18 વર્ષની યુવતી સાઉદી અરેબિયાથી ભાગી, કહ્યું- 'મેં ઇસ્લામ છોડી દીધો છે'

07 January, 2019 03:00 PM IST  |  બેંગકોક

18 વર્ષની યુવતી સાઉદી અરેબિયાથી ભાગી, કહ્યું- 'મેં ઇસ્લામ છોડી દીધો છે'

18 વર્ષીય યુવતી સાઉદી અરેબિયાથી ભાગી નીકળી. (ફાઇલ)

સાઉદી અરેબિયામાં રહેતી એક 18 વર્ષીય યુવતીને બેંગકોક એરપોર્ટ પરથી પકડવામાં આવી છે. આ યુવતી પોતાના દેશ પાછી ફરવા નથી માંગતી. રહાફ મોહમ્મદ એમ અલ્કુનૂન નામની આ યુવતીનું કહેવું છે કે જો તેને તેના દેશ પાછી મોકલવામાં આવી તો તેની હત્યા થઈ શકે છે. રહાફ સાઉદી અરેબિયાના અમીર પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેના પિતા મોટા બિઝનેસમેન છે.

જ્યારે રહાફને પૂછવામાં આવ્યું કે તેણે આ પગલું કેમ ભર્યું તો તેણે જણાવ્યું કે તે નાસ્તિક છે અને પરિવારની કઠોર પાબંદીથી બચવા માટે તે ત્યાંથી ભાગી આવી. તેને લઈને રહાફે ટ્વિટ પણ કર્યું છે. તેણે લખ્યું, "હું એકલી, સ્વતંત્ર અને તે લોકોથી દૂર રહી શકું છું, જે મારી ગરિમા અને મારા સ્ત્રી હોવાનું સન્માન નથી કરતા. મારી સાથે પરિવારે હિંસક વ્યવહાર કર્યો છે. મારી પાસે તેના પૂરતા પુરાવાઓ પણ છે."

રહાફે એક પછી એક ઘણી ટ્વિટ કરી. તેણે એક અન્ય ટ્વિટમાં લોકોને મદદ માટે વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્ર પાસે પણ રહાફે પોતાને શરણુ આપવાની માંગ કરી છે. રહાફે પોતાના પરિવાર પર આરોપ લગાવ્યો છે કે તેનો પરિવાર તેની સાથે ખરાબ વ્યવહાર કરે છે. તેણે જણાવ્યું કે એકવાર મેં મારા વાળ કપાવી લીધા હતા. તે પછી મને છ મહિના સુધી ઘરમાં બંધ કરીને રાખવામાં આવી. મને આ જીવનથી છુટકારો જોઇએ છે.

રહાફે એ પણ જણાવ્યું કે તે સાઉદીથી બેંગકોક કેવી રીતે પહોંચી. તેણે કહ્યું, "હું કુવૈત સુધી કારમાં એક ફેમિલિ હોલિડે માટે આવી હતી. સવારના ચાર વાગ્યા હતા અને મારો આખો પરિવાર ઊંઘી રહ્યો હતો. મને લાગ્યું કે મારી પાસે આ એક છેલ્લો મોકો છે આ કેદમાંથી છુટકારો મેળવવાનો. મેં ઓસ્ટ્રેલિયાની ટિકિટ લીધી, કારણકે ત્યાંના ટુરિસ્ટ વીઝા મળવા આસાન હોય છે. મારું લક્ષ્ય હતું કે ઓસ્ટ્રેલિયા પહોંચીને હું મને આશરો આપવાની માંગ કરીશ."

યુવતીએ જણાવ્યું કે તે કુવૈત એરલાઈન દ્વારા બેંગકોક પહોંચી, જ્યાં તેનો પાસપોર્ટ પાછો લઈ લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, રહાફે ખુલાસો કર્યો કે તે 16 વર્ષની ઉંમરમાં ઇસ્લામ છોડી ચૂકી છે, પરંતુ તેની જાણકારી તેના પરિવારને નથી. રહાફ જણાવે છે કે જો તેના પરિવારને આ વાતની જાણ થઈ તો તે લોકો તેને મારી નાખશે.

saudi arabia