26 October, 2019 11:06 AM IST | Gandhinagar
ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખ (PC : Facebook)
Gandhinagar : ગુજરાતના 13માં મુખ્યપ્રધાન તરીકે સેવા આપી ચુકેલા દિલીપ પરીખનું દુખદ અવસાન થયું છે. 82 વર્ષની ઉમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ પરીખે 128 દિવસ માટે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું. તેઓ 28 ઓક્ટોબર 1997 થી 4 માર્ચ 1998 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. વર્ષ 1937માં જન્મેલા દિલીપ પરીખે મુંબઈમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ હતુ. પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
1995માં દિલીપ પરીખે ભાજપ તરફથી વિધાનસભા ચુંટણી લડી હતી
દિલીપ પરીખ વર્ષ 1990માં તેઓ શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યાં હતાં. 1995માં તેમણે ભાજપની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. ભાજપને બહુમત મળ્યું અને કેશુભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર બની હતી. આ સમય દરમિયાન શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો અને ભાજપથી છૂટા પડીને તેમણે રાષ્ટ્રીય જનતા (RJP) પાર્ટી બનાવી. આ સમયે દિલીપ પરીખ પણ શંકરસિંહ વાઘેલા સાથે જોડાયા હતા. તે સમયે આરજેપીએ કોંગ્રેસ સાથે મળીને લઘુમતી સરકાર બનાવી હતી અને વાઘેલાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. એક વર્ષ બાદ કોંગ્રેસે સપોર્ટ પાછો ખેંચવાની ધમકી આપી અને સમાધાન રૂપે શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું અને તે વખતે દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા હતાં.