વિઝા માટે મિત્રનું ડિગ્રી સર્ટિફિકેટ નામ બદલીને વાપરી લઉં તો ચાલે?

03 March, 2023 02:28 PM IST  |  Mumbai | Dr. Sudhir Shah

તમે તમારા મિત્રની ઓળખ લઈને, એનાં સર્ટિફિકેટો તમારાં છે એવું દેખાડીને અમેરિકાની કંપનીમાં નોકરી મેળવવા ઇચ્છો છો એ છળકપટ છે

પ્રતીકાત્મક તસવીર

હું ગ્રૅજ્યુએટ નથી, પણ કમ્પ્યુટરમાં નિષ્ણાત છું. ભલભલા કમ્પ્યુટર નિષ્ણાતો, જેમણે અમેરિકાની યુનિવર્સિટીઓમાં કમ્પ્યુટરનું શિક્ષણ લીધું હોય તેમને હું મહાત કરી શકું છું. અંગ્રેજીમાં સારી રીતે વાર્તાલાપ કરી શકું છું. આમ છતાં અમેરિકાની ‘ઍપલ’ કે ‘માઇક્રોસૉફ્ટ’ કે એના જેવી મોટી કંપની, જેઓ ભારતીય કમ્પ્યુટર નિષ્ણાતોને પોતાને ત્યાં કામ કરવા ખૂબ ઊંચા પગારે એચ-૧બી વિઝા પર આમંત્રે છે તેઓ ફક્ત હું ગ્રૅજ્યુએટ નથી કે ગ્રૅજ્યુએટ થતાં જેટલો સમય લાગે એનાથી ત્રણગણો કામનો અનુભવ નથી એટલે એચ-૧બી વિઝા પર બોલાવી નથી શકતા. મારી કાબેલિયત જોઈને આ કંપનીઓ મને તરત નોકરી આપવા રાજી થશે, પણ ડિગ્રી ન હોવાના કારણે તેમ જ બાર વર્ષના કામનો અનુભવ ન હોવાના કારણે તેઓ મને સ્પૉન્સર નહીં કરે. જો કરે તો ઇમિગ્રેશન ખાતું મારું પિટિશન અપ્રૂવ નહીં કરે. મારો એક મિત્ર છે જેણે કમ્પ્યુટરના વિષયમાં અભ્યાસ કરીને ગ્રૅજ્યુએટ ડિગ્રી મેળવી છે પણ એ અમેરિકા જવા, ત્યાં નોકરી કરવા નથી ઇચ્છતો. હું મારું નામ બદલી એ મિત્રનું નામ રાખી, એનાં સર્ટિફિકેટો મોકલાવું, મારી સમગ્ર આઇડેન્ટિટી ચેન્જ કરું તો વાંધો આવે? આમ કરવાથી મને ખૂબ જ લાભ થાય એમ છે અને મારા મિત્રને બિલકુલ નુકસાન પહોંચે એમ નથી.

તમે તમારા મિત્રની ઓળખ લઈને, એનાં સર્ટિફિકેટો તમારાં છે એવું દેખાડીને અમેરિકાની કંપનીમાં નોકરી મેળવવા ઇચ્છો છો એ છળકપટ છે. આવું જ છળકપટ મારી એક ક્લાયન્ટે આજથી થોડાં વર્ષો પહેલાં કર્યું હતું. તમારી જેમ જ એ કમ્પ્યુટર નિષ્ણાત હતી, પણ ગ્રૅજ્યુએટ નહોતી. તેણે તેની બહેનપણીનું નામ ધારણ કર્યું. તેનાં સર્ટિફિકેટોનો ઉપયોગ કર્યો અને અમેરિકાની એક સારી કંપનીમાં નોકરી મેળવી, એચ-૧બી વિઝા પર અમેરિકા ગઈ. ઉત્તરોઉત્તર ત્યાં પ્રગતિ કરી અને કંપનીની ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બની.

