જે સંતાનને તમે ભારે લાડકોડથી ઉછેરો છો તેને જ મોટા થયા પછી તમારી જરૂર ન રહે એ છે પેરન્ટિંગની સાચી સફળતા

19 August, 2026 06:20 PM IST  |  Mumbai | Heena Patel

સ્મૃતિ ઈરાનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બાળકને ખવડાવવું, તેની માંદગી વખતે અનેક રાતો ઊંઘ્યા વગર પસાર કરવી આ બધાની વચ્ચે મમ્મીએ યાદ રાખવું જોઈએ કે પેરન્ટિંગનો મતલબ જ એ છે કે સંતાનોને તમારી જરૂર ન પડે એવાં તૈયાર કરવાં

જે સંતાનને તમે ભારે લાડકોડથી ઉછેરો છો તેને જ મોટા થયા પછી તમારી જરૂર ન રહે એ છે પેરન્ટિંગની સાચી સફળતા

દીકરો કે દીકરી પુખ્ત થઈને પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે ‘હવે તેને મારી જરૂર નથી રહી’ એ વિચારે અનેક મિડલ-એજેડ મમ્મીઓ મનમાં ખૂબ સોરવાય છે. ભલે ખૂબ આકરું લાગે પણ હકીકત એ છે કે પેરન્ટિંગનો અંતિમ હેતુ સંતાનને હંમેશાં પોતાના પર નિર્ભર રાખવાનો નહીં પરંતુ તેને આત્મનિર્ભર અને જવાબદાર વ્યક્તિ બનાવવાનો હોય છે. આ વાત ૫૦-૫૫ વર્ષે સમજાય એના કરતાં બાળકના ઉછેરના શરૂઆતના સમયથી જ ગાંઠે બાંધેલી રાખવી. આ સભાનતા હશે તો સંતાનો જ્યારે ઊડીને પોતાનો માળો બનાવશે ત્યારે ખાલીપો નહીં વર્તાય પરંતુ પોતાના ઉછેરની સફળતાનો સંતોષ અનુભવાશે

