ટીનેજ સંતાનને ટોકતાં પહેલાં તપાસી લેજો કે તમારું ઇમોશનલ બૅન્ક-બૅલૅન્સ બરાબર છેને?

01 September, 2026 01:02 PM IST  |  Mumbai | Heena Patel

બાળકો મોટાં થતાં આત્મનિર્ભર બનવા લાગે છે, પરંતુ પેરન્ટ્સની ઇમોશનલ સપોર્ટની જરૂર ક્યારેય પૂરી નથી થતી. પ્રેમભરી વાતચીત અને વિશ્વાસભર્યો વ્યવહાર સંબંધમાં પ્રેમનું બૅન્ક-બૅલૅન્સ જાળવી રાખે છે જે બાળકને પેરન્ટ્સની વાત સમજવા અને સ્વીકારવામાં મદદ કરે છે

સંતાન ગમેએટલું મોટું થાય, એક ટાઇટ હગ અને તેના માથા પર હૂંફાળા સ્પર્શની જરૂર ક્યારેય પૂરી નથી થતી

એક ઉંમર પછી સંતાનો માતા-પિતા પાસે ખૂલીને ઇમોશનલ સપોર્ટ માગવાનું ઓછું કે બંધ કરી દે છે. તેઓ પોતાનાં કામ જાતે કરતાં થાય છે અને સ્કૂલ કે કૉલેજની મુશ્કેલીઓ પણ પોતાની રીતે ઉકેલવા લાગે છે. જોકે આત્મનિર્ભર બનવાનો અર્થ એવો ક્યારેય નથી કે તેમને પેરન્ટ્સનાં સ્નેહ અને હૂંફની જરૂર નથી રહી. પપ્પાનું એક સ્નેહભર્યું હગ કે મમ્મીના ખોળામાં માથું મૂકીને સૂવાથી જે વણકહી હૂંફ મળે છે એ તેમને અંદરથી ઇમોશનલી ખૂબ મજબૂત બનાવે છે. આવાં નાનાં-નાનાં જેસ્ચર્સ પેરન્ટ્સ અને સંતાન વચ્ચેનું ઇમોશનલ બૅન્ક-બૅલૅન્સ સતત વધારતાં રહે છે. આ બૅલૅન્સ એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે પણ બાળકને કોઈ ભૂલ પર ટપારવાની કે શિસ્ત શીખવવાની જરૂર પડે ત્યારે બાળક ગુસ્સે થવાને બદલે કે બળવો કરવાને બદલે પેરન્ટ્સની વાતને વધુ સહજતાથી સ્વીકારે છે. આ સંબંધ પાછળનું વિજ્ઞાન શું છે? મોટાં થતાં સંતાનો સાથે આ ઇમોશનલ બૅન્ક-બૅલૅન્સને કેવી રીતે સતત બરકરાર રાખી શકાય? આવો જાણીએ ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ અને પેરન્ટિંગ એક્સપર્ટ્સ પાસેથી.

ઇમોશનલ સપોર્ટની જરૂરિયાત ઘટતી નથી, એનું સ્વરૂપ બદલાય છે

જેમ-જેમ બાળકો મોટાં અને આત્મનિર્ભર બને છે એમ-એમ માતા-પિતા તરફથી મળતા ઇમોશનલ સપોર્ટની જરૂરિયાત ઘટી જાય છે? એનો જવાબ આપતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘સંતાનો જેમ-જેમ મોટાં થાય છે એમ-એમ માતા-પિતા સાથેનો તેમનો સંવાદ ઓછો થતો જાય છે, પણ એનો અર્થ એવો નથી કે તેમને લાગણીસભર હૂંફની જરૂર નથી રહી. ઉંમર વધવાની સાથે ઇમોશનલ સપોર્ટની જરૂરિયાત ઘટતી નથી, માત્ર એનું સ્વરૂપ અને અભિવ્યક્તિ બદલાય છે. બાળપણમાં બાળક પોતાની લાગણીઓ સીધી રીતે વ્યક્ત કરે છે. નાની એવી વાતમાં તે વહાલથી વળગી પડે છે, આંસુ વહાવી લે છે કે પછી સ્કૂલના મિત્રોની આખી દિનચર્યા આવીને સામેથી કહી દે છે. જોકે ટીનેજમાં પ્રવેશતાં જ તેમના વર્તનમાં એક વળાંક આવે છે. તે પોતાના રૂમમાં એકાંત શોધવા લાગે છે, મનની વાતો છુપાવે છે અને સામાન્ય પૂછપરછ પર પણ ‘હું ઠીક છું, કંઈ નથી થયું’ કહીને વાત ટાળી દે છે. તેઓ પોતાની સમસ્યાઓ જાતે કે દોસ્તોની મદદથી ઉકેલવાનો પ્રયાસ કરે છે. જોકે આ આત્મનિર્ભરતા પાછળ પણ સંતાન અંદરથી તો એ જ ઇચ્છતું હોય છે કે તેને પ્રેમ, કદર, સ્વીકૃતિ અને એક માનસિક સુરક્ષા મળતી રહે. આ તબક્કે સંતાનો એવું નથી ઇચ્છતાં કે માતા-પિતા તેમની દરેક સમસ્યામાં હસ્તક્ષેપ કરીને એને ઉકેલી આપે. તેઓ માત્ર એટલું ઝંખે છે કે કોઈ જજમેન્ટ કે ઊલટતપાસ વિના તેમને એક શાંત લિસનિંગ સ્પેસ મળે. પિતાનો ખભા પર મુકાયેલો હળવો હાથ, ‘ચિંતા ન કર, હું બેઠો છુંને’ એટલો ભરોસો, મમ્મીનો વહાલભર્યો સ્પર્શ કે પછી કોઈ વાતચીત વગર પણ સાથે બેસીને ડિનર કરવું - આ સાઇલન્ટ સપોર્ટ જ સંતાનને અંદરથી વિશ્વાસ આપે છે કે તે ક્યારેય એકલો નથી.’

