11 April, 2020 12:00 PM IST | Mumbai Desk | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવા સમયે હવે તબલીગી જમાતના બીજા ગ્રુપ એવા સુરા ચોર્યાસી જમાતે ગુજરાતમાં દેખા દેતાં તંત્ર સાવધ બન્યું છે એટલું જ નહીં, ગુજરાતમાં સુરા ચોર્યાસી જમાતના ૪ જણની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયા છે. ખુદ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ માહિતી જાહેર કરતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘સુરા પ્રકારના ચોર્યાસી જમાતના ૪ લોકોની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી છે. આ ૪ જણ ભરૂચ જિલ્લાના છે.’
ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગઈ કાલે પત્રકારોને આ વિગતો આપતાં કહ્યું હતું કે ‘સુરા નામનો તબલીગી જમાતના એક બીજો ભાગ પણ છે. આ સુરા પ્રકારની ચોર્યાસી જમાત ગુજરાતમાં હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ ચોર્યાસી જમાતના કુલ મળીને ૧૦૯૫ લોકો હાલ ગુજરાતમાં હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ ચોર્યાસી જમાત પૈકી ૨૫ જમાત કર્ણાટક રાજ્યના અને ૧૯ જમાત તમિલનાડુ રાજ્યની છે. બાકીની જમાત દેશના અલગ-અલગ ભાગોની છે. આ ૧૦૯૫ પૈકી ૪ લોકોની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી છે. આ ૪ જણ ભરૂચ જિલ્લાના છે. તેઓ તમિલનાડુના વતની છે. સુરા જમાતની મરકઝથી આવેલી અન્ય વ્યક્તિઓના ટ્રેસિંગની કાર્યવાહી ચાલુ છે.’
દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલી વ્યક્તિઓ સંદર્ભે શિવાનંદ ઝાએ કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં ગુજરાતમાંથી ૧૨૭ નાગરિકો પકડાયા હતા જે મરકઝથી આવ્યા હતા. ગઈ કાલે વધુ ત્રણ વ્યક્તિઓને ઓળખી લેવામાં આવી છે જે ત્રણેય વ્યક્તિઓ ભાવનગરની છે. એમાંથી એકનો કેસ પૉઝિટિવ આવ્યો છે જેથી હવે તબલીગી જમાતના લોકોની કોરોના પાઝૉટિવની કુલ સંખ્યા ૧૩ થઈ છે.’
તેઓએ વધુમાં એમ પણ કહ્યું હતું કે ‘ગુજરાતમાં કોરોનાના સંક્રમણના કેસોની સંખ્યા જ્યાં જ્યાં વધુ છે એ તમામ વિસ્તારોમાં ચુસ્ત લૉકડાઉનનાં શક્ય તેટલાં કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.’