છ મહિનાથી બાળક માટે ટ્રાય ચાલે છે, રિઝલ્ટ નથી

02 January, 2023 03:58 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

શરીરનું ઓવરઑલ એનર્જી લેવલ ઓછું હોવાને કારણે તમને આવું થતું હોઈ શકે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

હું સેલ્સ રીપ્રેઝન્ટેટિવ છું. મારાં મૅરેજને ચાર વર્ષ થયાં છે. મારી વાઇફ ધર્મધ્યાનમાં વધારે માનતી હોવાથી હું તેના પર વધારે ફોર્સ નથી કરતો, પણ મને વધુ મન થતું હોવાથી અને એ સમયે વાઇફની તૈયારી ન હોય તો હું મૅસ્ટરબેશન કરી લેતો. એમાં સંતોષ તો પૂરો મળે, પણ પછી ખૂબ થાક લાગતો. શરૂઆતમાં અમે બાળક નહોતાં ઇચ્છતાં એટલે કૉન્ટ્રાસેપ્ટિવ વાપરતાં, પણ હવે અમે બાળકનું પ્લાનિંગ કરીએ છીએ. છેલ્લા છ મહિનાથી અમે કૉન્ડોમ વિના ટ્રાય કરીએ છીએ, પણ મારી વાઇફ હજી પ્રેગ્નન્ટ નથી થઈ. હમણાંથી મારી ઇચ્છા ઘટતી જાય છે. મૅસ્ટરબેશન કે સેક્સ કર્યા પછી ખૂબ જ ઊંઘ આવે છે અને જાણે યાદશક્તિ ઘટી ગઈ હોય એવું લાગે છે. નૅચરલી બાળક રહે એ માટે અમે બન્ને બધા પ્રયત્નો કરી લેવા માગીએ છીએ. મૅસ્ટરબેશનની આડઅસર ઘટાડવાનો કોઈક ઉપાય હોય તો એ પણ જણાવજો. વિલે પાર્લે

પહેલાં ખુલાસો કરવાનો કે થાક લાગવો, ઊંઘ આવવી કે યાદશક્તિ ઘટવી મૅસ્ટરબેશન કે સેક્સની આડઅસર નથી જ નથી. તમારા શરીરનું ઓવરઑલ એનર્જી લેવલ ઓછું હોવાને કારણે તમને આવું થતું હોઈ શકે. બાકી એક વારના સ્પર્મ-ડિસ્ચાર્જમાં ફક્ત એક ગ્લાસ લીંબુપાણી જેટલી જ એનર્જી ખર્ચાતી હોય છે. નિયમિત એક્સરસાઇઝ કરીને ફિઝિકલ સ્ટૅમિના વધારો. ૨૦-૨૫ મિનિટ વૉક લો અથવા તો મિનિમમ પાંચ સૂર્યનમસ્કાર કરો.

તમે તમારી કે વાઇફની ઉંમર લખી નથી એટલે અનુમાન સાથે કહેવાનું કે જો તમારી વાઇફની ઉંમર ૩૦ વર્ષથી ઓછી હોય તો તમે હજી સાત-આઠ મહિના નૅચરલ કન્સીવ માટે રાહ જોઈ શકો છો. જો વાઇફના પિરિયડ્સ નિયમિત ન હોય તો એ માટે ગાયનેકને કન્સલ્ટ કરો. બાકી યાદ રાખજો કે ઘણા કિસ્સામાં નૉર્મલ કપલ્સને પણ કન્સીવ કરવામાં એકથી દોઢ વર્ષ લાગે એ બહુ સામાન્ય બાબત છે.

સેક્સ દરમ્યાન વાઇફની હિપ્સની નીચે તકિયો મૂકીને એ ભાગને ઉપર રાખવાની કોશિશ કરો અથવા તો સેક્સ દરમ્યાન વાઇફના બન્ને પગ બટરફ્લાયની પાંખોની જેમ અધ્ધર રાખો. વજાઇનામાં સ્પર્મ ડિસ્ચાર્જ થયા પછી વાઇફને તેના પગ છાતીસરસા કરી બે-ચાર મિનિટ એ જ સ્થિતિમાં રહેવા કહો. જો સેક્સ દરમ્યાન કોઈ પ્રકારની જેલી કે લુબ્રિકન્ટ વાપરતા હો તો એ વાપરવાનું બંધ કરો.

columnists sex and relationships