ગુજરાત હાઈ કોર્ટે ગુજરાત સરકારની આકરી ટીકા કરી

26 July, 2023 09:35 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અદાલતે કહ્યું કે કાયદાનો અમલ કરાવવાની ઇચ્છાશક્તિ નથી, તાજેતરમાં જ અમદાવાદના ઇસ્કૉન બ્રિજ પર થયેલા અકસ્માતની ઘટનાને પણ ટાંકીને સત્તાવાળાઓને કાયદાના અમલીકરણ માટે માર્મિક ટકોર કરી

ગુજરાત હાઈકોર્ટ


અમદાવાદ ઃ કાયદાનો અમલ કરાવવામાં નિષ્ફળ નીવડેલી ગુજરાત સરકારની ગુજરાત હાઈ કોર્ટે ગઈ કાલે આકરા શબ્દોમાં આલોચના કરી હતી. એટલું જ નહીં, તાજેતરમાં જ અમદાવાદના ઇસ્કૉન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા અકસ્માતની ઘટનાને પણ ટાંકીને સત્તાવાળાઓને કાયદાના અમલીકરણ માટે માર્મિક ટકોર કરી હતી. અમદાવાદના બિસમાર રસ્તાઓ તેમ જ રખડતાં ઢોર અને ટ્રાફિકની સમસ્યાના મુદ્દે થયેલી અરજી પર ગઈ કાલે ગુજરાત હાઈ કોર્ટમાં જસ્ટિસ એ. એસ. સુપેહિયા અને જસ્ટિસ એમ. આર. મેંગડેની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનવાણી હાથ ધરાઈ હતી, જેમાં ટ્રાફિક સહિતના કાયદાની અમલવારી કરાવવામાં સરેઆમ નિષ્ફળ નીવડેલા ગુજરાત સરકારના તંત્ર સામે હાઈ કોર્ટે લાલ આંખ કરીને માર્મિક રીતે ટકોર કરતાં કહ્યું હતું કે સત્તાવાળાઓ પાસે ટ્રાફિક નિયમોનો અમલ કરવાની હિંમત અને કરોડરજ્જુ નથી. અમદાવાદમાં થયેલા અકસ્માતને લઈને પણ હાઈ કોર્ટે કહ્યું હતું કે ‘ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી. કાયદાનું ઉલ્લંઘન કરે છે. કાયદાનો અમલ કરવાની કરોડરજ્જુ નથી. ન તો તમારી પાસે એનો અમલ કરવાની ઇચ્છા છે. કાયદાનો ડર બેસાડવો એ સરકારનું કામ છે. કાયદો પાળે એની કનડગત ન થાય, પણ જે તોડે તેને ભાન કરાવવું જરૂરી છે. જો પોલીસે નિયમિત તપાસ કરી હોત તો દુર્ઘટના ટાળી શકાઈ હોત. જે ડ્રાઇવ કરી રહ્યા છો એ નિયમિત સુવિધા હોવી જોઈએ.’ 
હાઈ કોર્ટે કડક શબ્દોમાં વહિવટીતંત્રને ઝાટકી નાખતાં જણાવ્યું હતું કે ‘બન્ને કમિશનરોની વિરુદ્ધ આરોપ શા માટે ન ઘડવા જોઈએ. અમે તમને પૂરતો સમય આપીએ છીએ. આમ છતાં કોઈ ઍક્શન લેવામાં આવી નથી.’
અદાલતે ટ્રાફિક કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સમન્સ બજાવ્યા છે.

gujarat high court gujarat news bharatiya janata party