રાજ્યભરમાં આગઝરતી ગરમી યથાવત: હીટ વેવને કારણે લોકો ત્રાહિમામ

06 June, 2019 07:41 AM IST  |  રાજકોટ

રાજ્યભરમાં આગઝરતી ગરમી યથાવત: હીટ વેવને કારણે લોકો ત્રાહિમામ

હિટ-વેવ

પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ગરમ પવનોની અસરથી સૌરાષ્ટ્રમાં બપોરના સમયે કાળઝાળ ગરમી વરસી રહી છે. હીટ વેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અસહ્ય ગરમીને કારણે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોવા લાગ્યા છે. અમરેલીમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં ૪૨ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.

છેલ્લા ૧૫ દિવસથી સૂરજદાદા આકાશમાંથી અãગ્ન વરસાવી રહ્યા હોવાથી ગરમીનો પારો ઊંચકાયો છે. સતત ગરમીનો પારો ઊંચે જતાં લોકો અકળાઈ ઊઠ્યા છે. સવારથી ગરમ પવન ફૂંકાતાં દેહ દઝાદતી ગરમીમાં લોકોને સેકાવાનો વારો આવ્યો છે. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતાં બપોર બાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અગનલાય ફૂંકાતા પવનોને કારણે લોકોને હીટ વેવનો અનુભવ થઈ રહ્યો છે.

ચામડી દઝાડતી ગરમી વચ્ચે અને ઉકળાટમાં વધારો જોવા મળતાં લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે ત્યારે ગરમી એટલી હદે વધી છે કે ઘરના પંખામાંથી પણ ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. ઍર-કન્ડિશનર હોય કે કૂલર કોઈ કામ આપી નથી રહ્યાં. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસથી ગરમીએ માઝા મૂકી છે. કાળઝાળ ગરમીને કારણે જનજીવન પર વિપરીત અસર થઈ રહી છે. માણસો તો ઠીક, પશુ-પંખીઓ માટે પણ આકરી ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે શ્રમજીવીઓની હાલત કફોડી થઈ રહી છે. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં મધ્યાહ્નના સમયે ગ્રામ્ય તેમ જ શહેરના રસ્તાઓ સૂમસામ બની જાય છે.

આ પણ વાંચો : રાજકોટના ડેમમાં 70 દિવસ ચાલે એટલું જ પાણી

વધતા તાપમાન તેમ જ ગરમીના પગલે આરોગ્ય તંત્રે પણ લોકોને તાકીદ કરવાની સાથે બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી બહાર ન નીકળવા તેમ જ જરૂરી સૂચનાઓનું પાલન કરવાનું જણાવ્યું છે.

gujarat rajkot