સ્મૃતિ ઈરાનીએ થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમમાં માતૃત્વની કેટલીક એવી વાસ્તવિકતાઓ વિશે વાત કરી હતી જે સુંદર પણ છે અને ભાવનાત્મક રીતે કઠિન પણ છે. ૩ બાળકોનાં માતા સ્મૃતિ ઈરાનીએ ટીવીની સફળ કારકિર્દીથી લઈને રાજકારણ સુધીની વ્યસ્ત સફર દરમ્યાન બાળકોના ઉછેર અને પોતાની કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવાનો અનુભવ શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘કામ કરતી મમ્મીઓ માટે બાળકોના ઉછેર અને પ્રોફેશનલ જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવામાં વિતાવેલાં શરૂઆતનાં વર્ષો પાછળથી જાણે એક ધૂંધળી યાદ બની જાય છે. એ સમયગાળામાં તેમની પાસે એટલી બધી જવાબદારીઓ હોય છે કે તેઓ માત્ર એક પછી એક કામ પૂરું કરવામાં વ્યસ્ત રહે છે. બાળકને ખવડાવવું, તેનું હોમવર્ક પૂરું થયું છે કે નહીં એ જોવું, પોતાની ઑફિસનું પ્રેઝન્ટેશન તૈયાર કરવું અને ઘણી રાતો ઊંઘ્યા વગર પસાર કરવી - આ બધાની વચ્ચે મમ્મી પોતાના માટે ભાગ્યે જ સમય કાઢી શકે છે.’
 સ્મૃતિએ એ પણ જણાવ્યું હતું કે ‘બાળકો નાનાં હોય ત્યારે તેમની દરેક જરૂરિયાત પૂરી કરતાં-કરતાં મમ્મી જ્યારે બાળક કિશોરાવસ્થામાં પહોંચે છે ત્યારે એકદમ અલગ જ પરિસ્થિતિનો સામનો કરે છે. જે બાળકને ક્યારેક ડાયપર બદલવાની જરૂર હતી એ જ બાળક થોડાં વર્ષો પછી મમ્મીને પ્રશ્ન કરે છે કે મેં ક્યારે તને આ કરવાનું કહ્યું હતું? આ પરિવર્તન તેના માટે આશ્ચર્યજનક પણ હોય છે અને ભાવનાત્મક રીતે અઘરું પણ હોય છે.’
તેમના મતે માતૃત્વ એક નિઃસ્વાર્થ સફર છે જેમાં મમ્મી પોતાના જીવનનો મોટો હિસ્સો બાળકના ઉછેરમાં સમર્પિત કરે છે, પરંતુ આ સફરની સૌથી મોટી વિસંગતિ એ છે કે તે વર્ષો સુધી બાળકને આત્મનિર્ભર બનાવે છે અને આખરે એ જ આત્મનિર્ભરતા તેને મમ્મીથી દૂર લઈ જાય છે. બાળકો જ્યારે મોટાં થઈને પોતાનું જીવન જીવવા માટે ઘરથી દૂર જાય છે ત્યારે મમ્મીને પોતાના ભૂતકાળ તરફ ફરીને જોવાનો સમય મળે છે. ત્યારે તેને અહેસાસ થાય છે કે વર્ષો સુધી બાળકની જરૂરિયાતો પૂરી કરવામાં પસાર કરેલું જીવન હવે બદલાઈ ગયું છે. સ્મૃતિએ માતૃત્વની આ સ્થિતિને અત્યંત ભાવનાત્મક રીતે સમજાવતાં કહ્યું હતું કે ‘૫૦-૫૫ વર્ષની ઉંમરે જ્યારે બાળકો પોતપોતાનું જીવન જીવવા માટે આગળ વધી જાય છે ત્યારે મમ્મી પાછળ વળીને પોતાના જીવનને જુએ છે. ઉંમર વધતાં શરીરમાં દુખાવો થાય, જીવનમાં અનેક લાગણીઓ અને અનુભવો હોય; પરંતુ જે બાળક માટે આખી જિંદગી સમર્પિત કરી હોય એ જ બાળક પાસે હવે ફોન પર વાત કરવાનો પણ સમય ન હોય એ ક્ષણ તેના માટે ખૂબ હૃદયદ્રાવક બની શકે છે.’
સ્મૃતિ ઈરાનીએ માતૃત્વને એવી જવાબદારી ગણાવી હતી જે ત્યારે જ સફળતાપૂર્વક પૂર્ણ થઈ કહેવાય જ્યારે એક દિવસ બાળકને મમ્મીની જરૂર ન રહે, પરંતુ મમ્મી માટે આ જ તેની સફળતાની સૌથી હૃદયદ્રાવક ક્ષણ પણ હોય છે. વર્ષો સુધી જે બાળક તેના જીવનનું કેન્દ્ર રહ્યું હોય તે એક દિવસ પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે. આ સંદર્ભમાં તેમણે એક ખૂબ જ વિચારપ્રેરક સવાલ ઉઠાવ્યો હતો કે મમ્મી પોતાના જીવનનો અડધો હિસ્સો બાળકને આત્મનિર્ભર બનાવવામાં આપી દે છે જેથી જીવનના બીજા અડધા ભાગમાં કદાચ બાળક તેને એટલું યાદ પણ ન કરે. આ નિઃસ્વાર્થ યોગદાનની આર્થિક કિંમત આંકી શકાય ખરી?

એવામાં બાળકના ઉછેરના શરૂઆતના તબક્કાથી પેરન્ટ્સે કેવો અભિગમ રાખવો જોઈએ, જેથી બાળક મોટું થઈને આત્મનિર્ભર બને ત્યારે તેમને ખાલીપાનો અનુભવ ન થાય અને તેઓ પોતાનું અલગ અસ્તિત્વ પણ જાળવી શકે? વ્યાવહારિક રીતે, બાળકના ઉછેર દરમ્યાન પેરન્ટ્સ પોતાના આ અભિગમને વિકસાવવા અને બાળકના ભવિષ્યના સ્વતંત્ર જીવન માટે પોતાની જાતને તૈયાર કરવા શું કરી શકે? એ વિશે આપણે સાઇકોલૉજિસ્ટ તેજલ કારિયા પાસેથી તેમના જ શબ્દોમાં જાણી લઈએ.

