પેરન્ટ્સ બની ગયા પછી યાદ રાખજો કે તમે પતિ-પત્ની પણ છો

02 April, 2024 07:38 AM IST  |  Mumbai | Heena Patel

માતા-પિતા બન્યા પછી જીવનમાં રોમૅન્સ માટે સમય કાઢવો પડે છે એવું હાલમાં જ અભિનેત્રી કલ્કિ કોચલિને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.

કલ્કિ થોડા દિવસ પહેલાં પતિ સાથે ચાઇલ્ડ-ફ્રી ટૂર પર નીકળી પડી હતી.

માતા-પિતા બન્યા પછી યુગલ એ નવા મહેમાનના ઉછેરમાં એ ભૂલી જાય છે કે તેઓ પતિ-પત્ની પણ છે. જવાબદારીઓના ભાર તળે તેઓ એક સમયનો રોમૅન્સ-ટાઇમ ક્યાંક ગુમાવી દે છે અને પછી શરૂ થાય છે કનેક્શન તૂટવાને કારણે થતી ફરિયાદોની વણઝાર. બૉલીવુડ ઍક્ટ્રેસ કલ્કિ કોચલિને પણ તાજેતરમાં મા બન્યા પછી તેને રોમૅન્સના સમયની કેટલી જરૂર છે એ વિશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. બાળક થયા બાદ રોમૅન્સની ગાડીને રી-સ્ટાર્ટ કરવી જરૂરી કેમ છે અને કઈ રીતે એ શક્ય છે એ જાણીએ

માતા-પિતા બન્યા પછી જીવનમાં રોમૅન્સ માટે સમય કાઢવો પડે છે એવું હાલમાં જ અભિનેત્રી કલ્કિ કોચલિને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. વાત એમ છે કે કલ્કિના ૪૦મા જન્મદિવસ નિમિત્તે તેના મિત્રોએ તેને હૉલિડેની ગિફ્ટ આપી હતી. ચાર વર્ષની દીકરીની માતા કલ્કિએ ​ચાઇલ્ડ-ફ્રી બે દિવસની ટ્રિપ પાર્ટનર સાથે સિંધુદુર્ગમાં કરી, જેમાં સ્કૂબા ડાઇવિંગથી લઈ ફાર્મ સ્ટેની મજા માણી હતી. કલ્કિએ કહ્યું હતું, ‘મારી દીકરીને સાચવવાનું કામ પણ મારા મિત્રોએ જ કર્યું હતું. અમારા બન્ને માટે આ એક ખૂબ સારો એક્સ્પીરિયન્સ હતો. આ હૉલિડેએ અમને યાદ અપાવી દીધું કે બાળક થયા પછી જીવનમાં રોમૅન્સ માટે સમય કાઢવો જોઈએ.’ જીવનના કોઈ ને કોઈ તબક્કે આ વસ્તુનો અનુભવ દરેક કપલ કરે જ છે. 

પ્રાયોરિટી ચેન્જ | સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે બાળક થયા પછી પતિ-પત્નીમાં રોમૅન્સ કેમ ઓછો થઈ જાય છે. આની પાછળ અનેક કારણો જવાબદાર છે. એ વિશે સમજાવતાં સેક્સોલૉજિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘બાળક થયા પહેલાં પતિ-પત્નીનો માઇન્ડસેટ આખો અલગ હોય છે. બન્ને એકબીજા માટે પ્રાયોરિટી હોય છે. પરંતુ બાળક થયા પછી બન્નેની પ્રાયોરિટી એ બાળક થઈ જાય છે. બાળક આવ્યા બાદ જવાબદારી વધી જાય છે અને પતિ-પત્નીને સાથે વિતાવવા માટે જે સમય મળતો હોય એ ઘટી જાય છે. સંભાળવાની જવાબદારી મમ્મી પર અને પિતા પર આર્થિક જવાબદારીઓ વધી જાય. બન્ને એ ઝોનમાં જ ન હોય કે ઇન્ટિમેટ થઈ શકે, કારણ કે એમાં માઇન્ડ અને બૉડી રિલૅક્સ્ડ હોય એ ખૂબ જરૂરી છે. બાળકના આવ્યા પછી જે શેડ્યુલ હોય એ ચેન્જ થયા કરે એટલે ઘણી વાર પતિ-પત્ની ઇચ્છે તો પણ રોમૅન્સ ન કરી શકે. આમાં એ લોકોને વધુ તકલીફ ન પડે જે ગમે ત્યારે સમય મળે ત્યારે ઇન્ટિમેટ થઈ શકે, પણ એવા લોકો છે જે એમ વિચારે કે આવતી કાલે વીક-એન્ડ છે અને કોઈ કામ પણ નથી તો હું આજે રિલૅક્સ થઈને રોમૅન્સ કરીશ તેમને વધુ અસર પડે છે. આ બધી વસ્તુ પેરન્ટિંગની સાથે તેમની મેન્ટલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ હેલ્થને અફેક્ટ કરે છે.’

