26 July, 2019 01:36 PM IST | રાજકોટ
રાજકોટની આ સંસ્થાએ આદર્યો છે સેવાયજ્ઞ
તમે રાજકોટમાં જાવ એટલે શહેરના રસ્તાઓ પણ એક અન્નપુર્ણા રથ ફરતો દેખાય. આ રથમાં ઘણાબધા ટિફિન રાખેલા હોય, અને જ્યાં તેમને ભુખ્યા લોકો દેખાય ત્યા તેમને ટિફિન આપે અને જમાડે. ટિફિન પણ એકદમ સરસ હોય, શાક, રોટલી, દાળ અથવા કઢી અને ભાત અથવા ખીચડી. સાથે છાશ. આ રથ શહેરના બોલબાલા ટ્રસ્ટનો છે. જેઓ ભુખ્યાઓને ભોજન પહોંચાડે છે. તેમનું સૂત્ર છે કે, કોઈ વ્યક્તિ ભુખ્યો ઉઠ્યો ભલે હોય, પણ ભુખ્યો સુવો ન જોઈએ. ભુખ્યા વ્યક્તિને તેઓ શોધી-શોધીને જમાડે છે.
બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈએ Gujaratimidday.com સાથે વાત કરતા કહ્યું કે, '1991માં જિજ્ઞેશભાઈ ઉપાધ્યાય અને તેમના મિત્રોએ મળીને સેવાની પ્રવૃતિઓ શરૂ કરી હતી. જે આજે એક વિશાળ વટવૃક્ષમાં ફેરવાઈ ગયું છે. બોલબાલા ટ્રસ્ટ ભુખ્યાને ભોજન આપવાની સાથે આરોગ્યના કેમ્પ પણ કરે છે. ટ્રસ્ટની હોમિયોપેથિક અને આયુર્વેદિક ડિસ્પેનસરી પણ છે. સાથે જ તેઓ યુવતીઓ સ્વાવલંબી થઈ શકે તે માટે 10 રૂપિયાના ટોકન દરે સિવણ, બ્યુટી પાર્લર, મહેંદીના ક્લાસીસ ચલાવે છે. જેથી તેમને કોઈના પર નિર્ભર ન રહેવું પડે. આ ટ્રસ્ટ દર્દીઓને માત્ર 2 રૂપિયાના ટોકન દરે રહેવા અને જમવાની સુવિધા પુરી પાડે છે.'
સંકટ સમયની સાંકળ છે ટ્રસ્ટ
રાજકોટમાં કોઈ પણ સંકટ આવે એટલે ટ્રસ્ટ હંમેશા સેવામાં હાજર રહે છે. ચોમાસા દરમિયાન જો કોઈ વ્યક્તિ રસ્તા પર પલળતું દેખાય તો તેને પ્લાસ્ટિકના ટેન્ટ અને પહેરવાના સુકા કપડાની પણ વ્યવસ્થા કરી આપે છે. થોડા સમય પહેલા રાજકોટમાં ઝુંપડાઓ બળી ગયા હતા જેના કારણે સ્થાનિકોની તમામ ઘરવખરી સાફ થઈ ગઈ હતી. આ સમયે પણ ટ્રસ્ટ મદદે આવ્યું અને તેમને ઘર વખરીનો તમામ જરૂરી સામાન આપ્યો હતો. આફત કોઈ પણ હોય બોલબાલા ટ્રસ્ટ મદદ કરવામાં અગ્રેસર રહ્યું છે.
શરૂ કરી અન્નપૂર્ણા હેલ્પલાઈન
અન્નપૂર્ણા રથની સાથે બોલબાલા ટ્રસ્ટે અન્નપૂર્ણા હેલ્પ લાઈન પણ શરૂ કરી છે. આ હેલ્પ લાઈન આજની ફૂ઼ડ ડિલીવરી એપ્લિકેશનની જેમ કામ કરે છે. તમે જ્યાં કહો ત્યાં તેઓ જમવાનું પહોંચાડી દેશે અને તે પણ ફ્રીમાં. ટ્રસ્ટનો અન્નપૂર્ણા રથ તો શહેરના રસ્તા પણ જે કોઈ ભુખ્યું દેખાય તેને જમાડે છે પરંતુ તેમને એવો પણ વિચાર આવ્યો કે એવા લોકો કે જેઓ ક્યાંક એવી જગ્યાએ હોય જ્યાં રથ ન પહોંચે તેવા લોકો માટે ખાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. શહેરના કોઈ પણ ખુણે છે કોઈ પણ વ્યક્તિ માહિતી આપે કે આ જગ્યાએ ભોજનની જરૂર છે. ત્યાં ભોજન પહોંચી જાય છે. આ માટે ટ્રસ્ટે ખાસ સ્ટાફ પણ રાખ્યો છે. જેઓ ફોન રીસિવ કરી વિગતો નોંધે છે અને ટ્રસ્ટના માણસો નિયત જગ્યાએ ટિફિન પહોંચાડે છે.
