મોરબી હોનારતે દર્શાવી એકતાની અદ્ભુત મિસાલ

04 November, 2022 09:10 AM IST  |  Morbi | Rashmin Shah

પુલ તૂટ્યાની દસમી મિનિટે ઘટનાસ્થળે પહોંચી ગયેલા હુસેન પઠાણે પચાસ જેટલા લોકોના જીવ બચાવ્યા અને એની નોંધ અધિકારીઓથી માંડીને રાજકારણીઓએ પણ લીધી, આર્મી, નેવી અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ સેલે હેલ્પ લીધી હતી

હુસેન પઠાણ


રાજકોટ ઃ રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો અને આ ઘટનામાં ૧૫૦થી વધુ લોકોનાં મોત થયાં, પણ જો તરત જ બચાવકાર્ય શરૂ ન થયું હોત તો આ મરણાંક ઘણો વધ્યો હોત. ઝૂલતો પુલ તૂટતાં જે બચાવકાર્ય શરૂ થયું એમાં સૌથી પહેલાં સ્થાનિક લોકો હતા અને એમાં ૨૬ વર્ષનો હુસેન પઠાણ પણ છે. હુસેને પુરવાર કર્યું કે માણસાઈથી આગળ કશું હોતું નથી.
હુસેને ઘટનાની રાતે એકલા હાથે પચાસેક જેટલા લોકોના જીવ બચાવ્યા હતા. હુસેનનું ઘર પુલની નજીક જ હોવાથી તેના ઘરે વહેલા સમાચાર મળ્યા હતા. હુસેન કહે છે કે ‘મને જેવી ખબર પડી એટલે હું તરત દોડતો પુલ પર પહોંચ્યો હતો. હું ઘરેથી નીકળ્યો હતો ત્યારે જ મેં કહી દીધું હતું કે હું બચાવવા જાઉં છું, પાછો ન આવું તો ચિંતા ન કરતા.’
પુલ પાસે ગયા પછી હુસેને જોયું કે હાજર હતા એમાંથી મોટા ભાગના મોબાઇલ હાથમાં લઈને વિડિયો શૂટ કરતા હતા, પણ હુસેને ક્ષણનોય વિલંબ કર્યા વિના સીધા જ મચ્છુમાં ઝંપલાવ્યું હતું અને જેમ-જેમ લોકો હાથમાં આવતા ગયા એમ-એમ બધાને બહાર કાઢવા માંડ્યો. હુસેન કહે છે, ‘જો પુલ પર મારી મા કે બહેન હોત તો હું બચાવવા ગયો જ હોત. આ બધાં પણ કોઈનાં તો સગાં હતાં, મારે જવું જ જોઈએ.’
હુસેને લગભગ અઢી કલાક સુધી પાણીમાં રહીને એક પછી એક લોકોને બહાર કાઢ્યા હતા અને તેમની લાઇફ બચાવી હતી.
સન્માનની વાત હોય!
હુસેને કરેલી કામગીરીની નોંધ સ્થાનિક સંસ્થાઓથી માંડીને નગરપાલિકાના અધિકારીઓએ પણ લીધી હતી, જેને લીધે ગઈ કાલથી એકધારા તેને ફોન આવી રહ્યા છે કે અમારી સંસ્થા તમારું સન્માન કરવા માગે છે. હુસેન કહે છે, ‘જ્યારે મારી સિટીમાં આટલા લોકો ગુજરી ગયા હોય ત્યારે મને સન્માન શોભે? હું જ નહીં, મારા જેવા કેટલાય યંગસ્ટર્સ હતા જેમને ઝૂલતો પુલ પડ્યાની ખબર પડી હતી અને તેઓ તરત લોકોને બચાવવા આવી ગયા હતા. બધાએ સમાજનું કામ કર્યું છે, આમાં હારતોરા ન હોય.’
આર્મી, નેવી અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ સેલે પણ હુસેનની હેલ્પ લીધી હતી અને લોકો ક્યાં-ક્યાં હોઈ શકે એ શોધવા માટે હુસેનને સાથે લઈને દોઢ દિવસ સુધી બોટ મચ્છુ નદીમાં ફરી હતી.

gujarat news morbi