સેક્સ પછી હાંફ બહુ ચડતી હોય તો શું કરવું?

13 December, 2023 01:09 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

રોજિંદા જીવનમાં પણ હાંફ અને થાક લાગે છે જે લક્ષણો હળવાશથી લેવાં જેવાં નથી. કોઈ સારા કાર્ડિયોલૉજિસ્ટ પાસે જઈને કાર્ડિયોગ્રામ અને હાર્ટનું ચેક-અપ કરાવવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૩ વર્ષ છે. સેક્સ માટે મન બહુ થાય, પણ ખૂબ જ ઓછી ઉત્તેજના આવે છે. છેલ્લાં ત્રણેક વરસથી દવાનો આશરો લીધો છે. દેશી વાયેગ્રા લઉં તો સમાગમ થઈ શકે. જોકે ઉંમર અને પત્નીના ઘટતા જતા રસને કારણે મહિનામાં માંડ બે કે ત્રણ વાર જ સમાગમ થાય છે. એનાથીયે હવે સંતુષ્ટિ થઈ ગઈ છે, પણ છેલ્લા થોડાક સમયથી મને સંભોગ બાદ ખૂબ થાક લાગે છે. ક્યારેક વધુ ચાલવામાં આવે કે દાદરા ચડવાના આવે ત્યારે પણ હાંફી જવાય. વાયેગ્રા લઈને સમાગમ કર્યાના બીજા દિવસે જ આવું વધુ થાય છે. તો શું આ ગોળીની આડઅસરને કારણે થાય છે? સમાગમ પછી થાક ન લાગે એ માટે શું કરવું? એ સિવાય બીજી કોઈ કાળજી રાખવી જરૂરી હોય તો એ પણ જણાવશો. 
બોરીવલી

તમે ત્રણ વરસથી વાયેગ્રા લો છો અને થાક અને હાંફની ફરિયાદ તમને હમણાં-હમણાંથી થઈ છે. એ સૂચવે છે કે વાયેગ્રા લેવાને કારણે આ તકલીફ નથી થઈ, પણ શરીરની ક્ષમતા ઘટવાથી આ તકલીફ પેદા થઈ હોય એવી શક્યતા વધુ છે. ૫૫-૬૦ વર્ષ પછી દરેક વ્યક્તિએ પોતાનું રેગ્યુલર હેલ્થ ચેક-અપ કરાવતા રહેવું જોઈએ. શું તમને બ્લડ-પ્રેશરની તકલીફ છે? એ માટે કોઈ ગોળી લો છો? ડાયાબિટીઝ અને કૉલેસ્ટરોલ ચેક કરાવો છો? જો આવી કોઈ પણ બીમારી હોય તો એના માટે શું કરો છો? છેલ્લે ક્યારે ચેક-અપ કરાવેલું? તમે આ સમસ્યાને માત્ર સેક્સ-લાઇફની સમસ્યા માનીને બેસી રહો એવું ઠીક નથી. સંભોગ પછી થોડોક થાક લાગે એ સ્વાભાવિક છે, પણ તમને વાયેગ્રા લઈને સમાગમ કર્યા પછી જ થાક લાગે છે એવું નથી. 

રોજિંદા જીવનમાં પણ હાંફ અને થાક લાગે છે જે લક્ષણો હળવાશથી લેવાં જેવાં નથી. કોઈ સારા કાર્ડિયોલૉજિસ્ટ પાસે જઈને કાર્ડિયોગ્રામ અને હાર્ટનું ચેક-અપ કરાવવું જોઈએ. જો તમારો કાર્ડિયોગ્રામ આરામ અવસ્થા તેમ જ કસરત પછી એમ બન્ને વખતે નૉર્મલ આવે તો તમે સમાગમમાં રાચી શકો છો. બીજું, જો હાંફ્યા વિના પોણો કલાક ચાલી શકતા ન હો અને બે માળના દાદરા ચડ્યા પછી બ્લડ-પ્રેશરની તકલીફ કે છાતીમાં દુખાવાની તકલીફ થતી હોય તો તમારી સમસ્યા સેક્સને લગતી નહીં, ઓવરઑલ સ્વાસ્થ્યની છે.

sex and relationships columnists