21 August, 2021 05:17 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021 (ગુજકેટ)નું પરિણામ આજે જાહેર થયું છે. જે ઉમેદવારોએ આ મહિનાની શરૂઆતમાં ફાર્મસી અને એન્જિનિયરિંગમાં પ્રવેશ પરીક્ષા આપી હતી, તેઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ની સત્તાવાર વેબસાઇટ result.gseb.org.in પર તેમના પરિણામો જોઈ શકે છે. વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોના ડિગ્રી અને ડિપ્લોમા કાર્યક્રમોમાં પ્રવેશ આપવા માટે ગુજકેટ લેવામાં આવે છે. પરીક્ષા 6 ઓગસ્ટના રોજ લેવામાં આવી હતી.
આ વર્ષે 1,17,932 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી અને 1,13,202 ગુજકેટ 2021માં હાજર રહ્યા હતા. 99થી વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગ્રુપ Aમાં 474 અને ગ્રુપ Bમાં 678 હતી. ઉપરાંત ગ્રુપ Aમાં 98 પર્સન્ટાઇલ સ્કોર કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગ્રુપ Aમાં 940 અને ગ્રુપ B માં 1347 છે.
ગુજકેટ પરિણામ 2021: કેવી રીતે તપાસવું
GSEB પરિણામ વેબસાઇટ result.gseb.org પર જાઓ
ગુજરાત સીઈટી પરિણામ લિંક પર ક્લિક કરો
તમારો સીટ નંબર એન્ટર કરો અને સબમિટ કરો
પરિણામ ડાઉનલોડ કરો. ભવિષ્યના ઉપયોગ માટે તમે પ્રિન્ટઆઉટ પણ લઈ શકો છો
ઉલ્લેખનીય છે કે ગુજકેટ 2021માં બે પેપર હતા. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પેપર 120 મિનિટ અને ગણિતનું પેપર માટે 60 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. પરીક્ષા હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં લેવામાં આવી હતી. દરેક સાચા જવાબ માટે વિદ્યાર્થીઓને એક ગુણ આપવામાં આવ્યો હતો, તો દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે હવે રાજ્યની એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે પ્રક્રિયાની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.