રોમૅન્સ માટે સ્પેસ | આજકાલ મોટા ભાગનાં કપલ બધી જ વસ્તુનો વિચાર કરીને બેબી પ્લાનિંગ કરતાં હોય છે તો પછી બાળક થયા પછી ​ઓવરથિન્કિંગ કરવાની એટલી જરૂર નથી એમ જણાવતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘આવા કેસમાં સૌથી પહેલાં તો તમારે તમારા માઇન્ડને કમ્પ્લીટ્લી રિલૅક્સ કરીને જે પણ વિચારો મગજમાં ચાલતા હોય એના પર બ્રેક મૂકવી જોઈએ. ઘણી વાર કોઈ પણ વસ્તુને લઈને વધુપડતો વિચાર કરવાથી પણ એ તમારી ઇન્ટિમસીને અફેક્ટ કરે છે.’  માઇન્ડને રિલૅક્સ કરવા માટે બીજું શું કરી શકાય એ વિશે રિલેશનશિપ કોચ ધનસુપ્રિયા છેડા કહે છે, ‘દિવસના ૨૪ કલાકમાંથી પતિ અને પત્નીએ ઍટ લીસ્ટ પોતાના માટે ૧૫-૨૦ મિનિટ કાઢવી જોઈએ. એમાં તમને ગમતી હોય એવી કોઈ પણ એક ફિઝિકલ ઍક્ટિવિટી કરવી જોઈએ. એ પછી ઘરે એક્સરસાઇઝ, યોગથી લઈને બાલ્કનીમાં બેઠાં-બેઠાં વેધરને એન્જૉય કરીને ચા પીવા જેવી કોઈ પણ ઍક્ટિવિટી હોઈ શકે.’ 

આ તો થઈ માઇન્ડને રિલૅક્સ કરવાની વાત, પણ બાળકના આવ્યા પછી ફિઝિકલ વર્ક પણ વધી જાય છે; ખાસ કરીને જે માતા હોય તેનું. તો આવા કેસમાં પતિએ તેનો કઈ રીતે સાથ આપવો જોઈએ એ વિશે ધનસુપ્રિયા છેડા કહે છે, ‘પતિએ બાળકની સંભાળ રાખવામાં કે ઘરનાં નાનાં-મોટાં કામ કરવામાં પત્નીની મદદ કરવી જોઈએ. આમ કરવાથી પત્નીનું બર્ડન ઓછું થશે તો તે આપોઆપ રિલૅક્સ ફીલ કરશે અને પતિને પણ સમય આપવાનું શરૂ કરી દેશે. બીજું, એમ ન વિચારવું જોઈએ કે મારા કહ્યા વગર જ મારા પતિ બધું જાતે સમજી જાય. પતિ-પત્ની વચ્ચે બધી વસ્તુને લઈને ક્લિયર કમ્યુનિકેશન હોવું જ જોઈએ.’

ડેઇલી રૂટીનમાં આ રીતે રોમૅન્સને સ્થાન આપો | ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે બાળક થયા પછી પતિ-પત્નીના સંબંધમાં પહેલાં જેવો રોમૅન્સ રહ્યો નથી. એક હદ સુધી આ વાત સાચી પણ છે, પણ સાવ જ સમય ન મળે એવું નથી એમ જણાવતાં ધનસુપ્રિયા છેડા કહે છે, ‘પતિ-પત્નીએ ક્વૉન્ટિટી નહીં, પણ ક્વૉલિટી ટાઇમ પર વધુ ફોકસ કરવું જોઈએ. પતિ-પત્નીને જેટલો પણ સમય સાથે વિતાવવા મળી રહ્યો છે એને કેવી રીતે એન્જૉય કરી શકાય એના પર ફોકસ કરવું જોઈએ. જેમ કે સવારે ઊઠ્યા બાદ તમે તમારા પાર્ટનરને એક હગ આપો કે કિસ કરો અથવા સાથે ચા પીને દિવસની શરૂઆત કરો. ઑફિસ જતાં પહેલાં પત્નીને પૂછી લો કે તને કોઈ હેલ્પ જોઈએ છે? ઈવન પત્નીએ પણ પતિના એફર્ટ્સની પ્રશંસા કરવી જોઈએ. પત્નીએ પતિ માટે થૅન્ક યુ નોટ લખવી જોઈએ. તેમને કહેવું જોઈએ કે થૅન્ક યુ, તમે આપણી ફૅમિલી માટે આટલું કરી રહ્યા છે. વીક-એન્ડમાં રાત્રે પતિ-પત્નીએ એક ડિનર-નાઇટ પ્લાન કરવી જોઈએ. એવું નથી કે એ માટે બહાર રેસ્ટોરાંમાં જ જવું જોઈએ. ઘરે મ્યુઝિક ચાલુ કરી કૅન્ડલ-લાઇટ ડિનર થઈ શકે. દિલ ખોલીને વાતો કરવી જોઈએ, સાથે ડાન્સ કરવો જોઈએ. આખા દિવસના થાક બાદ રાત્રે સૂઓ ત્યારે પતિ-પત્નીએ એકબીજાને હળવો શૉલ્ડર મસાજ કે હેડ મસાજ આપવો જોઈએ. આ બધી નાની- નાની વસ્તુ કરીને તમારે એકબીજા પ્રત્યેની કાળજી અને પ્રેમ દર્શાવતા રહેવું જોઈએ.’ 

