બિનસચિવાલય ક્લર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યાનો આક્ષેપ, ઉમેદવારોનો હોબાળો

18 November, 2019 10:16 AM IST  |  Surendranagar

બિનસચિવાલય ક્લર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યાનો આક્ષેપ, ઉમેદવારોનો હોબાળો

વિજય રૂપાણી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લર્કની પરીક્ષા લેવાઈ હતી. ૩૭૦૦ જગ્યાઓ માટે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી ૧૧ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્યના દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષામાં ભાગ લીધો હતો. અગાઉ અનેક પ્રકારના વિવાદોના કારણે બિનસચિવાલય પરીક્ષા ખૂબ જ હાઈવૉલ્ટેજ ડ્રામા બની ગઈ હતી.

જોકે આ પરીક્ષામાં ગૌણસેવા પસંદગી મંડળના છબરડાઓ બહાર આવ્યા હતા. આ પરીક્ષામાં દલિત વર્ગ માટે વિવાદિત શબ્દ વપરાયો હતો. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર દલિત અને વાલ્મીકિ સમાજ માટે વિવાદિત શબ્દ વાપરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર આ શબ્દ બોલવો કે લખવો ગુનો બને છે. પરંતુ ગૌણસેવા પસંદગી મંડળ જાણે એને ઘોળીને પી ગયું હોય એ પ્રકારે આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે હાલ મોટા પાયે વિવાદ પેદા થયો છે.

બીજી તરફ સુરેન્દ્રનગરમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓએ પેપરનું સીલ તૂટેલું હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો. સામાન્ય રીતે વર્ગમાં પેપરનું પૅકેટ સીલબંધ આવે છે અને બે વિદ્યાર્થીઓની હાજરીમાં એનું સીલ તોડવામાં આવે છે અને બે વિદ્યાર્થીઓની એમાં સહી પણ લેવામાં આવે છે. જોકે સુરેન્દ્રનગરમાં આ પૅકેટ ન માત્ર ખુલ્લું આવ્યું હતું, પરંતુ કોઈ વિદ્યાર્થીની સહી પણ નહોતી. ઉમેદવારોએ ગેરરીતિની આશંકા સાથે હોબાળો મચાવ્યો હતો. તેમણે આ અંગે પોલીસ તપાસની પણ માગ કરી છે.

gujarat