દીકરાને પંજાબણ પસંદ આવી ગઈ છે, હવે શું?

10 June, 2022 10:00 AM IST  |  Mumbai | Sejal Patel

આવામાં કરવું તો શું કરવું? કદાચ હું તો દીકરાની ખુશીમાં માની જાઉં, પણ હસબન્ડ અને મારા સસરા ‍‍પંજાબણ માટે નમતું જોખવા તૈયાર નથી. કોને સમજાવું, દીકરાને કે વડીલોને?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

 મારો દીકરો પંજાબણના પ્રેમમાં પડ્યો છે અને તેની પાછળ જ ઘેલો થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં ભણતો હતો ત્યારે તો તે કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને જોતો પણ નહોતો, પણ ભણ્યા પછી જૉબ માટે દિલ્હી જવાનું થયું અને બે વર્ષમાં તો આખી બાજી જ બદલાઈ ગઈ. એમાં વળી હમણાં કંપની તરફથી તેમને ત્રણ મહિના માટે વિદેશ ટ્રેઇનિંગ લેવા જવાનું થયું. એ પછી તો દીકરો સાવ જ કહ્યામાં નથી. હવે તેણે જિદ પકડી છે કે લગ્ન તો તે પંજાબી ગર્લફ્રેન્ડ સાથે જ કરશે. સમસ્યા એ છે કે પેલી છોકરી તેનાથી એક વર્ષ મોટી છે. દીકરો કહે છે કે તમે મંજૂરી નહીં આપો તો દિલ્હીમાં એકલો જ લગ્ન કરી લઈશ. આવામાં કરવું તો શું કરવું? કદાચ હું તો દીકરાની ખુશીમાં માની જાઉં, પણ હસબન્ડ અને મારા સસરા ‍‍પંજાબણ માટે નમતું જોખવા તૈયાર નથી. કોને સમજાવું, દીકરાને કે વડીલોને?

તમને તમારા પરિવારની પરંપરા, રિવાજો અને કલ્ચરની ચિંતા થતી હશે, પણ શું એની રખેવાળી માત્ર ગુજરાતી છોકરી હશે તો જ કરી શકશે એવું તમે માનો છો? ગુજરાતી છોકરી હશે પણ જો ઍડજસ્ટમેન્ટ તો ધરાર નહીં કરું એવું વિચારનારી નીકળશે તો તમે શું કરશો?
જરાક બીજી રીતે સમજીએ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે પ્રાંત ગમેએટલા જુદા હોય, પણ જો મન એક હોય તો વાંધો નથી આવતો. બાકી બે ગુજરાતી પરિવારોના રિવાજો અને પરંપરાઓ પણ એકસરખા નથી જ હોતાને? તમે લગ્ન કરીને આવ્યા ત્યારે શું તમારા પિયર અને સાસરીના રિવાજો ડિટ્ટો સરખા હતા? ન જ હોય. જુદાપણું થોડું હોય કે વધુ, એકમેક તરફ કદમ આગળ માંડીને એને ઓગાળવાની તૈયારી હોય એ વધુ મહત્ત્વનું છે. બાકી, છોકરીનો દીકરા પ્રત્યેનો પ્રેમ, તેની વડીલો માટેની સન્માનભાવના કેવી છે એ મહત્ત્વની છે. 
બીજું, જે વ્યક્તિ સાથે તેણે જીવન વીતાવવાનું છે એની પસંદગી કરવાની છૂટ દીકરાને આપવી જ જોઈએ. તમે તમારી પસંદની છોકરી સાથે દીકરો ખુશ રહે એવી અપેક્ષા રાખો છો, પણ જો એવું કરવા જતાં તમે ખોટી પસંદ તેના ગળે વળગાડી દીધી તો શું થશે? તમે કહેશો કે આ પસંદ જ ખોટી છે એવું સાબિત થશે તો શું? ઍટલીસ્ટ દીકરો તમને તો કોસશે નહીંને? 

columnists sejal patel