Gujarat Election:સુરતમાં પહેલી રેલી કરી આદવાસીને લઈ ભાજપ પર કાળઝાળ થયા રાહુલ ગાંધી

21 November, 2022 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસ સાંસદે કહ્યું કે અમે 70 દિવસથી પ્રવાસ કરી રહ્યા છીએ. લાખો લોકો અમારી સાથે પ્રવાસમાં છે. યાત્રામાં તમામ જાતિ અને ધર્મના લોકો ઉમટી પડે છે.

રાહુલ ગાંધી

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)પણ ગુજરાતના ચૂંટણી જંગ (Gujarat Election 2022)માં ઉતર્યા છે. સોમવારે (21 નવેમ્બર) તેમણે ગુજરાતમાં તેમની પ્રથમ રેલી યોજી હતી. રાહુલ ગાંધીએ સુરત (Rahul Gandhi Surat)માં જનસભાને સંબોધી હતી. કોંગ્રેસ સાંસદે કહ્યું કે અમે 70 દિવસથી પ્રવાસ કરી રહ્યા છીએ. લાખો લોકો અમારી સાથે પ્રવાસમાં છે. યાત્રામાં તમામ જાતિ અને ધર્મના લોકો ઉમટી પડે છે. આ યાત્રા દરમિયાન બે લોકો શહીદ થયા છે, પરંતુ યાત્રા અટકી નથી.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે `એક ગુજરાતી મહાત્મા ગાંધીએ ભારતને એક કરવાનું કામ કર્યું હતું. જ્યારે અમે ખેડૂત સાથે વાત કરીએ છીએ ત્યારે અમને દુઃખ થાય છે. ખેડૂતને યોગ્ય ભાવ મળતો નથી, ખેડૂતોની લોન માફ થતી નથી. આ દેશમાં યુવાનોનું સ્વપ્ન ચકનાચૂર થઈ રહ્યું છે.` તેમણે કહ્યું કે ભારતના પ્રથમ અને વાસ્તવિક માલિક આદિવાસીઓ છે. આદિવાસીઓને તેમની જમીનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

`ભાજપ આદિવાસીઓની પ્રગતિ નથી ઈચ્છતી`

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મારી દાદી (ઇન્દિરા ગાંધી)એ મને શીખવ્યું હતું કે દેશના પ્રથમ માલિક આદિવાસી છે. ભાજપ આદિવાસીઓની પ્રગતિ કરવા માંગતી નથી. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભૂંસી રહી છે. ભારત જોડો યાત્રા દરમિયાન ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી તેમની પીડા અનુભવી. અમે ઇચ્છીએ છીએ કે આદિવાસીઓના ઇતિહાસ અને જીવનશૈલીનું રક્ષણ થાય.

તેમણે કહ્યું કે તેઓ (ભાજપ) તમને એવું નથી કહેતા કે તમે ભારતના પહેલા માલિક છો, પરંતુ તેઓ કહે છે કે તમે જંગલમાં રહો છો, જેનો અર્થ છે કે તેઓ નથી ઈચ્છતા કે તમે શહેરોમાં રહો અને તમારા બાળકો એન્જિનિયર, ડૉક્ટર વગેરે બને.

પ્રવાસ રોકીને ગુજરાત આવ્યો

આ દિવસોમાં રાહુલ ગાંધી કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. આ યાત્રા 7મી સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસના સાંસદો પ્રવાસ અટકાવીને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવ્યા છે. સુરત બાદ રાહુલ ગાંધી રાજકોટમાં પણ બીજી ચૂંટણી રેલીને સંબોધશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

આ પણ વાંચો:Gujarat Election: ગંદા નાળાના કીડાવાળા નિવેદન પર પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

gujarat election 2022 gujarat elections gujarat politics rahul gandhi