06 July, 2022 03:24 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
મારી પત્નીને બે વર્ષ પહેલાં મેનોપૉઝ આવ્યો છે. શરૂમાં નાની-નાની વાતે કજિયા કરવા બેસતી. મારી ઉંમર ૫૩ વર્ષ છે, પણ સેક્સની બાબતમાં હું હજીયે ઍક્ટિવ છું. મને દસેક દિવસે કામેચ્છા જાગે છે. હમણાં તો લગભગ ત્રણ-ચાર મહિનાથી સમાગમ થયો નથી, કેમ કે હવે તેને યોનિપ્રવેશ વખતે ખૂબ પીડા થાય છે. બહુ મનાવું તો મુખમૈથુન કરી આપે. એમાં વધુ એક ઉમેરણ થયું છે મારી હાર્ટની સમસ્યાનું. મને ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં અચાનક જાગી જવાય છે. એને કારણે સંભોગ સાવ જ બંધ છે. હસ્તમૈથુન અને હળવી ચેષ્ટાઓ ક્યારેક કરીએ છીએ, પણ સમાગમ કરવા જેટલી ઉત્તેજના નથી આવતી. મહિનામાં બે-ત્રણ વાર મને સ્વપ્નદોષ થઈ જાય છે. પત્નીને ફરી સંભોગમાં રુચિ પેદા કરાવવા શું કરવું?
વસઈ
એક વાત યાદ રાખજો કે કામેચ્છા મગજમાં પેદા થાય છે, શરીરમાં નહીં. ઓશોએ બહુ સરસ વાત કહી છે કે સેક્સ બે પગ વચ્ચે નહીં પણ બે કાન વચ્ચે હોય છે. આ વાત તમારા કિસ્સામાં લાગુ પડે છે. સમાગમને લઈને તમારા બન્નેમાં કોઈક ઍન્ગ્ઝાયટી હોય એવું બની શકે છે, જેને કારણે શરૂઆત કરો એ પહેલાં જ તમારા મનમાં રહેલી ઍન્ગ્ઝાયટી તમને બૅકફૂટ પર મૂકી દે છે.
તમે હળવી મસ્તી માણો છો એ બતાવે છે કે તમને એકમેકનો સાથ ગમે છે. મને લાગે છે કે તમે બે-ત્રણ દિવસ શહેરથી દૂર ક્યાંક નિરાંતના સ્થળે જતા રહો અને એકાંત માણો, પરંતુ નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાયટી નહીં રહે અને તમે મુક્તપણે મસ્તી કરી શકશો. તમારે જે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તે એ કે સેક્સની પૂર્ણ ડ્રાઇવ તમારા કેસમાં મહત્ત્વની નથી. ના, જરા પણ નહીં. તમારે પ્લેઝરને એન્જૉય કરવાનું છે અને સેક્સમાં સૌથી સાચી મજા પણ એ પ્લેઝરની છે. જો તમે પચ્ચીસ વર્ષની ઉંમર જેવી અપેક્ષા તમારી પાસેથી રાખશો તો યોગ્ય પરિણામ નહીં આવે. એટલે તમે અત્યારના સમયને ધ્યાનમાં રાખીને આ સમયની મજા માણવાનું શરૂ કરો. તમને કોઈની સલાહ કે મદદની જરૂર નહીં પડે એની ગૅરન્ટી હું તમને આપું છું, પણ એક વાત યાદ રાખવાની કે સેક્સ આનંદ છે, કોઈ મિશન નહીં.