રાજકોટઃ ૩૫૦ રૂપિયાની હેલ્મેટ માટે પોણો કિલોમીટર લાઇન

11 November, 2019 09:00 AM IST  |  Rajkot | Rashmin Shah

રાજકોટઃ ૩૫૦ રૂપિયાની હેલ્મેટ માટે પોણો કિલોમીટર લાઇન

રાજકોટમાં ટોકન ભાવે હેલ્મેટનું વિતરણ

સેવા કરવાની ઇચ્છા હોય તો એ માટે જાતજાતના રસ્તા હોય છે. આવો જ એક માર્ગ રાજકોટના બોલબાલા ચૅરિટેબલ ટ્રસ્ટે અપનાવીને માત્ર માનવધર્મ જ નહીં, રાષ્ટ્રધર્મનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે. હવે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે ત્યારે ગુજરાતમાં હેલ્મેટની કિંમત આસમાને પહોંચી ગઈ છે. ૭૫૦થી લઈને ૪૦૦૦ રૂપિયા સુધીની હેલ્મેટ માર્કેટમાં મળે છે એવા સમયે નાનો માણસ ખેંચાઈ ન જાય અને કાયદાનો ભંગ ન કરે એવા હેતુથી બોલબાલા ટ્રસ્ટે રાહતના દરે હેલ્મેટનું વિતરણ શરૂ કર્યું છે, જેમાં ગઈ કાલે પહેલા જ દિવસે લાંબી લાઇન લગાડીને ૧૦૦૦થી પણ વધુ લોકોએ હેલ્મેટ ખરીદી હતી.

જે હેલ્મેટ માર્કેટમાં ૧૧૦૦ રૂપિયાની મળે છે એ જ હેલ્મેટ ટ્રસ્ટે ૩૫૦ રૂપિયામાં આપવાનું શરૂ કર્યું છે. બોલબાલા ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાયે કહ્યું કે ‘આ પણ એક પ્રકારનું રાહતકાર્ય જ છે. ટ્રસ્ટ બાકીની રકમનો ફાળો કરીને ઓછા દરે હેલ્મેટ આપીને લોકોનો જીવ સલામત રહે અને દેશના કાયદાનું પાલન પણ થતું રહે એ માટે આ કાર્ય કરે છે. ’

આ પણ જુઓઃ કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

હેલ્મેટ ખરીદનારા માટે કોઈ નિયમ નથી. કોઈ નામનું રજિસ્ટ્રેશન પણ કરવામાં નથી આવતું, જેને જેટલી જોઈએ એટલી હેલ્મેટ મળે છે. વધારે હેલ્મેટ લઈ જનારાને લાગણીસભર શબ્દોમાં કહેવામાં આવે છે કે હેલ્મેટ (વેચવાનો)નો દુરુપયોગ ન કરતા, પરિવારના સભ્યોને જ આપજો.આ હેલ્મેટ ખરીદવા માટે ગઈ કાલે પોણો કિલોમીટર લાંબી લાઇન લાગી હતી.

rajkot gujarat