ગુજરાત : વાપીમાં 10 મિનિટમાં 10 કરોડની લૂંટથી ચકચાર

10 January, 2020 09:59 AM IST  |  Vapi

ગુજરાત : વાપીમાં 10 મિનિટમાં 10 કરોડની લૂંટથી ચકચાર

વાપીમાં 10 મિનિટમાં 10 કરોડની ચોરી

કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ સલામત ગુજરાતમાં પોલીસને પડકારરૂપ એક મોટી ઘટનામાં દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપીમાં સોનાની સામે ધિરાણ કરનાર ખાનગી કંપની આઇઆઇએફએલની ઑફિસમાં ગઈ કાલે સવારે ઑફિસ ખૂલતાં જ ૬ જેટલા બુકાનીધારીઓ હથિયારો સાથે ત્રાટકીને લાખોની રોકડ રકમ સહિત અંદાજે ૧૦ કરોડ રૂપિયાની કિંમતનું સોનું લઈને ગણતરીની મિનિટોમાં જ ભાગી છૂટ્યા હતા.

લૂંટારાઓએ કર્મચારીને સેલો ટેપથી બાંધીને દિલધડક અને પોલીસનો કોઈ ડર કે ખોફ રાખ્યા વગર ગુજરાતની સૌથી મોટી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આટલી મોટી લૂંટની જાણ ગાંધીનગર સરકારને પણ થતાં પોલીસ ભવન હરકતમાં આવી ગયું હતું અને લૂંટારાઓને ઝબ્બે કરવા નાકાબંધી સહિતના આદેશો છૂટ્યા હતા. ગુજરાતમાં કદાચ આટલી મોટી લૂંટ અને એ પણ સોનાની થઈ હોય એવો આ પ્રથમ કિસ્સો કહી શકાય.

આ પણ વાંચો : આજે વિધાનસભાનું એક-દિવસીય સત્રઃ વિપક્ષ હોબાળો મચાવશે

વાપીના ચણોદ વિસ્તારમાં ચંદ્રલોક અપાર્ટમેન્ટના પહેલા માળે આઇઆઇએફએલ ગોલ્ડ લોન બૅન્કમાં સવારે પોણા ૧૦ વાગ્યાની આસપાસ એક બાદ એક ૬ જેટલા બુકાનીધારી ઘૂસ્યા હતા. બુકાનીધારી શખ્સોએ રિવૉલ્વર તેમ જ ઘાતક હથિયારો બતાવી કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને બંધક બનાવ્યા હતા. લોકરની ચાવીઓ લઈ લૉકર ખોલી અંદર રહેલું આશરે ૮ કરોડથી વધુનું સોનું લૂંટીને તમામ લૂંટારા ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે એસપી તેમ જ વાપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આશરે ૧૦થી ૧૫ મિનિટમાં જ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.

gujarat Crime News