રેલ્વે કર્મચારીઓના કર્તાહર્તા માહુરકર દાદાને સમયસર સારવાર ન મળતાં નિધન

09 September, 2020 01:21 PM IST  |  Vadodara

રેલ્વે કર્મચારીઓના કર્તાહર્તા માહુરકર દાદાને સમયસર સારવાર ન મળતાં નિધન

દાદા જેં જી માહુરકર

નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વેના વાઇસ પ્રેસિડેન્ટ, વેસ્ટર્ન રેલ્વે મજદૂર યુનિયનના જનરલ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ આઈએનટીયુસીના વાઇસ પ્રેસિડેન્ટ અને રેલ્વે કર્મચારીઓના કર્તાહર્તા દાદા જેં જી માહુરકરનું 85 વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે રાત્રે તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તાત્કાલિક સારવાર ન મળવાને લીધે તેઓ 40 મિનિટ સુધી કારમાં જ પડી રહ્યા હતા અને આખરે તેમનું નિધન થયું હતું.

મંગળવારે રાત્રે એક વાગ્યાની આસપાસ દાદા જેં જી માહુરકરને છાતીમાં દુખાવો ઉપડયો હતો અને તેમના પરિવારે પશ્ચિમ રેલવેના યુનિયન લીડર શરીફ ખાનને જાણ કરી હતી. તેઓ દાદાને પોતાની કારમાં લઈને વડોદરાની ટ્રાય કલર હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. તેઓ હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમની પરિસ્થિતિ બહુ વિકટ હતી. ત્યારે શરીફ ખાને ટ્રાય કલર હૉસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડૉક્ટરને બહાર આવવાની વિનંતી કરી હતી. પરંતુ તેઓએ પહેલા કોરોના ટેસ્ટ કરાવો અને પછી જ સારવાર કરીશું તેવો જવાબ આપ્યો હતો. આ મગજમારીમાં 40 મિનિટનો સમય પસાર થઈ ગયો હતો. પછી આખરે ડૉક્ટર બહાર આવ્યા હતા અને દાદાને સારવાર માટે અંદર લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યા સુધીમાં તેમનું નિધન થઈ ગયું હતું.

લોકોને સારી સેવા મળી રહે અને રેલવે કર્મચારીઓને તેમનો અધિકાર મળી રહે તે માટે માહુરકર દાદા આજીવન લડતા રહ્યાં હતા. તેમને 55 વર્ષ પોતાની સેવા આપી હતી.

gujarat vadodara indian railways