કચ્છ સીમા સળગાવવાની તૈયારીમાં પાકિસ્તાન

08 June, 2019 08:33 AM IST  |  ભુજ | ઉત્સવ વૈદ્ય

કચ્છ સીમા સળગાવવાની તૈયારીમાં પાકિસ્તાન

કચ્છ સીમા

કચ્છની સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય રણ તથા દરિયાઇ સીમા પર પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી હરકત વધી રહી છે એવામાં હવે પાડોશી દેશ દ્વારા એની સમગ્ર મરીન વિન્ગને ક્રીક એરિયામાં તહેનાત કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકારે સંપૂર્ણ બહુમતી સાથે ફરી એક વાર દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી અને જમ્મુ-કાશ્મીરમાં નવા સીમાંકનની ચર્ચા વચ્ચે પાકિસ્તાનની આ પ્રકારની તૈયારીને સુરક્ષાના જાણકારો અતિગંભીર માની રહ્યા છે, કારણ કે પાકિસ્તાન દ્વારા માત્ર મરીન વિન્ગ તહેનાત કરવામાં આવી છે, એટલું જ નહીં, પરતું કચ્છના સર ક્રીકને અડીને આવેલા વિસ્તારમાં બે નવી આધુનિક પોસ્ટ ઊભી કરવામાં આવી છે તથા માળખાકીય સુવિધાઓ ઉપરાંત ખાસ પ્રકારનાં સાધનો પણ ગોઠવવામાં આવી રહ્યાં છે.

સીમાપારથી મળી રહેલા અહેવાલ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાને એની સમગ્ર મરીન વિન્ગને જુદા-જુદા સ્થળેથી ખસેડીને કચ્છને અડીને આવેલા ક્રીક એરિયામાં તહેનાત કરી દીધી છે, એટલું જ નહીં, પરંતુ સરક્રીક પાસે આવેલા વિસ્તારમાં બે નવી પોસ્ટ પણ ઊભી કરી દીધી છે. એક બટૅલ્યનને સર ક્રીકમાં, જળ અને જમીન પર રહીને કાર્યવાહી કરી શકે એવી એક બટૅલ્યનને કરાચીમાં તથા ૩૧મી ક્રીક બટૅલયિનને સરક્રીક પાસે આવેલા સુજાવલમાં સ્ટૅન્ડ ટુ રાખવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા કચ્છ સરહદે કરવામાં આવી રહેલી મૂવમેન્ટ પર ભારત દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત: બૂટલેગરે કરી 20 દિવસની બાળકીની નિર્મમ હત્યા

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી થોડા સમય પહેલાં ઝડપાયેલા કરોડોની કિંમતનાં ડ્રગ્સના જથ્થા ઉપરાંત ઘૂસણખોરીની સતત બની રહેલી ઘટનાઓ પછી ભારતીય સુરક્ષા દળોની નિયમિત કરતાં વધુ ચોકસાઈ વધતાં પાકિસ્તાન દ્વારા પણ આ પ્રકારની ગતિવિધિ કરવામાં આવી રહી હોવાનું સુરક્ષા-એજન્સીઓનાં સૂત્રોએ ઉમેર્યું હતું.

kutch pakistan gujarat