સ્ક્રીન વિના દીકરાને જમવાનું ગમતું જ નથી

13 January, 2023 04:52 PM IST  |  Mumbai | Sejal Patel

જમતી વખતે બીજે ધ્યાન પરોવાયેલું રહેતું હોવાથી બિન્જ ઇટિંગની આદત પડે છે જે લાંબા ગાળે નુકસાનકારક છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારો દીકરો છ વર્ષનો છે. નાનો હતો ત્યારે જમવામાં બહુ ફસી હતો એટલે કાર્ટૂન ચાલુ ન કરી આપો તો ખાય જ નહીં. એ વખતે હું કામ કરતી હતી એટલે તેને ટીવી સામે બેસાડી દેવાથી કામ જલદી પતતું. હવે તેની આ આદત કેમેય છૂટતી નથી. ટીવી બંધ કર્યું તો હવે સ્માર્ટફોન લઈને બેસે છે. હવે તો સ્કૂલમાં જાય છે ત્યાં પણ ખાતો જ નથી. જમવાના સમયે તે રમતો રહે છે અને ઘરે આવે એ પછી ટીવી જોતાં-જોતાં ડબલ ખાઈ લે. સ્કૂલમાંથી પણ ફરિયાદ આવે છે એની. તેને સ્ક્રીન પર કંઈક ચાલુ જોઈએ જ છે. હા, તેના દોસ્તો આવ્યા હોય તો રમવા જવું હોય એટલે ઝટપટ ખાવાનું પતાવી લે, પણ એકલો હોય ત્યારે આ આદત દૂર નથી થતી. તેની ઉંમરના બાળકોમાં આવું બહુ જોવા મળે છે, શું આ નૉર્મલ છે? આદત દૂર કરવા શું કરી શકાય? 

શરૂઆતમાં મમ્મીઓની આળસને કારણે અનેક બાળકોમાં આ આદત છે અને તેઓ સ્ક્રીન સાથે જ જમી શકે છે. ભલે આ આદત ઘણા બાળકોમાં જોવા મળે છે છતાં એ નૉર્મલ તો નથી જ. જમતી વખતે બીજે ધ્યાન પરોવાયેલું રહેતું હોવાથી બિન્જ ઇટિંગની આદત પડે છે જે લાંબા ગાળે નુકસાનકારક છે. કેટલું ખાધું, શું ખાધું, કેવી રીતે ખાધું એનું કંઈ જ ધ્યાન બાળકને નથી રહેતું. એને કારણે કોળિયો ચાવવાની આદત તો પડતી જ નથી. એનાથી હેલ્ધી ફૂડ સાથેનો નાતો પણ બરાબર બનતો નથી. તમે જોયું હોય તો ટીવી કે મોબાઇલ મચડતાં-મચડતાં ખાવાની આદત ધરાવતા હોય એવા લોકો બહુ સ્વાભાવિકપણે ઓવરઇટિંગ કરતા થઈ જાય છે. 

આ પણ વાંચો : દીકરો ભણવામાં જરાય ગંભીર નથી થતો

આ આદત ધીરે-ધીરે પડી છે એટલે એને છોડવા માટે પણ ધીરજ રાખવી પડશે. આજથી જમતી વખતે ટીવી જોવાનું બંધ એવો ફતવો કામ નહીં કરે. ટીવી નહીં તો બીજો કોઈ હેલ્ધી ઑપ્શન બાળકને આપવો પડશે. આગલા દિવસથી જ બાળકને પ્રિપેર કરો કે આવતી કાલે લંચમાં ટીવી જોવાનું નથી. તે માનસિક રીતે તૈયાર હશે તો ઓછા ટૅન્ટ્રમ્સ નાખશે. પછી ડિનરમાં તેને એકલાને જમવા આપવાને બદલે પરિવારની સાથે જમવા બેસાડો અને સાથે અલકમલકની વાતોમાં પરોવી રાખો. ત્રણ-ચાર દિવસ પછી દૂધ-નાસ્તો કરવાના સમયે પણ સ્ક્રીનટાઇમ નહીં મળે એવું નક્કી કરો. આ પ્રક્રિયા ચાલતી હોય એ દરમ્યાન તેને ભાવતી વાનગીઓ બનાવો જેથી તેને ખાવામાં રસ પડે. આ સમય દરમ્યાન તેને ન ભાવતી વસ્તુઓ પણ ખાતાં શીખવવાનો અભરખો ન રાખો. 

 

columnists sex and relationships sejal patel