ઇમોશનલી અવેલેબલ રહેવું

ટીનેજર્સની ઇન્ડિપેન્ડન્સમાં દખલ કર્યા વિના કે તેમને વધુ પડતા ડિપેન્ડન્ટ બનાવ્યા વગર પેરન્ટ્સ તેમની સાથે સ્ટ્રૉન્ગ ઇમોશનલ કનેક્શન કેવી રીતે જાળવી શકે? એ વિશે વાત કરતાં રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘સંતાન મોટું થાય ત્યારે માતા-પિતા સામે સૌથી મોટો પડકાર એ હોય છે કે તેની આત્મનિર્ભરતાને આંચ પહોંચાડ્યા વિના લાગણીશીલ જોડાણ કેવી રીતે જાળવવું? આ સંવેદનશીલ તબક્કે સફળ પેરન્ટિંગનો મૂળ મંત્ર છે સંતાન માટે હંમેશાં ઇમોશનલી અવેલેબલ રહેવું, પણ તેની પર્સનલ સ્પેસમાં અનાવશ્યક દખલગીરી ન કરવી. ઘણી વાર વધુ પડતા સ્નેહ કે ચિંતાને કારણે પેરન્ટ્સ અજાણતાં જ સતત પૂછપરછ કરવા લાગે છે. આ પ્રકારની તપાસ ટીનેજર્સમાં અસહજતા પેદા કરે છે અને તેમને લાગે છે કે તેમના દરેક વર્તનનું મૂલ્યાંકન કે જજમેન્ટ થઈ રહ્યું છે. મોટા ભાગે પેરન્ટ્સ બાળકની દરેક સમસ્યાનું સમાધાન જાતે જ લાવી આપવા માટે ઉતાવળા થતા હોય છે, પણ આ ઉંમરે બાળકને તાત્કાલિક સૉલ્યુશન કરતાં વધુ એવી વ્યક્તિની જરૂર હોય છે જે તેને જજ કર્યા વગર શાંતિથી સાંભળે. જ્યાં સુધી તેઓ સામેથી માર્ગદર્શન ન માગે ત્યાં સુધી ફક્ત તેમની વાતને સંવેદનશીલતાથી સાંભળવી જોઈએ. જ્યારે સંબંધમાં રિસ્પેક્ટ અને હેલ્ધી બાઉન્ડરીઝનું બૅલૅન્સ જળવાય છે ત્યારે બાળક આપણા પર સતત ડિપેન્ડન્ટ રહ્યા વગર પણ કૉન્ફિડન્ટ, સ્વતંત્ર અને સુરક્ષિત બને છે.’

