06 September, 2026 03:32 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર
કોઈ પણ વ્યક્તિ માટે પોતાની માનાં હાલરડાંથી વધુ સુરીલો સ્વર આ સૃષ્ટિમાં બીજો કોઈ હોતો નથી. શિશુના કાને પડેલો માતૃત્વનો એ પ્રથમ મંજુલ સ્વર આમ જુઓ તો કાનની સૂરમયી દીક્ષા છે. પોતાની સારસંભાળનો ભરોસો આવ્યા પછી મા જ્યારે બાળક માટે હાલરડું ગાય ત્યારે બાળકનું હૈયું મા સાથે બ્લુટૂથની જેમ પેર થઈ જાય છે.
હાલરડાં શબ્દનો એક અર્થ એવો પણ થાય કે મા પોતાના સંતાનને કહે છે કે ‘બેટા, હાલ તું સૂઈ જા, હું રડું!’
એક સંશોધન પ્રમાણે બાળક કંઈ જન્મતાંવેંત માની ભાષા અને હાલરડાંના શબ્દોને સુપેરે સમજી લે છે એવું નથી. બાળક ભાષા નથી ઓળખતું, ભાવ ઓળખે છે. હાલરડાંના સ્વરોથી બાળકને એ ખાતરી થાય છે કે મારી આસપાસ કોઈ છે જેને લીધે હું સલામત છું.
ઘણા કિસ્સાઓ આપણે નજરે જોયા છે કે પપ્પા ૨૦ મિનિટ હાલરડાં ગાય તો પણ બાળક ઘોડિયામાં જાગતું પડ્યું હોય; પણ મા બે મિનિટ હાહા... હાહા... કરે, પ્રેમથી બે થપલી મારે અને બાળક તરત સૂઈ જાય. મેં એ દૃશ્ય પણ જોયું છે જ્યારે માબાપ મજૂરીએ ગયાં હોય ત્યારે પોતાના ડાબા પગના અંગૂઠે ઘોડિયાની દોરી બાંધીને દસ-બાર વર્ષની બેનડી આવડે એવી રોટલી વણતી હોય અને ભાઈ રૂએ તો તેનું હાલરડું ગાતી જાય...
બે ઘડી સૂઈ જા મારા વીર,
થોડું હું ભરી આવું નીર
પછી તારા હાલા ગાઉં મારા વીર,
પછી તારી દોરી તાણું મારા વીર
આપણા વૈદિક સનાતન પરંપરાના જીવનના ૧૬ સંસ્કારોમાં મને કોઈ પૂછે તો હું બાળકો માટે બે સંસ્કાર ઉમેરાવું. એક ‘હાલરડાં સંસ્કાર’ અને બીજા ‘બાળગીત-વાર્તા સંસ્કાર’. હાલરડાં બાળકના ભાવવિશ્વને કંડારે છે.
હાલરડું એક એવી બારીક ગોલ્ડન મીનાકારી છે જેની છાપ કોઈ પણ શિશુ પર જીવનપર્યંત રહે છે. હાલરડું સાંભળવું એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, પરંતુ કેટલીક ફૅશનેબલ માતાઓ યુટ્યુબ પરથી ડાયરેક્ટ હાલરડાં સંભળાવે છે. જોકે બાળક તો તોય સૂઈ જાય છે! તેને ક્યાં કોઈ દલીલ આવડે છે? પરંતુ માનું સ્થાન જ્યારે મોબાઇલ લઈ લે ત્યારે માતૃત્વ ઝંખવાઈ જાય એ સ્વાભાવિક છે. આ રીતે જુઓ તો કેટલાક પેરન્ટ્સ બાળકોની છાશવારે ફરિયાદ કરતા હોય કે અમારાં બાળકો મોબાઇલ બહુ વાપરે છે, પરંતુ આ સમસ્યાના મૂળ સુધી કોઈ નથી પહોંચતું.
આપણા દેશની સરકારોએ આજ સુધીમાં અગણિત યોજનાઓ બહાર પાડી, પણ હું કહીશ કે શું આવનારા દિવસોમાં એવી યોજના કે કાયદો ન બહાર પાડી શકાય કે જે કપલને પચાસ હાલરડાં ન આવડે ત્યાં સુધી તે માબાપ બનવાને લાયક નથી. સંસદમાં જ્યારે આવું કોઈ બિલ સર્વાનુમતે કોઈ પણ વિરોધાભાસ વગર પાસ થશે ત્યારે સમાજજીવનમાં ‘અચ્છે દિન’ની શરૂઆત થશે. જોકે એવું નહીં થાય. બાળકો કોઈની વોટબૅન્કમાં નથી અને એટલે જ બાળકો માટે કોઈને વિચારવાનો સમય નથી.
