માઇનસ 35 ડિગ્રીમાં યુએસ-કેનેડા બોર્ડરે થીજીને મૃત્યુ પામેલ પરિવાર ગુજરાતના ડિંગુચા ગામનો

28 January, 2022 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ચારેય જણા ગુજરાતના મહેસાણા પાસેના ડિંગુચા ગામના છે. આ વાતને મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કરી છે. ઇન્ડિયન હાઇ કમિશનને આ માહિતી આપવામાં આવી છે.

યુએસ-કેનેડા બોર્ડરે થીજીને મૃત્યુ પામેલ પરિવાર

યુએસ-કેનેડાની સરહદે 19મી જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદેસર ઘુસવા જતા ભારે ઠંડીને કારણે થીજી જઇને મોતને ભેટેલા ચાર જણની ઓળખાણ થઇ છે. આ ચારેય જણા ગુજરાતના મહેસાણા પાસેના ડિંગુચા ગામના છે. આ વાતને મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કરી છે. ઇન્ડિયન હાઇ કમિશનને આ માહિતી આપવામાં આવી છે.

ભારતના હાઈકમિશને ગુરવારે આ અંગે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે. તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર-3) છે.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને મૃતદેહો મળ્યા હતા

19મી જાન્યુઆરીએ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને મૃતદેહો મળ્યા હતા જેમાંથી બે બાળકો હતા અને બે વયસ્કો હતા. આ આખો કિસ્સો ગેરકાયદેસર અમેરિકામાં ઘુસવાનો હતો. આ પરિવાર પહેલીવાર 12 જાન્યુઆરીના રોજ ટોરન્ટોમાં આવ્ય અને તે કેનેડામાં તેમનો પહેલો એન્ટ્રી પોઇન્ટ હતો ત્યાંથી તેઓ ઇન્ટરનેશનલ બોર્ડ પાસે 18 જાન્યુઆરીના દિવસે પહોંચ્યાં. કેનેડા પોલીસના જણાવ્યા અનુસાર આ પરિવારને કોઇ બોર્ડર પર ઉતારી ગયું હશે કારણકે લાશોની આસપાસ કોઇ વાહન મળ્યું હતું. હ્યુમન સ્મગલિંગનો કેસ ગણાવતા પોલીસે કહ્યું કે આ પરિવારને જાણતા હશે તેવા કોઇ માણસોનો સંપર્ક કરીને વધુ વિગતો મેળવી શકાશે. ચારે મૃતદેહોની ઓટોપ્સી કરવામા આવી અને જાહેર કરાયું કે તેઓ ઠંડીમાં ઠુંઠવાઇને મૃત્યુ પામ્યા હતા. માઇનસ ૩૫ ડિગ્રીમાં થીજીને મોતને ભેટલા આ પરિવાર અંગે હાઇ કમિશન અને કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા સતત માહિતી મેળવી રહ્યું છે. ગુજરાતના પોલીસ વડાએ સીઆઇડી ક્રાઇમને હ્યુમન ટ્રાફિકીંગ અંગે માહિતી મેળવવા અપીલ કરી છે.

કેનેડામાં કડકડતી ઠંડીને કારણે બધું જ અટકેલું છે એવામાં આ સમાચાર આઘાતજનક છે. દિવ્યભાસ્કરના એક રિપોર્ટ અનુસાર આ પરિવારે કોઇ એજન્ટ સાથે 1.65 કરોડની ગોઠવણ કરી હતી જેથી તેઓ કેનેડાથી અમેરિકાની બોર્ડર પાર કરી શકે.

national news gujarat canada international news