ઑસ્ટ્રેલિયન યુવકે કમ્પ્યુટર પર સળંગ ૧૩૫ કલાક ગેમ રમી રચ્યો વર્લ્ડ રેકૉર્ડ

23 November, 2012 03:13 AM IST  | 

ઑસ્ટ્રેલિયન યુવકે કમ્પ્યુટર પર સળંગ ૧૩૫ કલાક ગેમ રમી રચ્યો વર્લ્ડ રેકૉર્ડ



કમ્પ્યુટર પર ગેમ રમવાના શોખીન ઑસ્ટ્રેલિયાના એક યુવકે સળંગ ૧૩૫ કલાક અને ૫૦ મિનિટ સુધી ગેમ રમીને વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો છે. સિડનીમાં રહેતા ઓકાન કાયા નામના ૨૮ વર્ષના આ યુવાને અગાઉનો ૧૨૦ કલાક અને સાત મિનિટનો રેકૉર્ડ તોડ્યો હતો. ઓકાન ‘કૉલ ઑફ ડ્યુટી : બ્લૅક ઓપ્સ ડ્યુટી-૨’ નામની કમ્પ્યુટર ગેમ સળંગ સાડાપાંચ દિવસ રમ્યો હતો. 

ઓકાને ગત અઠવાડિયે મંગળવારથી ગેમ રમવાનું શરૂ કર્યું હતું. એનર્જી લેવલ જાળવવા રાખવા માટે તે સતત સ્પોર્ટ્સ ડ્રિન્ક અને હળવું ભોજન લેતો રહેતો હતો. કેટલાક કલાકો પછી તો સતત જૉયસ્ટિકના કી દબાવતા રહેવાને કારણે તેની આંગળીઓ સૂજી ગઈ હતી અને છેલ્લા કલાકોમાં તો તેને આંગળીએ પાટા બાંધવા પડ્યા હતા. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે ઓકાનને દર કલાકે દસ મિનિટનો બ્રેક લેવાની છૂટ આપી હતી. અગાઉ તાઇવાનનો એક ટીનેજરે આવો જ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપવા જતાં મૃત્યુ પામ્યો હતો. તે સળંગ ૪૦ કલાક ગેમ રમ્યો હતો.