હાર્દિક પટેલને બીજેપી વારંવાર હેરાન કરી રહી છે: પ્રિયંકા ગાંધી

20 January, 2020 03:09 PM IST  |  Mumbai Desk

હાર્દિક પટેલને બીજેપી વારંવાર હેરાન કરી રહી છે: પ્રિયંકા ગાંધી

કૉન્ગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું, યુવાનોની રોજગારી અને ખેડૂતોના હકની લડત લડનારા હાર્દિક પટેલને બીજેપી સરકાર વારંવાર હેરાન કરી રહી છે. 

હાર્દિકે પોતાના સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો, તેમના માટે નોકરીઓ માગી, અનામત માગી, ખેડૂતો માટે આંદોલન કર્યું. બીજેપી આને દેશદ્રોહ કહી રહી છે.

હાર્દિક પટેલની શનિવારે વિરમગામ પાસે હાસલપુરમાંથી ધરપકડ કરાઈ હતી. હાર્દિક પટેલની રાજદ્રોહના કેસ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યું હતું અને ૨૪ જાન્યુઆરીએ હાજર થવા કહ્યું હતું. જોકે એની પહેલાં જ ધરપકડ કરવામાં આવી.

અમદાવાદ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ પાટીદાર અનામત સમર્થક રૅલી બાદ થયેલી હિંસા મામલે દાખલ રાજદ્રોહના એક કેસમાં શનિવારે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યું હતું.

હાર્દિકની ધરપકડ કોર્ટના આદેશથી થઈ : નીતિન પટેલ

પ્રિયંકા ગાંધીની ટિપ્પણી પર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જવાબ આપ્યો કે પ્રિયંકાબહેનને કાયદાની ખબર હોવી જોઈએ. હાર્દિકની ધરપકડ કોર્ટના આદેશથી છે. કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે આરોપીએ હાજર રહેવાનું હોય છે. કોર્ટની મુદતમાં હાજર ન રહેતાં વૉરન્ટ નીકળ્યું હતું. આમાં રાજ્ય સરકાર કે પોલીસનો કોઈ રોલ નથી. દેશમાં આવા અનેક બનાવો બન્યા છે.

gujarat priyanka gandhi hardik patel