દીકરાને મળવા ડુપ્લિકેટ પાસપોર્ટ પર દુબઈ ગયેલા સિનિયર સિટિઝનનો ભાંડો ફૂટ્યો

07 May, 2024 08:17 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

શારજાહ ઍરપોર્ટથી ગોવિંદ બારિયાને મુંબઈ ડિપૉર્ટ કર્યા બાદ સહાર પોલીસે કરી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

વલસાડ રહેતા ૬૮ વર્ષના ગોવિંદ બારિયા ડુપ્લિકેટ પાસપોર્ટ પર દુબઈ રહેતા તેમના દીકરા દિવ્યેશને મળવા રવિવારે સવારની ફ્લાઇટમાં સુરતથી દુબઈ ઍરપોર્ટ પહોંચ્યા હતા, પણ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન ઑથોરિટીના ચેકિંગમાં પકડાઈ જતાં તેમને તરત જ મુંબઈ ડિપૉર્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સામે મુંબઈ ઇમિગ્રેશન ઑથોરિટીએ સહાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોવિંદભાઈનો પહેલાંનો પાસપોર્ટ રિજેક્ટ થતાં તેમણે છનુભાઈ બારિયાના નામનો ડુપ્લિકેટ પાસપોર્ટ મેળવીને એના પર પ્રવાસ કર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
સહારના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે ગોવિંદભાઈ શારજાહ ઍરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમણે આપેલી માહિતીનું ક્રૉસ વેરિફિકેશન ઇમિગ્રેશન ઑથોરિટીએ કર્યું હતું એમાં એ પાસપોર્ટ ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ગોવિંદભાઈએ પણ સ્વીકાર્યું હતું કે તેમનો પાસપોર્ટ ૨૦૧૪માં બ્લૅકલિસ્ટ કરવામાં આવ્યો હતો એટલે તેઓ ડુપ્લિકેટ પાસપોર્ટ તૈયાર કરાવડાવીને દીકરાને મળવા દુબઈ ગયા હતા. વલસાડના મરોલીના ડુંગરી ફળિયામાં રહેતા ગોવિંદભાઈ ૨૦૧૪ સુધી કુવૈતમાં નોકરી કરતા હતા, પણ ૨૦૧૪માં તેઓ કોઈને સૂચના આપ્યા વિના ભારત પાછા ફર્યા હતા. એ પછી તેમનો પાસપોર્ટ બ્લૅકલિસ્ટ કરવામાં આવ્યો હતો. અત્યારે અમે ડુપ્લિકેટ પાસપોર્ટ પર ગેરકાયદે બીજા દેશમાં જવા બદલ તેમની ધરપકડ કરી છે.’

mumbai news mumbai crime news valsad gujarat news