ચિંતાજનકઃ ગુજરાતમાં ટીબી કરતાં એઇડ્‌સના દર્દીઓ વધુ

23 July, 2019 08:55 AM IST  |  ગાંધીનગર

ચિંતાજનકઃ ગુજરાતમાં ટીબી કરતાં એઇડ્‌સના દર્દીઓ વધુ

ફાઈલ ફોટો

ગુજરાતમાં એચઆઇવી પૉઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો ટીબીના દર્દીઓથી પણ વધી ગયો છે. રાજ્ય સરકારના આંકડા મુજબ ગુજરાતમાં ટીબીના દર્દીઓની સંખ્યા ૮૨,૬૬૨ છે, જ્યારે એચઆઇવી પૉઝિટિવ દર્દીઓની સંખ્યા ૧,૨૦,૮૬૬ છે.

રાજ્યમાં ટીબી કરતાં પણ એઇડ્‌સના દર્દીઓની વધારે સંખ્યા સરકાર માટે ચિંતાની બાબત છે. નીતિ આયોગે પોતાના રિપોર્ટ ‘હેલ્ધી સ્ટેટ્‌સ, પ્રોગ્રેસિવ ઇન્ડિયા’માં જણાવ્યું હતું કે ગુજરાત ટીબીના સૌથી વધુ કેસો ધરાવતાં રાજ્યોમાંથી એક છે. પ્રતિ એક લાખે ૨૨૪ લોકો ટીબીના દર્દીઓ છે. ગુજરાતથી વધારે ટીબીના દર્દીઓ માત્ર હિમાચલ પ્રદેશમાં પ્રતિ એક લાખે ૨૨૬ છે.

ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી અમદાવાદમાં સૌથી વધારે ૨૨,૮૭૭ એઇડ્‌સના દર્દીઓ છે. આ પછીને ક્રમે ૨૦,૭૭૬ દર્દીઓ સાથે સુરતનો ક્રમ આવે છે. સરકારના આંકડા મુજબ મોરબીમાં સૌથી ઓછા ૭૨૯ એઇડ્‌સના દર્દીઓ છે. ટીબીના દર્દીઓની સંખ્યામાં પણ અમદાવાદ સૌથી ઉપર છે. શહેરમાં ૧૨,૯૭૦ ટીબીના દર્દીઓ છે. આ પછીના ક્રમે ૯૧૦૬ કેસો સાથે સુરતનો નંબર આવે છે. જ્યારે ગુજરાતના ડાંગ જિલ્લામાં સૌથી ઓછા ૨૭૧ ટીબીના દર્દીઓ છે.

આ પણ વાંચો : મા-બાપ સાથે દુર્વ્યવહાર કરનાર પુત્રને પ્રૉપર્ટીમાં કોઈ હિસ્સો નહીં મળે: ગુજરાત હાઈ કોર્ટ

વિધાનસભામાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે પ્રશ્નમાં એઇડ્‌સ, ટીબી અને થેલેસેમિયાના દર્દીઓના આંકડા માગ્યા હતા જેના જવાબમાં રાજ્ય સરકારે આ આંકડાઓ આપ્યા હતા. ધારાસભ્યએ આ સાથે જ રાજ્યમાં દર્દીઓની સારવારની સુવિધાઓ અને મેડિકલ સ્થિતિ વિશે પણ માહિતી માગી હતી.

gujarat hiv aids gandhinagar