાના પ્રયાસો કર્યા હતા. આ ચૂંટણીમાં બન્ને પાર્ટીએ એકબીજાને હરાવવા માટે કુલ છ અબજ ડૉલર જેટલી જંગી રકમ ખર્ચી નાખી હતી.

કેવી રીતે થાય છે ચૂંટણી?

અમેરિકાના પ્રમુખની ચૂંટણી જેટલી રસપ્રદ છે એટલી જ અટપટી આ ચૂંટણીની પ્રક્રિયા છે. છેલ્લી બે સદીઓથી અનેક પરિવર્તન છતાં પણ અમેરિકાએ ચૂંટણીપ્રક્રિયામાં કોઈ ફેરફાર કર્યો નથી. ૧૭૮૯માં જ્યૉર્જ વૉશિંગ્ટનના વખતમાં જે પદ્ધતિ હતી એ જ પદ્ધતિને અત્યાર પણ અમેરિકા વળગી રહ્યું છે. પ્રમુખની ચૂંટણી ડાયરેક્ટ નથી હોતી. એટલે કે ગઈ કાલે થયેલા વોટિંગ મતદાતાઓ ઇલેક્ટરલ કૉલેજની ચૂંટણી કરશે. અમેરિકાનાં તમામ રાજ્યોને તેની વસ્તીને આધારે ઇલેક્ટરલ વોટ્સ અપાયેલા છે. ઇલેક્ટરલ કૉલેજના કુલ ૫૩૮ સભ્યો ૧૭ ડિસેમ્બરે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે વોટિંગ કરશે તથા આવતા વર્ષે છઠ્ઠી જાન્યુઆરીએ વોટની ગણતરી બાદ વિજેતા ઉમેદવારના નામની જાહેરાત થશે.