બાળક એક હિસ્સો, આખું જીવન નહીં

મમ્મી-પપ્પાએ બાળકના ઉછેરની શરૂઆતથી જ એક વાત સ્વીકારવી જરૂરી છે કે બાળક તેમના જીવનનો મહત્ત્વનો હિસ્સો છે, પરંતુ તેમનું આખું જીવન નથી. પેરન્ટિંગનો હેતુ બાળકને હંમેશાં પોતાના પર નિર્ભર રાખવાનો નહીં પરંતુ તેને ધીમે-ધીમે પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો છે. બાળકને પ્રેમ, સુરક્ષા અને યોગ્ય ઉછેર આપવો જરૂરી છે; પરંતુ એવો પ્રેમ નહીં જેને કારણે તે મમ્મી-પપ્પા વગર પોતાને અસમર્થ કે લાચાર સમજવા લાગે.

ઉંમર સાથે પેરન્ટિંગની ભૂમિકા બદલો

બાળક નાનું હોય ત્યારે તેને ખરેખર મમ્મી-પપ્પાના હાથની જરૂર હોય છે. જેમ કે આંગળી પકડીને ચાલવાનું શીખવું. થોડું મોટું થાય ત્યારે તેને સતત હાથ પકડી રાખવાની નહીં પરંતુ યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે. કિશોરાવસ્થામાં મમ્મી-પપ્પાની ભૂમિકા ‘હું તારા માટે કરીશ’માંથી ‘હું તને આ કેવી રીતે કરવું એ શીખવીશ’ તરફ બદલાવી જોઈએ. બાળક પોતાની જવાબદારી સંભાળવા સક્ષમ બને ત્યારે આ ભૂમિકા ‘મને વિશ્વાસ છે કે તું આ તારી જાતે કરી શકે છે’ સુધી પહોંચવી જોઈએ. એટલે બાળકની ઉંમર અને પરિપક્વતા સાથે પેરન્ટિંગની રીત પણ બદલાતી જવી જોઈએ. શરૂઆતમાં મમ્મી-પપ્પા બાળકના ‘મૅનેજર’ હોય છે, પછી ‘મેન્ટર’ બને છે અને આગળ જતાં તેના માટે સલામત અને વિશ્વાસપાત્ર ‘સેફ સ્પેસ’ બની રહેવું વધુ મહત્ત્વનું બને છે.

બાળકની બહાર પોતાની દુનિયા જાળવો

બાળકને સ્વતંત્ર બનાવવાની પ્રક્રિયા માત્ર તેની જવાબદારીઓ પૂરતી સીમિત નથી. મમ્મી-પપ્પાએ  પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમનું સમગ્ર જીવન માત્ર બાળકની આસપાસ કેન્દ્રિત ન થઈ જાય. પોતાના મિત્રો, હૉબી, રસ-રુચિ, કામકાજ અને જીવનસાથી સાથેના સંબંધો માટે પણ સમય ફાળવવો જરૂરી છે. બાળક પરિવારનો મહત્ત્વનો હિસ્સો છે, પરંતુ મમ્મી-પપ્પાની પોતાની પણ એક અલગ ઓળખ અને દુનિયા છે. આ સમજ શરૂઆતથી જ જાળવી રાખવામાં આવે તો બાળક મોટું થઈને પોતાનું જીવન બનાવે ત્યારે તેમને અચાનક ખાલીપાનો સામનો કરવો પડતો નથી.