ઝવેરચંદ મેઘાણીએ શિવાજીનું હાલરડું લખ્યું અને એ જગપ્રસિદ્ધ થયું, પરંતુ ક્યારેક સમય મળે તો એના શબ્દો વાંચજો. ઍક્ચ્યુઅલી એ શિવાજીનું જાગૃતિગીત છે. જનેતા જિજાબાઈ આવનારા કપરા સમય માટે પોતાના નવજાત શિશુને અલર્ટ કરે છે. ભલે આ મેઘાણીભાઈની માત્ર કલ્પના હતી, પરંતુ આજે એ હાલરડું સાંભળીએ ત્યારે આપણને એકદમ સચોટ અને વાસ્તવિક લાગતી કલ્પના લાગે છે. ક્યારેક મને પ્રશ્ન થાય કે મેઘાણીભાઈ પછી હજારો કવિઓ ગુજરાતની ધરતી પર થઈ ગયા. કેમ કોઈને શિવાજીની જેમ ‘મહારાણા પ્રતાપ’ કે ‘ભગત સિંહ’નું હાલરડું લખવાની પ્રેરણા ન થઈ?
કારણની કબર નથી ખોદવી, પરંતુ મારું દૃઢ માનવું છે કે આજની માતાઓ કદાચ મહાપુરુષોનાં હાલરડાં વીસરી જશે તો ચાલશે, પરંતુ ઘરના ઘોડિયામાં સૂતેલા શિશુનાં હાલરડાં જો નહીં ગાય તો આવનારા સમયમાં આ ધરતી પર મહાપુરુષો નહીં પાકે એ નક્કી છે.
હાલરડાંમાં ધીમા સ્વરે મા જ્યારે હા... હા... બોલે ત્યારે આમ જુઓ તો તે પૉઝિટિવિટીનું પહેલું લેસન આપે છે. આપણી અભણ માતાઓએ મૂળાક્ષરોમાંથી ‘ના... ના...’ શબ્દ સિલેક્ટ નથી કર્યા, પરંતુ ‘હા... હા...’ શબ્દ પસંદ કર્યા છે જે સંદેશો પાઠવે છે કે બેટા, મોટા થઈને જગતને મદદરૂપ થવા માટે હા પાડતાં શીખજે. જીવનનો પહેલો શબ્દ હકારરૂપે બાળકના કાને પડે એટલે જ તો આપણા પૂર્વજો કદાચ બહુ શિક્ષિત હોવા છતાં હકારાત્મકતાથી ભર્યાભાદરા હતા. રામચરિતમાનસમાં ગૌસ્વામી તુલસીદાસજી દ્વારા ભગવાન શ્રીરામનું ચાલકડું સરસ રીતે આલેખાયું છે. મા જશોદાનાં હાલરડાંએ કૃષ્ણને જેટલા ઝુલાવ્યા છે એટલાં હાલરડાં કદાચ કોઈ અવતારનાં નહીં મળે તો માત ત્રિશલા ભગવાન મહાવીરને પોઢાડવા હાલરડે ઝુલાવે છે. મેઘાણીભાઈએ સંશોધિત કરેલું ખારવાની સ્ત્રીનું અણમોલ હાલરડું ‘વાહુલિયા, તમે ધીમા ધીમા વાજો’ જ્યારે પણ સાંભળીએ ત્યારે આંખો ભીની થયા વગર રહે નહીં. કેટલાંક હાલરડાં માતૃત્વના અને વાત્સલ્યના વરસાદ જેવાં છે, કેટલાંક હાલરડાંમાં ભવિષ્યની અગમચેતી પણ છે તો કેટલાંક હાલરડાંમાં પરિવારની પરિસ્થિતિઓ પણ છે.
શિવાજીનું હાલરડું સર્વપ્રિય થયું એના કારણમાં સૌરાષ્ટ્રભરના લોકકલાકારોનો સિંહફાળો પણ કહેવાય. જોકે સગર્ભા અવસ્થામાં મહારાણી રૂપસુંદરી પતિ જયશિખરીના મૃત્યુ પછી જંગલમાં વનરાજ ચાવડાને જન્મ આપે. એ વનરાજનું હાલરડું બહુ ગવાયું નહીં કે ચર્ચાયું પણ નહીં. આમ વાંક કોનો?
હાલરડાંનો મહિમા વાંચીને આજની કોઈ મમ્મીશ્રીને પ્રશ્ન થાય કે હવે અમારા બાળકે ક્યાં ધીંગાણાં કરવાનાં છે, અત્યારે મરવા-મારવાના સંસ્કારની જરૂર શું? તો એવી મમ્મીઓને યાદ અપાવું કે હાલરડાંથી સંતાનોને બ્રહ્મજ્ઞાન લાધ્યું છે. જી હા, સમય મળે તો માર્કન્ડેયપુરાણ પર નજર કરજો. ગંધર્વોના રાજા વિશ્વવસુની દીકરી મદાલસાનાં લગ્ન ઋતુધ્વજ સાથે થાય અને માતા મદાલસા તેનાં સાત-સાત સંતાનોને હાલરડાંમાં જ એવું બ્રહ્મજ્ઞાન આપે કે એ સંતાનો મોટાં થઈને સીધા સંન્યાસી બને છે.
હાલરડાં સંસ્કારિતાના પારસમણિ છે. માતાઓ મા બનતાં પહેલાં બે-ચાર હાલરડાં ગાતાં શીખી લે તો આવનારા બાળકનો બેડો પાર થઈ જાય. એ બાળક ક્યાં લતા મંગેશકર જેવો સ્વર માગે છે, તે તો માત્ર ભાવજગત ઝંખે છે. શું ક્યો છો તમે?
-સાંઈરામ દવે