શાળાઓનું વેકેશન નહીં લંબાવાય.13-15મી જૂન દરમ્યાન પ્રવેશોત્સવ ઊજવાશે

05 June, 2019 07:46 AM IST  |  ગાંધીનગર

શાળાઓનું વેકેશન નહીં લંબાવાય.13-15મી જૂન દરમ્યાન પ્રવેશોત્સવ ઊજવાશે

13-15 જૂનથી શરૂ થશે સ્કૂલો

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને લીધે ઉનાળું વેકેશન લંબાવવાની માગણી પર અમલ કરવાનો સરકારે ઇનકાર કર્યો છે. રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે નિવેદન આપતાં કહ્યું છે કે શાળાઓમાં વેકેશન નહીં લંબાવવામાં આવે. શિક્ષણપ્રધાનના કહેવા પ્રમાણે જો જરૂર પડશે તો બપોરની શાળાઓનો સમય સવારનો કરવામાં આવશે.

શિક્ષણપ્રધાનના કહેવા પ્રમાણે આગામી ૧૩થી ૧૫ જૂનના રોજ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. શિક્ષણપ્રધાને જણાવ્યું કે ‘રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ શાળાઓમાં વિદ્યાર્થીઓની ૭૫ ટકા નોંધણી થતી હતી એને ૧૦૦ ટકાએ લઈ જવાનો હતો. ૨૫ ટકા બાળકો જે બાળમજૂરીએ જતાં હતાં તે તમામ બાળકોને સ્કૂલે મોકલવાનો સરકારનો ઉદ્દેશ હતો. શાળા પ્રવેશોત્સવને કારણે ડ્રૉપ આઉટ રેશિયો ઘટાડવામાં સરકારને સફળતા મળી છે.’ સાથે જ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે સરકારને પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈને કેટલાંક સૂચનો મળ્યાં છે જેના પર ચર્ચા કરીને કોઈ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: અદાણીનાં લાઇટ બિલની મોટી મોકાણ

શાળા પ્રવેશોત્સવની ઉજવણીની તૈયારીને લઈને સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને બેઠક મળી છે જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજી બાવળિયા, પ્રદીપસિંહ જાડેજા સહિતના પ્રધાનો હાજર રહ્યા છે. બેઠક દરમ્યાન પ્રવેશોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ૧૪ જૂન સુધી ગ્રામ્ય વિસ્તાર અને ૧૫ જૂને શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવની ઊજવણી થશે.

gujarati mid-day news