અમદાવાદમાં આજે ૧૫ હજારથી વધુ મહિલાઓ પીએમનું કરશે અભિવાદન

26 September, 2023 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે : વાઇબ્રન્ટ ગુજરાતનાં ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં યોજાશે કાર્યક્રમ : દાહોદમાં છાબ તળાવ, ક્વાન્ટમાં પીવાના પાણી સહિતના પ્રકલ્પોનું કરશે લોકાર્પણ–ખાતમુહૂર્ત

અમદાવાદમાં આજે ૧૫ હજારથી વધુ મહિલાઓ પીએમનું કરશે અભિવાદન


અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજે સાંજે અમદાવાદ ઍરપોર્ટ બહાર બીજેપીની ૧૫ હજારથી વધુ મહિલાઓ તેમનું અભિવાદન કરશે.
મોદીના નેતૃત્વમાં મહિલાઓ માટેનું ૩૩ ટકા અનામત બિલ રજું થયું અને પાસ થયા બાદ તેઓ પહેલી વાર આજે ગુજરાત આવી રહ્યા છે ત્યારે ગુજરાત બીજેપીની મહિલાઓ તેમનું અભિવાદન કરશે. વડા પ્રધાન આજે સાંજે અમદાવાદ આવશે અને ઍરપોર્ટ પાસેના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે, જેમાં મહિલાઓ ઉપરાંત શહેરના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પીએમ રાતે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત બીજેપી સંગઠનના અગ્રણીઓ સાથે બેઠક કરીને રાજ્યની સ્થિતિનો તાગ મેળવશે.
૨૭ સપ્ટેમ્બરે સવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વડા પ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે. ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી જે વૈશ્વિક ઇવેન્ટમાં પરિવર્તિત થઈ અને ભારતમાં સૌથી પ્રીમિયર બિઝનેસ સમિટમાંની એક તરીકેની સ્થિતિ પ્રાપ્ત કરી છે.
નરેન્દ્ર મોદી બપોરે છોટાઉદેપુર જિલ્લાના ક્વાન્ટ ખાતે જૂથ પાણીપુરવઠા યોજના તથા સંલગ્ન ફળિયા કને​ક્ટિવિટીનું ખાતમુહૂર્ત કરશે જેનાથી ક્વાન્ટનાં પચીસ ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળશે. વડા પ્રધાન દાહોદમાં જશે, જયાં તેઓ ઐતિહાસિક છાબ તળાવનો ૧૧૭ કરોડ રૂપિયાના ખર્ચથી કાયકલ્પ કરવામાં આવ્યો છે એના નવીનીકરણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે માળવા પર ચઢાઈ કરવા જઈ રહેલા સિદ્ધરાજ જયસિંહે દાહોદમાં લશ્કર સાથે છાવણી નાખી હતી. સૈનિકોની પાણીની જરૂરિયાત માટે તમામે એક-એક છાબ ભરીને માટી કાઢીને આ તળાવનું નિર્માણ કર્યું હતું એટલે એ છાબ તળાવ તરીકે ઓળખાય છે. નવીનીકરણ પામેલા આ છાબ તળાવના બ્યુટિફિકેશન માટે ૪ ગાર્ડનનો કાયાકલ્પ કરાયો છે. જૉગિંગ ટ્રેક, સાઇકલ ટ્રેક, લૅન્ડસ્કેપ ટ્રી એવન્યુ ગાર્ડન સહિતની વ્યવસ્થા ઊભી કરીને હરવાફરવાનું સ્થળ બનાવ્યું છે.

national news gujarati mid-day narendra modi