ગુજરાતમાં VR-CRની જોડીનો ઉદય

03 March, 2021 10:14 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં VR-CRની જોડીનો ઉદય

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું મોઢું મીઠું કરાવી રહેલા ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ.

ગુજરાતની રાજનીતિમાં સીઆર અને વીઆરની નવી જોડીનો ઉદય થયો છે અને આ બન્નેની જાડીએ સાથે મળીને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાત-દિવસ મહેનત કરીને પોતાના પક્ષને અકલ્પનીય વિજય આપાવી ગુજરાતમાં જાણે કે કૉન્ગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે.

ગઈ કાલે જે રીતે જિલ્લા અને તાલુકા પંચાયતો તેમ જ નગરપાલિકાઓની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ કૉન્ગ્રેસ માટે આઘાતજનક બની રહ્યાં હતાં. ગુજરાતમાં ફરી એક વાર બીજેપીએ ભગવો લહેરાવ્યો અને કૉન્ગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં હતાં.ગુજરાતના આ પરિણામ પાછળ વીઆર અને સીઆરની નવી જોડીનો મોટો ફાળો હોવાનું જણાઈ રહ્યું છે. વીઆર એટલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને સીઆર એટલે ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ  ચંદ્રકાન્ત પાટીલ. વિજય રૂપાણી અને સી. આર. પાટીલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાત-દિવસ જોયા વગર પ્રચાર માટે ચોમેર ફરી વળ્યા હતા એનું આ પરિણામ દેખાયું છે. બન્ને નેતાઓએ પક્ષના અન્ય આગેવાનો સાથે મળીને અનેક સભા ગજવી હતી અને મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીપ્રચાર દરમ્યાન વિજય રૂપાણીની તબિયત લથડી ગઈ ત્યાં સુધી તેઓ પ્રચાર કરતા રહ્યા અને પક્ષ માટેનુ ડેડિકેશન છોડ્યું નહીં. કોરોનામાં સપડાયા અને સાજા થયા ત્યાં ફરી પાછા પ્રચાર માટે બહાર નીકળ્યા અને પાર્ટી સાથે જોર લગાવીને પ્રચાર કર્યો. કદાચ એટલે જ આ સંવેદનશીલ વ્યક્તિની સંવેદના પ્રજાને સ્પર્શી ગઈ છે.

બીજી તરફ પક્ષના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી. આર. પાટીલ જીત માટે ઝનૂનથી લાગી પડ્યા હતા અને ટાર્ગેટ સુધી પહોંચવા માટે કાર્યકરો સાથે મળીને મહેનત કરતાં આ વખતે બીજેપીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અકલ્પનીય વિજય મેળવવાની સાથે ભગવો લહેરાવ્યો છે. પ્રદેશ અધ્યક્ષે પેજ સમિતિને કાર્યરત કરીને મતદારો સુધી પહોંચાડી અને પક્ષની જીતના ટાર્ગેટ સુધી પહોંચવા માટે ભરપૂર પ્રયાસ કર્યા એ ઊડીને આંખે વળગે એવા રહ્યા છે અને એ પ્રયાસ પક્ષને જીત સુધી લઈ ગયા.

gujarat bharatiya janata party Gujarat BJP Vijay Rupani shailesh nayak