અમેરિકન સિટિઝન જોડે લગ્ન કર્યાં અને ગ્રીનકાર્ડ મેળવ્યું. ત્યાર બાદ અમેરિકન સિટિઝન બની. કોઈક કારણસર એ ઇન્ડિયા આવી. અહીં તેની બહેનપણીને, જેનું નામ અને સર્ટિફિકેટોનો તેણે ઉપયોગ કર્યો હતો, આ બધી વાતની જાણ થઈ. અદેખાઈના કારણે તેની બહેનપણીએ આ વાતની મુંબઈ કૉન્સ્યુલેટને ફરિયાદ કરી. મુંબઈ કૉન્સ્યુલેટે તપાસ કરી અને એ સ્ત્રીએ તેની બહેનપણીનાં નામ અને સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો છે એ વાત સાચી છે એવું જાણતાં તેમણે એ સ્ત્રીનો યુએસએ પાસપોર્ટ કૅન્સલ કર્યો. એ અમેરિકન સિટિઝન હતી એટલે તેને અમેરિકા પાછા જવા માટે ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ આપ્યા. એ જેવી અમેરિકાના ઍરપોર્ટ પર ઊતરી કે છેતરપિંડીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી. છેલ્લા થોડા મહિનાથી એ સ્ત્રી અમેરિકાની જેલમાં છે. તેનું અમેરિકન નાગરિકત્વ પાછું લઈ લેવાની કાર્યવાહી ચાલે છે. જો તમે પણ આવું ખોટું કરશો તો આજે નહીં ને કાલે પકડાશે. પછી ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાશો. જેલમાં જવું પડશે, દંડ થશે. અમેરિકા બહાર મોકલી દેવામાં આવશે. ભારતમાં પણ તમારી સામે કોર્ટની કાર્યવાહી થશે. દુનિયાના કોઈ પણ દેશમાં પ્રવેશવાના કોઈ પણ પ્રકારના વિઝા તમને મળી નહીં શકે. મહેરબાની કરીને આવું ખોટું નહીં કરતા. આપણા દેશનો જે મુદ્રાલેખ છે : સત્યમેવ જયતે... એ હંમેશાં નજર સમક્ષ રાખજો.

મારે મારા દીકરાને અમેરિકા ભણવા મોકલવો છે, પણ તેને અંગ્રેજી મુદ્દલ આવડતું નથી. અમારો વિઝા કન્સલ્ટન્ટ પાંચ લાખ રૂપિયા લઈને મારા દીકરાને બદલે અન્ય કોઈને ‘આઇલ્ટ્સ’ની પરીક્ષા અપાવવા તૈયાર છે અને એમાં ઓછામાં ઓછા સાત બૅન્ડ્સ આવશે એવી ગૅરન્ટી આપે છે. સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુ માટે વારંવાર પુછાતા સવાલોના જવાબો મારા દીકરાને ગોખાવીને તેમ જ કૉન્સ્યુલર ઑફિસર જોડે ગોઠવણ કરીને મારા દીકરાને સ્ટુડન્ટ વિઝા પણ એ અપાવશે એવી ગૅરન્ટી આપે છે. એ માટે એ બીજા પાંચ લાખ રૂપિયા માગે છે. મારે મારા દીકરાને કોઈ પણ હિસાબે અમેરિકા મોકલવો છે. તો શું હું એ કન્સલ્ટન્ટને દસ લાખ રૂપિયા આપી આ બધું કરાવું?

સૌપ્રથમ તો અમેરિકન કૉન્સ્યુલેટમાં કોઈ પણ જાતની છેતરપિંડી કે ચાલાકી ચાલતી નથી. તેમના બધા જ ઑફિસરો ઑનેસ્ટ છે. બીજું કે જો તમારો દીકરો આવું ખોટું કરતાં પકડાશે તો પછી એ જિંદગીભર અમેરિકા તો શું, ભારતની બહાર બીજા કોઈ પણ દેશમાં જઈ નહીં શકે. ભારતમાં પણ આવું ખોટું કરવા બદલ તેને સજા થશે. જો તમારી પાસે પૈસાની છૂટ હોય તો ‘ઈબી-૫ પ્રોગ્રામ’ હેઠળ અમેરિકાના રીજનલ સેન્ટરમાં આઠ લાખ ડૉલરનું રોકાણ કરીને તમારા દીકરાને ગ્રીન કાર્ડ અપાવી શકો છો.

life and style travel news