05 December, 2023 01:44 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર
મને ચાર મહિના પહેલાં ખબર પડી કે હું બીજી વખત પ્રેગ્નન્ટ છું. મારી પાંચ વર્ષની એક દીકરી છે. આ પાંચમો મહિનો ચાલી રહ્યો છે ત્યારે મને ખબર પડી કે મને કમ્પ્લીટ પ્લૅસેન્ટા પ્રીવિયા છે એટલે કે મારું પ્લૅસેન્ટા એ ગર્ભાશયના નીચેના ભાગમાં એના મોઢાને કવર કરે એ રીતે નીચે આવી ગયું છે. એટલું જ નહીં, મારા ગર્ભાશયમાં એક મોટું ફાઇબ્રૉઇડ પણ મળ્યું છે. સોનોગ્રાફી દ્વારા ખબર પડે છે કે પ્લૅસેન્ટા ઉપર તરફ આવી જ નથી રહ્યું. આ પરિસ્થિતિમાં શું કરવું પડશે? હું એક વર્કિંગ વુમન છું. આ માટે મને માર્ગદર્શન આપશો.
કમ્પ્લીટ પ્લૅસેન્ટા પ્રીવિયા એક ગંભીર અવસ્થા છે. પ્લૅસેન્ટા એક એવી વસ્તુ છે જેમાંથી બાળક એનું સંપૂર્ણ પોષણ લે છે, પરંતુ એ કઈ જગ્યાએ હોય એના પર ઘણું બધું નિર્ભર કરે છે. કમ્પ્લીટ પ્લાસેન્ટા પ્રીવિયામાં પ્લૅસેન્ટા ગર્ભાશયના મુખ પર હોય એ અવસ્થા અતિ ગંભીર બની જાય છે. આમાં તમારે તમારું ઘણું ધ્યાન રાખવું પડશે. એમાં પણ તમારી ઉંમર જો ૩૦ વર્ષથી વધુ હશે તો ખાસ ધ્યાન રાખવું પડશે. તમે વર્કિંગ છો એ બરાબર, પણ આ પરિસ્થિતિમાં વધુ પડતું ટ્રાવેલિંગ તમને માફક આવશે નહીં. સ્ટ્રેસ પણ તમારા માટે સારો નથી. આમ, જો તમે ઘરના કમ્ફર્ટમાં કામ કરી શકો એમ હો અને સ્ટ્રેસ વગર કામ કરવાના હો તો કામ ચાલુ રાખી શકો છો. બાકી હમણાં તમારે તમારા પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. કમ્પ્લીટ પ્લૅસેન્ટા પ્રીવિયામાં પ્રેગ્નન્સી દરમ્યાન એકદમ જ બ્લીડિંગ શરૂ થઈ શકે એમ છે, જેમાં બાળક અને માતા બન્નેનું લોહી જાય અને બન્નેના જીવનું જોખમ આવી શકે. માટે આ એક મોટું રિસ્ક છે. વધારે પડતું કામ ન કરવું. શરીર થાકવું ન જોઈએ. કોઈ વધુ પડતું બળ ન લાગવું જોઈએ. અત્યારે સેક્સ્યુઅલ રિલેશન ન જ રાખવા. આરામ પૂરતો કરવો. પેટ પર પ્રેશર આવે એવું કશું કામ ન કરવું. આ દરમ્યાન હીમોગ્લોબિનની કમી ન થવી જોઈએ. ઊલટું એ વધુ માત્રામાં જ હોવું જોઈએ, છતાં તમારા ડૉક્ટર પાસેથી શું થઈ શકે અને શું કરવું જોઈએ એ બન્ને વસ્તુ સમજી લેવી. આ ઉપરાંત એક વસ્તુ નિશ્ચિત છે કે તમારું હવે સિઝેરિયન જ થશે. નૉર્મલ ડિલિવરી નહીં થાય, કારણ કે જો એક વખત પેઇન ઊઠ્યું અને એને કારણે ડિલિવરી માટે પ્લૅસેન્ટા પર પ્રેશર આવશે તો બ્લીડિંગ ભારી માત્રામાં ચાલુ થઈ જશે. આ એક ઇમર્જન્સી છે. આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય એ માટે નૉર્મલ ડિલિવરીની રાહ ન જોતાં સિઝેરિયન ડિલિવરી જ યોગ્ય રહેશે.