પ્રેમમાં સ્વસ્થ સીમાઓ જરૂરી

બાળકને પ્રેમપૂર્વક એ સમજાવવું પણ જરૂરી છે કે પ્રેમનો અર્થ એકબીજાના જીવન પર સંપૂર્ણ નિર્ભર રહેવું નથી. મમ્મી-પપ્પા કહી શકે કે ‘તારું મારી જિંદગીમાં હોવું મને ખૂબ ગમે છે, પરંતુ મારી પોતાની પણ એક અલગ જિંદગી અને ઓળખ છે.’ સ્વસ્થ ભાવનાત્મક સીમાઓનો અર્થ બાળકથી દૂર થઈ જવું કે તેના પ્રત્યેનો પ્રેમ ઓછો કરવો નથી. એનો અર્થ એટલો જ છે કે સંબંધમાં પ્રેમ અને સાથ જળવાઈ રહે; પરંતુ બન્નેની પોતાની સ્વતંત્ર ઓળખ, જવાબદારીઓ અને જીવન માટે પણ જગ્યા રહે.

બાળકને પાંખો આપવી એટલે છોડવું નહીં

બાળક સ્વતંત્ર બનવા લાગે ત્યારે મમ્મી-પપ્પાએ તેની સ્વતંત્રતાને પોતાના પ્રત્યેનું અંતર કે રિજેક્શન ન માનવું જોઈએ. બાળક પોતાની દુનિયા બનાવે છે એનો અર્થ એ નથી કે મમ્મી-પપ્પાનું મહત્ત્વ ઓછું થઈ ગયું. ગમે એટલું મોટું થઈ જાય તોય બાળકને માતા-પિતા પાસેથી પ્રેમ, ભાવનાત્મક સુરક્ષા, જીવનનો અનુભવ, જ્ઞાન અને સાથ-સહકારની જરૂર રહે છે; માત્ર આ જરૂરિયાતોનું સ્વરૂપ બદલાય છે. 
તેથી મમ્મી-પપ્પાએ ‘હવે તને મારી જરૂર નથી’ એવું માનવાને બદલે ‘હવે તું પોતાની રીતે જીવન સંભાળી શકે છે’ એવો વિશ્વાસ વિકસાવવો જોઈએ.

‘મને વધારે ખબર છે’ની માનસિકતા ટાળો

બાળકના ઉછેર દરમ્યાન જો પેરન્ટ્સ તેના દરેક કામમાં સતત જોડાયેલા રહ્યા હોય તો તેને બાળક પોતાની રીતે બધું સંભાળી શકે છે એવો વિશ્વાસ વિકસાવવામાં મુશ્કેલી પડી શકે છે. આ સાથે ‘મને તારા કરતાં વધારે ખબર છે’ એવી માનસિકતા પણ જોડાઈ શકે છે. ‘મેં આટલાં વર્ષો તારા માટે જીવ્યું છે એટલે તારા માટે શું સારું છે એ હું વધારે સારી રીતે જાણું છું’ એવો વિચાર પ્રેમમાંથી જન્મેલો હોઈ શકે છે, પરંતુ સતત આ અભિગમ બાળકના આત્મવિશ્વાસને નુકસાન પહોંચાડી શકે છે. તેને વારંવાર શું કરવું જોઈએ એ કહેવાને બદલે કેટલીક બાબતોમાં પોતાની પસંદગી અને નિર્ણય કરવાની જગ્યા આપવી જરૂરી છે.

મમ્મી-પપ્પાની પણ નવી શરૂઆત

બાળકના સ્વતંત્ર બનવાની તૈયારી માત્ર બાળકની નહીં, મમ્મી-પપ્પાની પણ પ્રક્રિયા છે. બાળકને પાંખો આપવાની સાથે તેમણે પણ પોતાની જિંદગી, રસ, સંબંધો અને વ્યક્તિગત ઓળખને જીવંત રાખવાં જરૂરી છે. બાળક જ્યારે પોતાની ઉડાન ભરે ત્યારે મમ્મી-પપ્પાને એવું ન લાગવું જોઈએ કે તેમની જિંદગી અટકી ગઈ છે. એને બદલે તેઓ ગર્વથી કહી શકે કે ‘હવે મારું સંતાન પોતાના જીવન માટે તૈયાર છે અને હું પણ હવે મારી જિંદગી નવી રીતે જીવી શકું છું.’

