12 January, 2024 08:21 AM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર
હું ૨૪ વર્ષની છું અને હમણાં જ બ્રેકઅપ થયું છે. મારી જિંદગીનો પહેલો સંબંધ હતો. ચાર વર્ષની રિલેશનશિપ પછી છૂટાં પડ્યાં. અમે નોકરીએ લાગ્યા એ પહેલાંનો સંબંધ બહુ જ ગુલાબી હતો, પણ એ પછી જવાબદારીઓ અને મિસકમ્યુનિકેશન વચ્ચે બહુ ગરબડો થઈ. છેલ્લા છ મહિનામાં તો બહુ જ ખરાબ હાલત થઈ. તેને પૂરતો સમય ન આપી શકવાને કારણે તે મને એલફેલ બોલતો. ક્યારેક તેની મદદ માગી હોય તો તેને લાગતું હું સ્વાર્થી છું. એ પછી તો તેણે બહુ જ ઇમોશનલ બ્લૅકમેઇલિંગ કર્યું. હું ટૂ-ટાઇમર છું એટલે મારે તેને છોડવો છે એવી વાતો તેણે ફ્રેન્ડ-સર્કલમાં ફેલાવવાનું શરૂ કરી દીધું. હું તેને વફાદાર નહોતી અને તેનો માત્ર ઓળખાણ થકી કામ કઢાવવા માટે જ ઉપયોગ કરતી હતી એવી-એવી પણ વાતો ફેલાવી. આખરે મેં તેને બધેથી જ બ્લૉક કરી દીધો છે, પણ તેણે મારા વિશે ફેલાવેલી અફવાઓ મને હર્ટ કરે છે. ઘરની બહાર નીકળવાની ઇચ્છા નથી થતી.
આટલા પીડાદાયક બ્રેકઅપ પછી તમારું દુખ હળવું થાય એવી એક વાત કહું? જરા વિચારો ધારો કે તમે આ જ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં હોત અને પછી આવા આરોપનામાનો સામનો કરવાનો આવત તો શું થાત? તમને નથી લાગતું કે તમે ખરા અર્થમાં મુક્ત થઈ ગયાં છો? આરોપો અને આક્ષેપોનું તો એવું છે કે જેટલાં મોઢાં એટલી વાતો. આપણા દેશમાં વાણી સ્વતંત્રતા છે એટલે જેને જે બોલવું હોય એ બોલે. આપણે કોનું બોલેલું લેવું અને માનવું એની ચાવી આપણી ખુદની પાસે હોવી જોઈએ. કોઈ મને ગધેડી કહે તો હું ગધેડી નથી થઈ જતી, રાઇટ?
હા, સામેવાળી વ્યક્તિ જ્યારે અંગત હોય ત્યારે આપણે એ વાતને માની કે ઉડાવી દેવાને બદલે જાતને અરીસામાં જોવી. જો તેના કહેવામાં જરાક પણ સચ્ચાઈ હોય તો એ ચીજ સુધારવી, બાકી ભૂલી જવું. સમસ્યા ત્યારે પેદા થાય છે જ્યારે કોઈ આપણને ચાર વાર કંઈક કહે છે અને આપણી જ જાત પર શંકા કરવા લાગીએ છીએ. લોકો તમને સંત કહે કે સ્વાર્થી, તમે જેવાં છો એવાં જ રહેવાનાં છો.
બીજું, તમારા વિશે સારું બોલાય કે ખરાબ, એ તમારા માટે વધુ મહત્ત્વનું હોય છે. બીજા લોકો એને બહુ ઝાઝું યાદ નથી રાખતા એટલે બૉયફ્રેન્ડને જેમ છોડ્યો છે એમ તેની વાતોને પણ પાછળ છોડી દો.