સુરત એફએસએલના ડિરેક્ટરનો ખુલાસો

25 December, 2020 12:57 PM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

સુરત એફએસએલના ડિરેક્ટરનો ખુલાસો

વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ૮ સપ્ટેમ્બરે ધમણ વૅન્ટિલેટરમાં લાગેલી આગનો સીસીટીવી ગ્રેબ.

જ્યોતિ સીએનસીનું ધમણ વૅન્ટિલેટર ફરી ચર્ચામાં આવ્યું છે, કારણ કે વડોદરા એસએસજી હૉસ્પિટલમાં આગ મામલે એફએસએલનું તારણ ચોંકાવનારું છે. એફએસએલના તારણ મુજબ ધમણ વૅન્ટિલેટરમાં આગ લાગી હતી. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હૉસ્પિટલના કોવિડ આઇસીયુ વૉર્ડમાં લાગેલી આગના બનાવમાં તપાસ કમિટીને ૧૦૬ દિવસ બાદ એફએસએલની ટીમે રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં વૅન્ટિલેટર ધમણ-૧માં ખામીને કારણે આગ લાગી હોવાનો એફએસએલની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ મામલે સુરત એફએસએલના ડિરેક્ટર અને વડોદરા એફએસએલના ઇન્ચાર્જ ડી.બી. પટેલે જણાવ્યું હતું કે વડોદરાની સયાજી હૉસ્પિટલના આઇસીયુમાં વૅન્ટિલેટર ધમણ લાગ્યું હતું. અમારી પાસે વૅન્ટિલેટર ધમણ આવ્યું ત્યારે સળગી ગયેલી હાલતમાં હતું.

વૅન્ટિલેટર ધમણ અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી અને આ ખામીને કારણે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. સયાજી હૉસ્પિટલના કોવિડ સેન્ટરના પહેલા માળે આવેલા કોવિડ આઇસીયુમાં ૮ સપ્ટેમ્બરે આગ લાગવાની ઘટના બની હતી, જેને પગલે કોવિડ સેન્ટરમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે કર્મચારીઓની સતર્કતાને કારણે જાનહાનિ થઈ નહોતી. સયાજી હૉસ્પિટલમાં આગના બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ઝીણવટભરી તટસ્થ તપાસ કરવા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ)ના અધ્યક્ષસ્થાને તપાસ કમિટીની રચના કરવા માટે હુકમ કર્યો હતો.

gujarat vadodara