ધર્મ અને ધતિંગ અલગ પડે એની જ આ લડત

18 May, 2023 08:10 AM IST  |  Mumbai | Rashmin Shah

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામીના ગુજરાતમાં થનારા દિવ્ય દરબાર સામેના વિવાદ વચ્ચે વિરોધકોની આ દલીલ છે, તો સામા પક્ષે દિવ્ય દરબારના પડખે હવે રાજપૂત કરણી સેના ઊભી રહી ગઈ છે

પુરુષોત્તમ પીપરિયા

રાજકોટ : બાગેશ્વર ધામથી જાણીતા થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામીનો વિરોધ ગુજરાતના રાજકોટ શહેર પછી હવે સુરતમાં પણ પ્રારંભ થયો છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરત શહેરના પ્રવાસે આવતા ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામીનો વિરોધ કરનારા રાજકોટની કો-ઑપરેટિવ બૅન્કના સીઈઓ પુરુષોત્તમ પીપરિયાને ધમકી મળવાની શરૂ થતાં પુરુષોત્તમ પીપરિયાએ કહ્યું કે ‘મેં ક્યાંય કશું ખોટું કર્યું નથી અને હું કોઈ માફી પણ માગવાનો નથી. જેણે આવીને જે કરવું હોય એ કરી લે. સનાતન ધર્મનો બાબા જે રીતે પ્રચાર કરે છે એનો હું હિમાયતી છું, પણ એ જે પ્રકારે ચિઠ્ઠી નાખીને ભવિષ્યવાણી કરે છે એને માટેનો મારો વિરોધ ચાલુ જ છે. હું ધર્મ અને ધતિંગને છૂટાં પાડવાનું કામ આજીવન કરતો રહીશ.’
ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામી અકળ શક્તિ ધરાવે છે અને એના આધારે તે વ્યક્તિથી લઈને સમાજ અને સંસ્થાકીય ભવિષ્યવાણી કરે છે, જેને માટે અઢળક લોકો તેમની પાસે જતા હોય છે. આ જે ભવિષ્યવાણીની માનસિકતા છે એનો વિરોધ કરતાં પુરુષોત્તમ પીપરિયાએ બે દિવસ પહેલાં પોતાના સોશ્યલ મીડિયા પર બાબાને ચૅલેન્જ આપતી પોસ્ટ મૂકી હતી અને બાબાને પૂછ્યું હતું કે ‘રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોણ સપ્લાય કરે છે એનું નામ બાબા આપી દે તો હું પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપીશ.’
બાબાની બાજુમાં કરણી સેના
    ગુજરાતમાં ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામીનો વિરોધ શરૂ થતાં હવે કરણી સેના બાબાના સમર્થનમાં સામે આવી છે. રાજપૂત કરણી સેનાના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ કહ્યું કે ‘બાબાનો દિવ્ય દરબાર ગુજરાતમાં થશે જ થશે, અમે એને ક્યાંય અટકવા નહીં દઈએ. જો કોઈ કાંકરીચાળો પણ કરશે તો તેના દાંત ખાટા કરી દેવાની અમારી તૈયારી છે.’

gujarat news rajkot