ગીર-સોમનાથમાં બે શંકાસ્પદ જહાજ સીલ કરેલી હાલતમાં મળી આવ્યાં

09 June, 2019 08:41 AM IST  |  ગીર-સોમનાથ

ગીર-સોમનાથમાં બે શંકાસ્પદ જહાજ સીલ કરેલી હાલતમાં મળી આવ્યાં

પ્રતીકાત્મક તસવીર

ગીર-સોમનાથમાં કોસ્ટગાર્ડની કાર્યવાહીમાં સીલ કરેલાં બે શંકાસ્પદ જહાજો દેખાયાં હતાં. આ બન્ને જહાજ ઈરાનનાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં એક જહાજે જળસમાધિ લઈ લીધી છે જ્યારે અન્યને કોડીનારની અંબુજા જેટ્ટી પર લાવવામાં આવ્યું છે. આ જહાજમાં ડ્રગ્સ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હાલમાં કોસ્ટગાર્ડ, આઇબી સહિત પોલીસનો કાફલો અને જામનગર ડૉગ સ્કવૉડ સ્થળ પર પહોંચી ગયાં છે. હાલમાં એટીએસ અને નાર્કોના અધિકારીઓ અહીં આવીને તપાસ હાથ ધરશે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ગઈ કાલે મોડી રાતે ઇન્ડોનેશિયાથી કુવૈત જઈ રહેલું ‘સી શેલ’ નામનું જહાજ ભારતીય જળસીમામાં ઘૂસી આવ્યું હતું. આ જહાજની શંકાસ્પદ હિલચાલને કારણે ભારતીય કોસ્ટગાર્ડની ટીમે એના પર નજર રાખીને એને ઝડપી લીધું હતું.

કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને જહાજમાં રહેલા ૭ ક્રૂ-મેમ્બરોની પૂછપરછ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ દ્વારકા નજીક જોવા મળેલું શંકાસ્પદ જહાજ ઈરાનનું હોવાનું બહાર આવ્યું છે. એનું રજિસ્ટ્રેશન ઇન્ડોનેશિયા નજીક એક ટાપુનું છે. ઈરાનના માલિકે કુવૈતમાં અન્ય વ્યક્તિને એ વેચ્યું હતું. શી સેલ નામનું જહાજ ઇન્ડોનેશિયાથી કુવૈત જઈ રહ્યું હતું. ઇન્ડોનેશિયાથી કુવૈત પહોંચાડવા માટે બે ટગને દોરડા વડે બાંધી જતું હતું એ દરમ્યાન વચ્ચે અનેક વાર ડીઝલ સહિતના પ્રશ્નોથી હેરાન થયું હતું. દીવ નજીક પહોંચતાં એક ટગનું દોરડું તૂટી જતાં એક ટગે દરિયામાં જળસમા‌ધિ લઈ લીધી છે.

આ પણ વાંચો : રૈયોલીમાં ડાયનાસૉર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું

મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં કચ્છના જખૌ બંદરથી ભારતીય તટરક્ષક દળે આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. કોસ્ટગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ લગભગ ૧૦૯ કિલો હોવાનો અંદાજ હતો. કુલ ૧૯૩ પૅકેટ્‌સમાં ડ્રગ ભરેલું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારત આવી રહ્યું હતું. કોસ્ટગાર્ડે કાર્યવાહી કરતાં ડ્રગ્સ ઉપરાંત બોટ સાથે ૧૩ શખસોની ધરપકડ કરી હતી. એમાં ૬ પાકિસ્તાની નાગરિકો અને ૭ ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરી છે.

gujarat