દુખિયાનું બેલી છે ટ્રસ્ટ
કોઈ પણ પ્રકારના નાત, જાત, ઉંમરના ભેદભાવ વિના આ ટ્રસ્ટ કામ કરે છે. તાજેતરમાં શહેરના કલ્યાણ નગર વિસ્તારમાં એક વૃદ્ધાની ટ્રસ્ટે મદદ કરી હતી. 105 વર્ષ આસપાસની આ વૃદ્ધાનું ઉંમર હતી. જેઓ છેલ્લા બે દાયકાથી પથારીમાં જ પડ્યા હતા. તમામ ક્રિયાઓ એક જ જગ્યાએ થતી હતી. તેમના પરિવારજનો તેમની સંભાળ નહોતા રાખતા. જ્યારે ટ્રસ્ટને આ માહિતી મળી ત્યારે તેઓ તરત ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો વૃદ્ધાના તન પર કપડા પણ નહોતા. ટ્રસ્ટની બહેનોએ તેમને નવડાવ્યા, તેમના નખ અને વાળ કાપ્યા અને વ્યવસ્થિત કરી ખાટલામાં સુવડાવ્યા. ટ્રસ્ટની બહેનોએ તેમની રહેવાની જગ્યા પણ સાફ કરી. તેમના પરિવાર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે વૃદ્ધા તેમનું નથી માનતા. જો કે હવે પરિવારના લોકો તેમનું ધ્યાન રાખી રહ્યા છે.
ટ્રસ્ટે શરૂ કરી છે ગુપ્ત સેવા
બોલબાલા ટ્રસ્ટ વર્ષોથી શહેરમાં કોઈનું નિધન થાય તો નિહારનો સામાન નિઃશુલ્ક આપે છે. સાથે જો કોઈને સ્વજનની રાહ હોય અને કાચની પેટીની જરૂર હોય તો તે પણ આપે છે. અને હવે ટ્રસ્ટે જેમના ઘરમાં દુઃખદ બનાવ બન્યો હોય તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ શરૂ કરે છે. જો કોઈને ઘરમાં નિધન થયું હોય તો તેમની જરૂરિયાતો પ્રમાણે ટિફિટ તૈયાર કરીને ગુપ્ત રીતે તેમના ઘરે પહોંચાડે છે. તેમાં ટ્રસ્ટનું નામ નથી આપવામાં આવતું.
વરિષ્ઠ નાગરિકો આપે છે સેવા
બોલબાલા ટ્રસ્ટે સીનિયર સિટિઝન સેવા સંસ્થા શરૂ કરી છે. જેમાં નિવૃત વરિષ્ઠ નાગરિકો સેવા આપે છે અને ટ્રસ્ટની કામગીરીમાં મદદ કરે છે. જેની સાથે જોડાયેલા SBIના નિવૃત અધિકારી જયવંતભાઈ ચોવટિયા કહે છે કે, બોલબાલા ટ્રસ્ટની પ્રવૃતિઓ તેઓ વર્ષોથી જોતા આવ્યા છે. તેમના પરિવારમાં જ્યારે મેડિકલ સાધનોની જરૂર હતી ત્યારે ટ્રસ્ટે તેમની મદદ કરી હતી. જેથી નિવૃત થયા પછી તેમને સમાજને કાંઈક પાછું આપવાની ઈચ્છા હતી, એટલે તેઓ ટ્રસ્ટમાં જોડાઈ ગયા.
જયવંતભાઈ અને તેમની ટીમે 325 જેટલા વરિષ્ઠ નાગરિકોને હરિદ્વારની જાત્રા પણ કરાવી હતી. તમામ લોકોને તેઓ ટ્રેનથી હરિદ્વાર લઈ ગયા હતા. ત્યાં 10 દિવસ ભાગવત સપ્તાહનું રસપાન કરાવ્યું સાથે સાંજે આસપાસના ધાર્મિક સ્થળોના દર્શન પણ કરાવ્યા. જયવંતભાઈ કહે છે કે જ્યારે બધા લોકો હેમખેમ પાછા આવ્યા તે અમારા માટે સૌથી સુખદ ક્ષણ હતી.
નાના નાના દાતાઓની સહાયથી ચાલે છે ટ્રસ્ટ
બોલબાલા ટ્રસ્ટ સાથે લાંબા સમયથી સંકળાયેલા ઈશિતા પાઠક કહે છે કે, 'બોલબાલા ટ્રસ્ટ નાના નાના દાતાઓની સહાયથી ચાલે છે. અમારી પાસે કોઈ એવા મોટા દાતા નથી પરંતુ નાના દાતાઓની સહાયથી જ ટ્રસ્ટ છે. અમે થોડા સમયમાં આપણી દિવાલ શરૂ કરવા જઈએ છે. જેમાં અલગ અલગ ખાના હશે. જેમાં જમવાનું, સુકો નાસ્તો લોકો રાખી જશે. અને જેને જરૂર હશે તેઓ લઈ જશે.'
બોલબાલા ટ્રસ્ટ યુવકતીઓને સ્વાવલંબનની તક પણ આપે છે. અને આ યુવતીઓ ટ્રસ્ટનો આભાર પણ માને છે. ઈશિતા કહે છે કે, 'આમ તો ટ્રસ્ટ ઘણી પ્રવૃતિઓ ચલાવે છે. પરંતુ મેડિકલ સાધનોની સહાય તેમનું સૌથી ગમતું કામ છે. નાનામાં નાના સાધનોથી લઈને આધુનિક સાધનો ટ્રસ્ટ વિના મૂલ્યે આપે છે.'
આ પણ જુઓઃ રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?
એક દિવસનો આ ટ્રસ્ટનો સવાથી દોઢ લાખનો ખર્ચ આવે છે. ક્યારેક એવી પણ સ્થિતિ થાય કે રાશન ખૂટે પરંતુ ટ્રસ્ટનું કામ ક્યારેય અટક્યું નથી. દાતાઓ હંમેશા મદદ કરવા માટે તૈયાર રહે છે. ભુખ્યા, ગરીબ, જરૂરિયાત મંદ લોકોની મદદ કરવા માટે તત્પર રહેતું આ ટ્રસ્ટ આશીર્વાદ સમાન છે.