‘કરેક્શન’ પહેલાં ‘કનેક્શન’ જરૂરી

શું મજબૂત ઇમોશનલ બૉન્ડિંગ હોય તો બાળક આપણી શિખામણ કે ટકોરને વધુ સરળતાથી સ્વીકારે છે? એ વિશે વાત કરતાં રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘સંતાનને કંઈક શીખવતી કે ભૂલ સુધારતી વખતે એ આપણી વાત હૃદયપૂર્વક સ્વીકારે એ માટે સંબંધોમાં મજબૂત ઇમોશનલ જોડાણ હોવું અનિવાર્ય છે. પેરન્ટિંગ સાઇકોલૉજીમાં આ પ્રક્રિયાને ઇમોશનલ બૅન્ક-બૅલૅન્સ કહેવામાં આવે છે, જેનો મૂળ મંત્ર છે કરેક્શન કરતાં પહેલાં કનેક્શન અનિવાર્ય છે. માતા-પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ બૅન્કના બચત ખાતા જેવો છે. પેરન્ટ્સ જ્યારે પણ બાળકને શાંતિથી સાંભળે છે, તેના પ્રયાસોની કદર કરે છે, સ્નેહભરી હૂંફ આપે છે કે તેની સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવે છે ત્યારે તેઓ આ ઇમોશનલ ખાતામાં વિશ્વાસની મોટી ડિપોઝિટ જમા કરી રહ્યા હોય છે. એની સામે જ્યારે બાળકની સતત અન્ય સાથે સરખામણી કરવામાં આવે, ટીકા કે કડવા શબ્દો બોલાય, ‘અમારા જમાનામાં તો આવું હતું’ જેવાં મહેણાં મરાય કે સંબંધ વિના માત્ર ઠપકો જ આપવામાં આવે ત્યારે એ લાગણીના ખાતામાંથી મોટું વિધડ્રૉઅલ બની જાય છે. જો તમારા સંબંધોનું આ ઇમોશનલ બૅન્ક-બૅલૅન્સ ભરપૂર અને સ્વસ્થ હશે તો જ્યારે પણ બાળકને કોઈ ભૂલ પર ટપારવાની કે શિસ્ત શીખવવાની જરૂર પડશે ત્યારે તે બળવો નહીં કરે. બાળક માતા-પિતાની ટકોરને જજમેન્ટ કે અપમાન ગણવાને બદલે એક સાચું માર્ગદર્શન ગણીને એને સરળતાથી સ્વીકારશે. જે સંતાન અંદરથી માનસિક રીતે સુરક્ષિતતા અનુભવે છે તે ક્યારેય ડિફેન્સિવ બનીને સામો જવાબ આપવાને બદલે વાતને સમજવાનો પ્રયત્ન કરે છે.’

રોજની બે મિનિટ પણ બની શકે છે ખાસ

જેમ-જેમ બાળકો મોટાં અને વધુ આત્મનિર્ભર બને છે તેમ-તેમ માતા-પિતા તેમની સાથે મજબૂત ઇમોશનલ જોડાણ જાળવી રાખવા માટે રોજિંદા કયાં નાનાં-નાનાં જેસ્ચર્સ અપનાવી શકે? એનો જવાબ આપતાં પેરન્ટિંગ કોચ ચેતના દેઢિયા કહે છે, ‘માતા-પિતાએ હંમેશાં એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તેઓ આજના સમયના ટીનેજર્સ સાથે વ્યવહાર કરી રહ્યાં છે, જેઓ એક તરફ અઢળક માહિતી અને બીજી તરફ એટલાં જ આકર્ષણો કે ડિસ્ટ્રેક્શન્સ વચ્ચે મોટાં થઈ રહ્યાં છે. આ જીવનનો એવો તબક્કો છે જ્યારે માતા-પિતાને લાગે છે કે બાળક હવે મોટું અને વધુ આત્મનિર્ભર થઈ ગયું છે. એથી તેને પોતાની સમસ્યાઓ જાતે ઉકેલવા માટે પૂરતી સ્પેસ આપી દેવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ઉંમરે બાળકો પ્યુબર્ટી અને ભારે હૉર્મોનલ ફેરફારોમાંથી પસાર થઈ રહ્યાં હોય છે. તેઓ એકસાથે ઘણા શારીરિક, માનસિક, લાગણીશીલ અને સામાજિક બદલાવોનો સામનો કરી રહ્યાં હોય છે. આ જીવનનો એવો સમયગાળો છે જ્યારે બાળકને ઇમોશનલી અવેલેબલ માતા-પિતાની સૌથી વધુ જરૂર હોય છે.’

