કચ્છની વિઘાકોટ બોર્ડરેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

24 November, 2019 01:06 PM IST  |  Mumbai Desk

કચ્છની વિઘાકોટ બોર્ડરેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયથી પાકિસ્તાન પરેશાન છે, ત્યારે તે દેશમાં અરાજક્તા ફેલાવવા માટે સતત કોઈને કોઈ પ્રયત્ન કરતું રહે છે. કાશ્મીર સરહદે અવારનવાર ઘૂસણખોરીની ઘટનાઓને ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે, ત્યારે પાકિસ્તાનની નજર હવે ગુજરાતની સરહદ પર પડી છે. જેમાં કચ્છની જમીની સરહદ વિઘાકોટ પાસેથી બીએસએફની પેટ્રોલિંગ ટીમે પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. હાલ બીએસએફ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે સાંજે બીએસએફની એક ટીમ વિઘાકોટ નજીક પેટ્રોલિંગમાં હતી આ દરમ્યાન ભારતીય સરહદમાંથી તેમણે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આ વ્યક્તિની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં આવ્યો હતો.

આ બાબતે કચ્છ બીએસએફના ડીઆઇજી સમંદરસિંહે પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હોવાની વાતનો સ્વીકાર કરીને વધારે વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે હાલ પાકિસ્તાની ઘૂસણખોરની પૂછપરછ કર્યા બાદ તેને પોલીસને સોંપવામાં આવશે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

કચ્છના દરિયાઈ વિસ્તારમાં ફ્લોટિંગ ચેકપોસ્ટ અનિવાર્ય
ભુજ : (જી.એન.એસ.) કચ્છના દરિયાઈ સીમાવર્તી વિસ્તારમાં પડોશી દેશ દ્વારા અવારનવાર છમકલાઓ થતાં જ રહે છે. અહીંથી કેટલીયે વખત શસ્ત્રો અને માદક પદાર્થો દેશમાં ઘૂસાડવમાં આવ્યાં છે. વળી, અહીં જખૌનો દરિયાઈ વિસ્તાર માછીમારી માટે શ્રેષ્ઠ છે તેથી રાજ્યના કેટલાય જિલ્લાઓમાંથી માછીમારો દરિયો ખેડવા અહીં આવે છે. દર સિઝનમાં અંદાજે ૧૫૦૦ જેટલી બોટ માછીમારી માટે દરિયામાં ફરતી રહે છે. તેમને ટોકન ફાળવવાથી લઈ તેમના ખલાસીઓના આવાગમન સંબંધે ફિશરિઝ વિભાગ દ્વારા કામગીરી થાય છે. જોકે, જે કામગીરી થઈ રહી છે તે પૂરતી નથી, એમ કહેવાતું હોવાથી ખુદ ફિશરિઝ વિભાગે ફ્લોટિંગ ચેક પોસ્ટની આવશ્યકતા અંગે માગ કરી હતી. ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાઈ વિસ્તારનો ચોથો ભાગ કચ્છ ધરાવે છે. અહીં ૪૦૦ કિ.મી.નો દરિયાઈ વિસ્તાર છે જે પાકિસ્તાન સાથે સીમા ધરાવે છે. અહીંના ૧૮ નાના મોટા બંદરેથી માછીમારી માટે બોટ રવાના થાય છે. એક માત્ર કોટેશ્વરમાં જ રવાના થતી બોટના ખલાસીઓની ચકાસણી ફિશરિઝ બૉર્ડના ગાર્ડ ઉપરાંત મરીન પોલીસ અને બીએસફ દ્વારા કરવામાં આવે છે. દેશના અન્ય દરિયાઈ વિસ્તારો જે અન્ય દેશો સાથે સીમા ધરાવે છે તેવા આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં ફ્લોટિંગ ચેક પોસ્ટો શરૂ કરાયા પછી થતી દેશવિરોધી હિલચાલ કાબૂમાં આવી છે.

kutch gujarat pakistan bhuj