મેનોપૉઝ પછી કૉન્ડોમ ન વાપરીએ તો ચાલે?

06 April, 2022 07:43 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કૉન્ડોમ રાખું તો તેની ફરિયાદ ઘટી જાય છે. શું આ મનનો વહેમ હશેે? હવે પ્રેગ્નન્સીના ચાન્સ નથી ત્યારે વીર્ય સ્ખલન અંદર કરવામાં કોઈ જોખમ ખરું? 

પ્રતીકાત્મક તસવીર

મારી પત્નીની ઉંમર ૪૭ વર્ષ છે. તેને મેનોપૉઝ આવી ગયો છે અને છેલ્લા ચારેક મહિનાથી તો માસિક સદંતર બંધ થઈ ગયું છે. મહિને માંડ બે વાર સમાગમ થાય છે. મોટા ભાગે તેને મન નથી હોતું એટલે વાત ટળી જાય છે. હવે પ્રેગ્નન્સીની ચિંતા ન હોવાથી અમે કૉન્ડોમ વાપરતાં નથી. ત્યારથી મારી વાઇફને વધારે દુખાવો થાય છે. અમે લગભગ ચારેક વખત પ્રયોગ કર્યો, પણ દરેક વખતે યોનિપ્રવેશ વખતે તેને પીડા અને બળતરા બન્ને થાય છે. કૉન્ડોમ રાખું તો તેની ફરિયાદ ઘટી જાય છે. શું આ મનનો વહેમ હશેે? હવે પ્રેગ્નન્સીના ચાન્સ નથી ત્યારે વીર્ય સ્ખલન અંદર કરવામાં કોઈ જોખમ ખરું? 
બોરીવલી

મેનોપૉઝ દરમ્યાન શરૂઆતમાં માસિકમાં અનિયમિતતા આવે છે. ક્યારેક તો છ-આઠ મહિને ફરીથી એકાદ-બે વાર માસિક આવી જાય એવું પણ બને. હજી તમારી વાઇફને ચાર મહિનાથી માસિક બંધ થયું છે. જો આવું પહેલી વાર બન્યું હોય તો આ અંદર વીર્ય સ્ખલન માટે સેફ ગાળો ન કહેવાય, કારણ કે ઘણી વાર એવું જોવા મળ્યું છે કે એકાદ વર્ષ સુધીના સમયગાળામાં ફરીથી માસિક શરૂ થયું હોય. 
માસિક સંપૂર્ણપણે બંધ થયું છે કે નહીં એ જોવા માટે તમારે એકથી સવા વર્ષનો સમયગાળો આપવો જોઈએ. આવા સંજોગોમાં કૉન્ડોમ વિના સમાગમ કરવો કે વીર્ય સ્ખલન યોનિમાર્ગમાં કરવું સેફ નથી. મેનોપૉઝ આવી ગયા પછી પણ ઍક્સિડન્ટ્લી પ્રેગ્નન્સી રહી ગયાના કેસ જોવા મળે છે. 
બીજું, કૉન્ડોમમાં થોડુંક લુબ્રિકેશન હોવાથી ઘર્ષણ અને પીડામાં રાહત થઈ શકે છે. મેનોપૉઝ દરમ્યાન જેમ માસિક બંધ થાય છે એમ શરીરમાં બીજા પણ ફેરફાર થાય છે. સમાગમની ઉત્તેજના દરમ્યાન યોનિમાર્ગમાંથી પેદા થતી ચીકાશમાં ઘટાડો થાય છે. ચીકાશ ઘટવાને કારણે યોનિપ્રવેશ દરમ્યાન લુબ્રિકેશનના અભાવે ઘર્ષણ થાય છે અને પરિણામે પીડાદાયક સમાગમની ફરિયાદ રહે છે. કૉન્ડોમમાં પણ આર્ટિફિશ્યલ લુબ્રિકન્ટ્સ હોવાથી એની સાથે યોનિપ્રવેશ કરાવવામાં તેમ જ મૂવમેન્ટમાં સરળતા રહે છે.  યોગ્ય ઉત્તેજના માટે ફોરપ્લેમાં વધુ સમય ગાળો. આંગળીથી ચેક કરી લો કે ચીકાશ છે કે નહીં. એ પછી પણ જો કૉન્ડોમ વિના ઘર્ષણ થતું હોય તો કોપરેલ તેલ લગાવી શકાય.

columnists sex and relationships