રંગુનમાં જન્મેલા વિજય રૂપાણીની આવી રહી રાજકીય સફર

11 September, 2021 06:00 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

રંગુનમાં જન્મેલા વિજય રૂપાણી શા માટે રાજકોટ આવ્યાં અને કઈ રીતે મુખ્યપ્રધાન બન્યાં તેના પર એક નજર કરીએ

વિજય રૂપાણી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. વિજય રૂપાણી પાંચ વર્ષ શાસન પૂર્ણ કરનાર ગુજરાતના ત્રીજા મુખ્યપ્રધાન છે. રાજકીય નેતાઓ અલગ અલગ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. જો કે, વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં ખુદ એ વાતની કબુલાત કરી હતી કે, તેમને રાજીનામું આપવા માટે કોઈનું પણ દબાણ હતું નહીં, તેમણે સામે ચાલીને રાજીનામું આપ્યું છે. તો આવો જાણીએ ગુજરાતના 16માં મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીની રાજકીય સફર વિશે..

બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આપણા વિજયભાઇ રૂપાણી રંગુનમાં જન્યા હતા. તેમનો જન્મ 2 ઑગસ્ટ 1956ના દિવસે રંગૂનમાં થયો હતો. 1960માં તેમનો પરિવાર બર્મામાં રાજનૈતિક અસ્થિરતાના કારણે તેઓ રાજકોટ આવી ગયા હતા. રૂપાણીએ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજમાંથી B.A.અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે. વિદ્યાર્થીકાળમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને RSSના એક્ટિવ સભ્ય હતા.વિજયભાઇ રૂપાણી ધર્મેન્દ્રસિંહજી કૉલેજના સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે.

મહત્વનું છે કે જ્યારે ભારતમાં કટોકટી સર્જાઇ તે સમયે વિજયભાઇ રૂપીણી 11 મહિના જેલમાં પણ રહ્યા હતા. તો બીજીવાર વર્ષ 1976માં વિજય રૂપાણીને M.I.S.A એક્ટ હેઠળ જેલ પણ થઈ હતી.1987માં વિજય રૂપાણી રાજકોટમાં કોર્પોરેટર તરીકે ચુંટાયા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા.

1988 થી 1996 સુધી વિજય રૂપાણી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ કામગીરી બજાવી ચુક્યા છે. વિજય રૂપાણી સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જના પ્રેસિડેન્ટ પણ રહી ચુક્યા છે. 1996 થી 1997 દરમિયાન તેઓ રાજકોટના મૅયર રહ્યા. 1998 થી 2002 સુધી તેઓ સરકારની મેનિફેસ્ટો ઈમ્પલીમેન્ટેશન કમિટીના ચેરમેન રહ્યા હતાં. 

મુખ્યપ્રધાનના પદ પર હતા તે દરમિયાન પક્ષ અને સરકારમાં સતત બદલાતા સમીકરણોની વચ્ચે દરેક કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા તેમની કુનેહ કાર્યસાધક બની રહી હતી. તેમણે પડદા પાછળ રહીને ખૂબજ અસરકારક રીતે પક્ષમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિઓને સકારાત્મક રીતે પાર પાડવા પોતાને સાબિત કર્યા હતા. સૌરાષ્ટ્ર પ્રદેશમાં પક્ષની મજબૂતી જાળવી રાખવા માટે પ્રભારી તરીકે તેમનું પ્રદાન ખૂબ જ પ્રભાવશાળી હતું. કુશળ શાસક અને વક્તૃત્વની સાથે સૌમ્યતા અને વિનમ્રતા જેવા અન્ય લક્ષણોએ તેમના વ્યક્તિત્વને તેજસ્વી બનાવ્યું હતું.

રાજીનામું આપ્યાં બાદ વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો  અને પાર્ટીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી મને વહીવટી વિષયોમાં નવા અનુભવો જાણવાનો અને સમજવાની તક મળી છે અને પાર્ટીના કામકાજમાં પણ તેમનો સહકાર અને સહયોગ મારા માટે અમૂલ્ય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો સહયોગ અને માર્ગદરહસં પણ મારા માટે અતૂટ રહ્યો છે.

gujarat Vijay Rupani rajkot bharatiya janata party