 ‘યંગ ઍડલ્ટ’ તરીકે વર્તો

ખાસ કરીને ટીનેજર્સ સાથે હેલ્ધી ઇમોશનલ બૅન્ક-બૅલૅન્સ જાળવી રાખવા માટે માતા-પિતા કઈ આદતો અપનાવી શકે? એનો જવાબ આપતાં ચેતના દેઢિયા કહે છે, ‘રજાઓમાં ક્યાં જવું એનું પ્લાનિંગ હોય કે પરિવારના કોઈ પ્રસંગનું આયોજન બાળકોને ચર્ચામાં સાથે બેસાડો અને તેમનાં મંતવ્યોને પણ સ્થાન આપો. મહિનામાં એક વાર ફૅમિલી ગેમ નાઇટ રાખો. સાથે ચાલવા, ટ્રેકિંગ કે સ્વિમિંગ કરવા જાઓ અથવા કોઈ સારી ડૉક્યુમેન્ટરી સાથે બેસીને જુઓ. તમારા ટીનેજ અને કૉલેજના દિવસોની વાતો, જેમાં તમે અનુભવેલી મુશ્કેલીઓ કે અસહજ પળો પણ સામેલ હોય, એ સંતાન સાથે ખૂલીને શૅર કરો. આનાથી બાળક વધુ સહજતા અનુભવશે અને તેને સમજાશે કે પોતે જે પડકારોનો સામનો કરી રહ્યું છે એ મોટા થવાની એક સામાન્ય અને કુદરતી પ્રક્રિયા છે. માત્ર ફોન વાપરવા પર મનાઈ ફરમાવવાને બદલે તેમને સોશ્યલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા બન્ને સમજાવીને ડિજિટલ શિસ્ત કેળવો. સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી, અભ્યાસનું દબાણ અને બૉડી-ઇમેજ જેવા માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર તેમની સાથે ખૂલીને વાત કરો. તેમને સમજાવો કે મુશ્કેલીના સમયે કોઈની મદદ માગવી એ નબળાઈ નથી પણ માનસિક મજબૂતીની નિશાની છે. તમારા ટીનેજર સાથે એક યંગ ઍડલ્ટ તરીકે સન્માન અને વિશ્વાસપૂર્વક વ્યવહાર કરો. હંમેશાં યાદ રાખો કે તેનું મન હજી વિકાસ પામી રહ્યું છે અને તે આસપાસની દુનિયામાંથી નવો-નવો અનુભવ મેળવી રહ્યું છે. શક્ય છે કે તમારું સંતાન હંમેશાં તમારી વાત ન માને, પણ તેના મનમાં એ પાકો ભરોસો હોવો જોઈએ કે તે ગમે ત્યારે તમારી પાસે પાછું આવી શકે છે. તેના માટે એક એવી સુરક્ષિત જગ્યા બનો જ્યાં તેને ખબર હોય કે અહીં તેને સ્વીકારવામાં આવશે, સાંભળવામાં આવશે અને પ્રેમ મળશે. ઘણી વાર પપ્પાનું પ્રેમથી ગળે લગાવવું કે મમ્મીનું વહાલભર્યું ચુંબન કોઈ પણ લાંબા ભાષણ કરતાં મોટો જાદુ કરી જાય છે.’ 

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

 બાળક જ્યારે કોઈ વાતથી પરેશાન કે ઉદાસ દેખાય, ત્યારે સીધા પ્રશ્નોનો મારો ચલાવવાને બદલે શાંતિથી માત્ર એટલું કહી શકાય કે ‘મને લાગે છે કે આજે તું થોડો અશાંત છે. જ્યારે પણ તારે વાત કરવી હોય કે મારી જરૂર લાગે, હું હંમેશાં તારી સાથે છું.’ આ નાનકડું વાક્ય બાળકની પર્સનલ બાઉન્ડરીઝનું સન્માન પણ જાળવે છે અને તેના મનમાં એ ભરોસો પાકો કરી દે છે કે ગમે એવી સિચુએશનમાં તે કોઈ પણ સંકોચ વગર તમારી પાસે આવી શકે છે.
 લાગણીસભર જોડાણનો અર્થ એવો ક્યારેય નથી કે બાળકના દરેક અયોગ્ય વર્તનને નજરઅંદાજ કરવું કે બાઉન્ડરીઝ ભૂલી જવી. સાચું પેરન્ટિંગ એ છે જ્યાં તમે એક જ સમયે પ્રેમાળ પણ રહો અને મક્કમ પણ રહો. સંતાનને પ્રેમની હૂંફ આપવાની સાથે સ્પષ્ટ ના પાડતાં શીખવવું પણ એટલું જ જરૂરી છે, જેથી આ ઇમોશનલ બૅલૅન્સ હંમેશાં સ્વસ્થ અને સંતુલિત રહે.
 માતા-પિતાએ દરરોજ ઓછામાં ઓછી બે મિનિટ સંતાનની વાત કોઈ પણ જજમેન્ટ, ભૂલ સુધારવાની ઉતાવળ કે સલાહ આપ્યા વગર શાંતિથી સાંભળવી જોઈએ. આઇ-કૉન્ટૅક્ટ જાળવીને તેમને તમારો સંપૂર્ણ સમય અને ધ્યાન આપો. સવારનો નાસ્તો કે રાતનું ડિનર આ પ્રકારના હળવા સંવાદ માટે શ્રેષ્ઠ સમય બની શકે છે.

lifestyle news life and style parenting tips relationships sex and relationships