અંતર નહીં, સંબંધનું નવું સ્વરૂપ

બાળકને આત્મનિર્ભર બનાવવાનો અર્થ સંબંધ ખતમ કરવો કે ભાવનાત્મક અંતર ઊભું કરવું નથી. શરૂઆતમાં બાળકને હાથ પકડીને ચાલતાં શીખવવું પડે છે, પછી તેને પોતે ચાલવા દેવું પડે છે અને અંતે જરૂર પડે ત્યારે તેની બાજુમાં ઊભા રહેવું પડે છે. મમ્મી-પપ્પા વર્ષો સુધી સંતાનને પોતાના પગ પર ઊભા થવાનું શીખવે છે. સંતાન જ્યારે ખરેખર પોતાના પગ પર ઊભું થઈને પોતાની જિંદગી તરફ આગળ વધે ત્યારે તેની ઉડાન રોકવાને બદલે એને સ્વીકારવી જોઈએ. ‘હું તને ખૂબ યાદ કરીશ અને તારી હાજરીની ખોટ મને ચોક્કસ વર્તાશે, પરંતુ મને તારા પર ખૂબ ગર્વ છે કે તું પોતાની નવી જિંદગી બનાવી રહ્યો છે’ આ સ્વીકારમાં પ્રેમ પણ છે, વિશ્વાસ પણ છે અને બાળકને પોતાની રીતે જીવવાની સાચી સ્વતંત્રતા પણ.

સંતાનની સ્વતંત્રતામાં છે પેરન્ટિંગની સફળતા

વાસ્તવમાં બાળકનું સ્વતંત્ર બનવું એ મમ્મી-પપ્પાથી દૂર થવાનું નહીં પરંતુ તેમના ઉછેર અને પેરન્ટિંગની સફળતાનું પ્રતિબિંબ છે. જે બાળક એક દિવસ પોતાની જવાબદારીઓ સંભાળે છે, નિર્ણયો લે છે અને પોતાની દુનિયા બનાવે છે એ મમ્મી-પપ્પાએ આપેલા ઉછેરની અસર જ દર્શાવે છે. આથી એક તબક્કા પછી બાળકના જીવનનું સતત મૅનેજમેન્ટ કરવાનું બંધ કરવું જોઈએ. મમ્મી-પપ્પા તેની પાસે હંમેશાં ઉપલબ્ધ રહી શકે, પરંતુ તેની જગ્યાએ જીવન જીવવાનું બંધ કરવું જરૂરી છે.

તેથી મમ્મી-પપ્પાએ ‘હવે તને મારી જરૂર નથી’ એવું માનવાને બદલે ‘હવે તું પોતાની રીતે જીવન સંભાળી શકે છે’ એવો વિશ્વાસ વિકસાવવો જોઈએ.

‘મને વધારે ખબર છે’ની માનસિકતા ટાળો

બાળકના ઉછેર દરમ્યાન જો પેરન્ટ્સ તેના દરેક કામમાં સતત જોડાયેલા રહ્યા હોય તો તેને બાળક પોતાની રીતે બધું સંભાળી શકે છે એવો વિશ્વાસ વિકસાવવામાં મુશ્કેલી પડી શકે છે. આ સાથે ‘મને તારા કરતાં વધારે ખબર છે’ એવી માનસિકતા પણ જોડાઈ શકે છે. ‘મેં આટલાં વર્ષો તારા માટે જીવ્યું છે એટલે તારા માટે શું સારું છે એ હું વધારે સારી રીતે જાણું છું’ એવો વિચાર પ્રેમમાંથી જન્મેલો હોઈ શકે છે, પરંતુ સતત આ અભિગમ બાળકના આત્મવિશ્વાસને નુકસાન પહોંચાડી શકે છે. તેને વારંવાર શું કરવું જોઈએ એ કહેવાને બદલે કેટલીક બાબતોમાં પોતાની પસંદગી અને નિર્ણય કરવાની જગ્યા આપવી જરૂરી છે.

