બોલો, ગાંધીબાપુએ સ્થાપેલા આશ્રમનું સાચું નામ શું?

24 June, 2019 08:53 AM IST  |  અમદાવાદ

બોલો, ગાંધીબાપુએ સ્થાપેલા આશ્રમનું સાચું નામ શું?

ગાંધી આશ્રમ

મહાત્મા ગાંધીએ સ્થાપેલા અને જે ઐતિહાસિક સ્થળેથી બાપુએ દેશની આઝાદીની લડત ચલાવી હતી એ અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ આશ્રમનું સાચું નામ શું છે એ જો પૂછવામાં આવે તો મોટા ભાગના નાગરિકો સાબરમતી આશ્રમ કે પછી ગાંધી આશ્રમ એવું કહે, પરંતુ આ બન્ને નામ સાચાં નથી. વર્ષોથી લોકજીભે આ બન્ને નામ રમતાં થયાં હોવાથી દેશ અને દુનિયાના નાગરિકો બાપુના આશ્રમને આ બે નામથી ઓળખે છે, પરંતુ હકીકત એ છે કે સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ સાચું નામ નથી, સાચું નામ હરિજન આશ્રમ છે અને આશ્રમ આ નામે આજે પણ રજિસ્ટર્ડ છે.

અમદાવાદમાં આવેલા ગાંધીજીના વિશ્વપ્રસિદ્ધ આશ્રમની બહાર આશ્રમના સત્તાવાળાઓએ બોર્ડ માર્યું છે જેમાં સાબરમતી આશ્રમ નામ લખેલું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને બોર્ડ માર્યું છે એમાં ગાંધી આશ્રમ નામ લખવામાં આવ્યું છે. આશ્રમની અંદર પ્રવેશો તો અંદર આશ્રમ સત્તાવાળાઓએ સાબરમતી આશ્રમ અને ગાંધી આશ્રમ નામ બોર્ડ પર દર્શાવ્યાં છે. જોકે આ બન્ને નામો જોઈને સહેલાણીઓ અસમંજસમાં મુકાઈ જાય છે કે એક આશ્રમનાં બે નામ તો એમાંથી સાચું નામ કયું હશે. જોકે આ બન્ને નામ વર્ષોથી લોકજીભે રમતાં થયાં છે અને એ નામથી આશ્રમ દેશ અને દુનિયામાં ઓળખાય છે.

આ પણ વાંચો : રથયાત્રા પહેલા અમદાવાદમાં 24 કલાકમાં પોલીસને આવ્યો બીજો ધમકીભર્યો કૉલ

આશ્રમના નામના મુદ્દે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી અને ગાંધી સ્મારક સંગ્રહાલયના ડિરેક્ટર અમૃત મોદીને પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પહેલાં આ આશ્રમનું નામ સત્યાગ્રહ આશ્રમ હતું, એ પછી ઉદ્યોગ મંદિર અને ત્યાર બાદ ગાંધીજીએ છેલ્લે હરિજન આશ્રમ નામ પાડ્યું હતું અને આ નામ હાલમાં રજિસ્ટર્ડ છે. ૧૯૫૧–’૫૨ પછી લોકો આશ્રમને સાબરમતી આશ્રમ કહેવા લાગ્યા. ૧૯૬૦ પછી લોકો ગાંધી આશ્રમ કહેવા લાગ્યા એટલે સાબરમતી આશ્રમ અને ગાંધી આશ્રમ એ બે નામ લોકોએ આપ્યાં છે.

ahmedabad gujarat mahatma gandhi