કચ્છમાં ભરઉનાળે મોટા ભાગનાં જળાશયો તળિયાઝાટક, ગ્રામજનો પાણી માટે લાચાર

26 April, 2019 10:02 AM IST  | 

કચ્છમાં ભરઉનાળે મોટા ભાગનાં જળાશયો તળિયાઝાટક, ગ્રામજનો પાણી માટે લાચાર

ભર ઉનાળે જળાશયો સુકાભટ્ટ

ઉનાળાની શરૂઆતમાં કચ્છમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં છેવાડાનાં ગામોમાં પીવાના પાણી માટે વલખાં મારવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છના મોટા ભાગનાં જળાશયો તળિયાઝાટક થઈ ચૂક્યાં છે. ખાલીખમ ડૅમોની હાલત જોતાં પાણીની સમસ્યા વિકટ બને એવું લાગી રહ્યું છે. હાલમાં 17 ડૅમો તળિયાઝાટક થઈ ગયાં છે, જયારે કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડૅમ, રાપર તાલુકાના સુવઈ અને ફતેહગઢ ડૅમ નર્મદા નીરથી ભરવામાં આવી રહ્યાં છે. કચ્છ જળાશયો સુકાઈ જતાં આકારો ઉનાળો પાણી વગર કેવી રીતે નીકળશે એવો સવાલ ઊઠી રહ્યો છે.

ભુજ તાલુકાનાં સાત જેટલાં ગામને સિંચાઈ તેમ જ પીવાનું પાણી પૂરું પાડતો રુદ્રમાતા ડૅમ તળિયાઝાટક જોવા મળી રહ્યો છે ગયા વર્ષે ઓછા પડેલા વરસાદને કારણે ડૅમમાં ટીપું પાણી બચ્યું નથી. રુદ્રમાતા ડૅમ આસપાસનાં ગામ માટે જીવાદોરી સમાન છે. ડૅમનું પાણી સુકાઈ જતાં સ્થાનિક લોકો પણ માની રહ્યા છે કે ઉનાળામાં પાણીની સમસ્યાનો લોકોને સામનો કરવો પડશે.

 

આ પણ વાંચો: ઇલેક્શનની સાઇડ ઇફેક્ટ ડાયમન્ડ માર્કેટ ઠપ

 

કચ્છ જિલ્લો ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ જ વિશાળ છે. છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા એટલી હદે વિકટ બની છે કે લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. હજી ઉનાળાની શરૂઆત થઈ છે. પાણી વગર ઉનાળાના દિવસો કેવી રીતે જશે એ સૌથી મોટો સવાલ લોકોને હાલમાં સતાવી રહ્યો છે