મમ્મી-પપ્પાની પણ નવી શરૂઆત

બાળકના સ્વતંત્ર બનવાની તૈયારી માત્ર બાળકની નહીં, મમ્મી-પપ્પાની પણ પ્રક્રિયા છે. બાળકને પાંખો આપવાની સાથે તેમણે પણ પોતાની જિંદગી, રસ, સંબંધો અને વ્યક્તિગત ઓળખને જીવંત રાખવાં જરૂરી છે. બાળક જ્યારે પોતાની ઉડાન ભરે ત્યારે મમ્મી-પપ્પાને એવું ન લાગવું જોઈએ કે તેમની જિંદગી અટકી ગઈ છે. એને બદલે તેઓ ગર્વથી કહી શકે કે ‘હવે મારું સંતાન પોતાના જીવન માટે તૈયાર છે અને હું પણ હવે મારી જિંદગી નવી રીતે જીવી શકું છું.’

અંતર નહીં, સંબંધનું નવું સ્વરૂપ

બાળકને આત્મનિર્ભર બનાવવાનો અર્થ સંબંધ ખતમ કરવો કે ભાવનાત્મક અંતર ઊભું કરવું નથી. શરૂઆતમાં બાળકને હાથ પકડીને ચાલતાં શીખવવું પડે છે, પછી તેને પોતે ચાલવા દેવું પડે છે અને અંતે જરૂર પડે ત્યારે તેની બાજુમાં ઊભા રહેવું પડે છે. મમ્મી-પપ્પા વર્ષો સુધી સંતાનને પોતાના પગ પર ઊભા થવાનું શીખવે છે. સંતાન જ્યારે ખરેખર પોતાના પગ પર ઊભું થઈને પોતાની જિંદગી તરફ આગળ વધે ત્યારે તેની ઉડાન રોકવાને બદલે એને સ્વીકારવી જોઈએ. ‘હું તને ખૂબ યાદ કરીશ અને તારી હાજરીની ખોટ મને ચોક્કસ વર્તાશે, પરંતુ મને તારા પર ખૂબ ગર્વ છે કે તું પોતાની નવી જિંદગી બનાવી રહ્યો છે’ આ સ્વીકારમાં પ્રેમ પણ છે, વિશ્વાસ પણ છે અને બાળકને પોતાની રીતે જીવવાની સાચી સ્વતંત્રતા પણ.

સંતાનને પોતાના પર નિર્ભર રાખવામાં પ્રેમ નથી

ઘણી વખત મમ્મી-પપ્પા બાળકને પોતાના પર નિર્ભર રાખે છે એની પાછળ માત્ર પ્રેમ નથી હોતો, કેટલીક માનસિક જરૂરિયાતો પણ કામ કરતી હોય છે. બાળક મોટું થઈને સ્વતંત્ર બનવા લાગે ત્યારે નિયંત્રણ ગુમાવવાનો, એકલા પડી જવાનો અથવા બાળકના જીવનમાં પોતાનું સ્થાન ઓછું થઈ જવાનો ડર સતાવી શકે છે. વર્ષો સુધી જીવન બાળકની આસપાસ કેન્દ્રિત રહ્યું હોય તો તેની જરૂરિયાત ઘટતાં હવે મારી ભૂમિકા શું? એવો પ્રશ્ન ઊભો થઈ શકે છે. ખાસ કરીને જો મમ્મી-પપ્પાની પોતાની ઓળખ લાંબા સમયથી માત્ર બાળકનાં મમ્મી-પપ્પા તરીકે જ બની ગઈ હોય તો બાળક સ્વતંત્ર બન્યા પછી પોતાની ઓળખ અને મૂલ્ય વિશે અસુરક્ષા અનુભવી શકે છે.

lifestyle news life and style parenting tips sex and relationships relationships