10 August, 2026 08:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હમણાં સોશ્યલ મીડિયા પર જંતર મંતરના આંદોલન દરમ્યાન જેન-ઝીએ બનાવેલા અઢળક વિડિયો સામે આવ્યા. એમાંના મોટા ભાગના વિડિયો એવા હતા જે સામાન્ય રીતે સાંભળતાં બીભત્સ લાગે. જાતીય શબ્દોનો છૂટથી ઉપયોગ જોઈને કોઈને પણ સ્વાભાવિક રીતે શૉક લાગે અને મનમાં થાય કે આજના ભણેલા-ગણેલા જેન-ઝી યંગસ્ટર્સને આવી ભાષા બોલતાં શરમ કે સંકોચ કેમ નહીં થતાં હોય? ફિફ્ટી ક્રૉસ કરી ગયેલી જનરેશનને તો એવું જ લાગે કે શું આ સંસ્કારોનું પતન છે કે કંઈક બીજું?
આ પ્રશ્ન આજે દરેક વડીલ અને જૂની પેઢીના મનમાં સતત ઘૂમરાય છે, પણ અહીં એક વાત સમજવી પડશે. જૂની પેઢી માટે જે શબ્દો ગંદી ગાળ કે બીભત્સ હતા એ આજની નવી જનરેશન માટે સામાન્ય બોલચાલનો હિસ્સો બની ગયા છે. આ વિષયને માત્ર નૈતિકતાનાં ચશ્માંમાંથી જોવાને બદલે એનાં સાઇકોલૉજિકલ અને સોશ્યલ પાસાંને સમજવાની જરૂરી છે.
જેન-ઝીની ભાષામાં ગાળો અને જે ખુલ્લાપણું છે એમાં ફિલ્ટર વગરની અભિવ્યક્તિ છે. એ જનરેશન મર્યાદાઓ કે આર્ટિફિશ્યલ ફૉર્મલિટીઝમાં માનતી નથી. તેમના મોઢે બોલાતા શબ્દો અશ્લીલતાના હેતુથી નહીં પણ ઇમોશન, ફ્રસ્ટ્રેશન કે યારી-દોસ્તીમાં વધારે નિકટ જવાનું કૂલ માધ્યમ છે. જેન-ઝી વ્યવહાર દ્વારા એક્સપ્રેસિવ બનવાને બદલે શબ્દોને પાવરફુલ કૅઝ્યુઅલ એક્સપ્રેશન ગણે છે.
મનમાં થાય કે આ બધા શબ્દો તેમને શીખવે કોણ છે? તો એનો જવાબ છે ટેક્નૉલૉજી અને OTT. ઇન્ટરનેટ, વેબ-સિરીઝ અને સોશ્યલ મીડિયામાં આ પ્રકારના શબ્દોનો અતિશય ઉપયોગ થતો હોવાથી જેન-ઝી માટે એ રોજબરોજની ભાષા બનતી જાય છે. મુદ્દો અત્યારે એ નથી કે એ બોલી વાજબી છે કે ગેરવાજબી, કારણ કે એમાં દરેક ફૅમિલીદીઠ ચર્ચા અને દલીલ બદલાશે. કોઈ ઘરમાં ‘સાલ્લા’ શબ્દ બોલાય તો પણ આસમાન તૂટી પડે અને ટિપિકલ સુરતી ઘરમાં સામાન્ય શબ્દોની જેમ જ ગાળોનો ઉપયોગ થતો હોય અને એટલે જ તમારે તમારા પરિવારની લક્ષ્મણરેખા નક્કી કરવાની છે અને એ પણ મર્યાદા સાથે. જો તમારું સંતાન આવી ભાષા વાપરે તો સીધી જ કડકાઈ દાખવવાને બદલે તેને ઔચિત્યની લક્ષ્મણરેખા સમજાવો. તેને સમજાવો કે ફ્રેન્ડસર્કલમાં વપરાતી આ પ્રકારની ભાષા જાહેરમાં, પરિવારમાં કે પ્રોફેશનલ ફીલ્ડમાં વાપરવી ઉચિત નથી જ નથી. જેન-ઝી પર સેન્સરશિપ મૂકવાને બદલે તેમની સાથેનું કમ્યુનિકેશન સ્ટ્રૉન્ગ કરવામાં આવશે તો તે સંયમ પણ સમજશે અને સંસ્કારની પરિભાષાને પણ આવકારશે.