બસ, હવે આ જ બાકી હતું, બેસ્ટ ફાર્ટ કોની...

06 September, 2019 07:27 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

બસ, હવે આ જ બાકી હતું, બેસ્ટ ફાર્ટ કોની...

બસ, હવે આ જ બાકી હતું, બેસ્ટ ફાર્ટ કોની...

પેટમાં ગૅસ થવાની તકલીફથી જેટલો માણસને પ્રૉબ્લેમ નથી હોતો એટલો પ્રૉબ્લેમ જાહેરમાં ગૅસ છોડવાને અને ગૅસ છૂટવાની હવાને કારણે આવતા શરમજનક અવાજને કારણે હોય છે, પણ હવે એમાં શરમાવાનું નથી, કારણ કે સૌથી સરસ રીતે ગૅસ છોડનારા મહાનુભાવને અવૉર્ડ આપવાની જાહેરાત સુરતના વિશ્વેશ સંઘવી અને તેના ભાઈબંધોએ કરી છે. ગઈ કાલે વિશ્વેશે ફાર્ટ-સ્પર્ધાની જાહેરાત કરી એ એવી તે વાઇરલ થઈ કે ગઈ કાલે સાંજ સુધીમાં જ તેને દેશભરમાંથી ૧૫૦થી ૨૦૦ જેટલા ફોન-કૉલ્સ આવી ગયા અને ૧૦૦ જણે તો રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું.

વિશ્વેશ કહે છે કે ‘આ કુદરતી પ્રક્રિયા છે, પણ એને શરમજનક રીતે જોવામાં આવે છે. આ શરમ દૂર થાય એ હેતુથી અમે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. સ્પર્ધામાં ભાગ લેનારામાંથી સૌથી સારામાં સારી ફાર્ટ કરનારને અવૉર્ડ આપવામાં આવશે.’
અગાઉ આવી કોઈ સ્પર્ધા આપણે ત્યાં થઈ નથી. વિદેશના અળવીતરાઓએ આવી સ્પર્ધા કરી છે, પણ એ પણ નિયમિત થતી નથી. સારામાં સારી ફાર્ટ નક્કી કરવા માટે સુરત શહેરના એક રેડિયો જૉકી, એક નામાંકિત વ્યક્તિ અને એક મેડિકલ એક્સપર્ટને જજ તરીકે નિયુક્ત કરવામાં આવશે; જે સાઉન્ડ, સ્મેલથી માંડીને ફાર્ટ દરમ્યાન પડનારી તકલીફને ધ્યાનમાં રાખીને જજ કરશે. બાવીસમી સપ્ટેમ્બરે રવિવારે આ સ્પર્ધા સુરતના પીપલોદ રોડ પર આવેલી એક રેસ્ટોરાંમાં રાખવામાં આવી છે.

આ પણ વાંચો : આગામી ત્રણ દિવસ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અહીં પડશે વરસાદ

વાછૂટ રોકવી હાનિકારક છે

રાજકોટના જાણીતા આયુર્વેદિક ડૉક્ટર કમલેશ પરમાર કહે છે કે ‘વાછૂટને ક્યારેય રોકવી ન જોઈએ. રોકાયેલી વાછૂટ શરીરનાં દ્રવ્યોમાં ઇમ્બૅલૅન્સ ઊભું કરે છે, જે લાંબા ગાળે પાચનક્રિયાથી માંડીને લિવર અને કિડનીને પણ નુકસાન કરી શકે. અમુક લોકોની વાછૂટમાં બદબૂ હોય છે, આ બદબૂ સૂચવે છે કે પાચનક્રિયા બરાબર નથી થતી તો સાથોસાથ મોટા અવાજ સાથેની વાછૂટનું એક સૂચન એવું પણ છે કે લાંબા સમય સુધી ખોરાક વિનાનું પેટ રહ્યું છે. આ ઉપરાંત આ બાબતનાં બીજાં કારણો પણ છે, પરંતુ આ મુખ્ય કારણો પૈકીનું એક છે.’

surat gujarat Rashmin Shah