AMCએ આગ લાગ્યા બાદ ખોદ્યો કૂવો, દેવ ઓરમના 3 ટાવર સીલ

09 April, 2019 05:08 PM IST  |  અમદાવાદ

AMCએ આગ લાગ્યા બાદ ખોદ્યો કૂવો, દેવ ઓરમના 3 ટાવર સીલ

દેવ ઓરમના 3 ટાવર સીલ

અમદાવાદના આનંદનગરમાં આવેલા દેવ ઓરમ ઈમારતમાં આગ લાગ્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું છે. ઘટના બાદ AMCની એસ્ટેટ શાખાએ આજે સવારે કોમ્પલેક્સના 3 ટાવરને સીલ કર્યા હતા. જો કે ઈમારતને સીલ મારતા સમયે એક રેસ્ટોરન્ટમાં રહેલી કર્મચારીઓને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ વેપારીઓએ વિરોધ કરતા થોડા સમય માટે આ સીલ ખોલવામાં આવ્યા હતા. વેપારીઓની માંગ હતી કે અંદર પડેલા સામાનને ખસેડવા દેવામાં આવે.

શા માટે મારવામાં આવ્યું સીલ?
બીયૂ મળ્યા બાદ બિલ્ડિંગની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અને આ ફેરફાર જીવના જોખમનું કારણ બન્યો હતો. મુખ્ય પગથિયા હોય તેનો ખુલ્લો ભાગ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ધુમાડો બહાર જવાની જગ્યા નહોતી રહી. આ સીલ હવે ફાયર NOC મળ્યા બાદ જ ખોલવામાં આવશે.

કઈ રીતે લાગી હતી આગ?
દેવ ઓરમ બિલ્ડિંગની ઈલેક્ટ્રિક ડક્ટમાં ઓવરલોડિંગથી આગ લાગી હતી. આ ધુમાડો ચાર માળ સુધી ફેલાયો હતો અને 100થી વધુ લોકો ગુંગળાયા હતા. આગ લાગી તે ડક્ટના દરવાજા પેક નહોતા. આગ લાગતા ધુમાડો ચોથા માળથી આઠમાં માળ સુધી ફેલાયો હતો. જેને કાબૂમાં લેવા માટે 12 ફાયર ટેન્ડર લાવવા પડ્યા હતા. જે ડક્ટમાં આગ લાગી હતી તે નિયમ પ્રમાણે એક લોખંડના બોક્સમાં હોવી જોઈએ જેથી ધુમાડો સીધો ઉપર ન જાય.

ફાયર સિસ્ટમ હતી માત્ર નામની
દેવ ઓરમમાં ફાયર સેફ્ટી સિસ્ટમ હતી પરંતુ માત્ર નામની. પંપમાંથી પાણી નહોતું મળ્યું અને અલાર્મ બંધ હોવાના કારણે લોકોને ચેતવણી પણ ન મળી. તમામ ફ્લોર પરથી હાઈડ્રન્ટ વાલ્વ ચોરાયા હોવાનું પણ સામે આવ્યું છે.


ahmedabad gujarat