ડૉ. શ્યામ મિથિયાનું પણ માનવું છે કે સેક્સ્યુઅલ ઇન્ટિમસી સુધી પહોંચવા માટે ઇમોશનલ ઇન્ટિમસી હોવી ખૂબ જરૂરી છે. આ વિશે તેઓ કહે છે, ‘બાળક ન હોય ત્યારે પતિ-પત્નીને સાથે હરવા-ફરવાનો, વાતચીત કરવાનો ભરપૂર ટાઇમ મળે; પણ બાળકના જન્મ પછી એ બધી વસ્તુ સાઇડલાઇન થઈ જાય છે અને બાળક જ પ્રાયોરિટી થઈ જાય છે. પતિ-પત્નીએ સૌથી પહેલાં તો થોડો સમય કાઢીને બાળક સૂતું હોય ત્યારે રાત્રે વૉક પર જઈને અથવા સાથે બેસીને ડિનર કરો ત્યારે વાતચીત કરવી જોઈએ. વાતચીતમાં પણ ફક્ત બાળકની જ વાત થાય એવું નહીં, એ સિવાયની પણ તમારી પર્સનલ વાતો હોય એ બધી થવી જોઈએ જેથી તમારું બૉન્ડિંગ પહેલાં જેવું થશે. એ સિવાય તમે એવી કોઈ પણ ઍક્ટિવિટી કરી શકો જે તમે માતા-પિતા બન્યા એ પહેલાં કરતાં, જેમાં તમને ખૂબ આનંદ મળતો. એ પછી સાઇક્લિંગ હોઈ શકે, મિત્રોને ઘરે બોલાવીને નાનું ગેટ-ટુગેધર હોઈ શકે.’

ઇન્ટિમસી માટે આનું ધ્યાન રાખો
મા બન્યા પછી એક સ્ત્રીને ઘણાબધા માનસિક અને શારીરિક બદલાવમાંથી પસાર થવું પડે છે. આમાં પતિની જવાબદારી છે કે તે તેની પત્ની પ્રત્યે એ જ રીતે પ્રેમ અને લાગણી દેખાડે જેથી પત્નીને તેના બૉડી પ્રત્યે કૉન્ફિડન્સ ફીલ થાય એમ જણાવતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘પત્નીને એવું ફીલ કરાવવું જરૂરી છે કે તે હજી એટલી જ સુંદર છે જેટલી પહેલાં હતી અને પતિને તેની હજી પણ એટલી જ જરૂર છે જેટલી પહેલાં હતી. જો એમ થશે તો તે સેક્સ્યુઅલ ઇન્ટિમસીમાં ઍક્ટિવલી રસ દેખાડશે. સેક્સ્યુઅલ ઇન્ટિમસીમાં પતિ-પત્ની બન્ને એકસરખો રસ દેખાડે એ ખૂબ જરૂરી છે. સેક્સ્યુઅલ ઇન્ટિમસીમાં તમારું ફોકસ એ પ્રોસેસને બદલે પ્લેઝર પર હોવું જોઈએ અને એ ત્યારે જ પૉસિબલ છે જ્યારે પતિ-પત્ની બન્ને એકદમ ફ્રી થઈને એમાં ઇન્વૉલ્વ થાય. તમે ડિનર કરવા માટે બેઠાં હો ત્યારે એકબીજાનો હાથ પકડો, વૉક કરતાં હો ત્યારે કમર પર કે ખભા પર હાથ રાખીને ચાલો, બેડરૂમમાં હો ત્યારે એકબીજાને અડોઅડ બેસીને કંપની એન્જૉય કરો, કિસ કરો, હગ કરો તો આ બધી પણ ફિઝિકલ ઇન્ટિમસી છે. સેક્સ્યુઅલ ઇન્ટિમસીની વાત કરીએ તો એમાં ફોરપ્લે ખૂબ જરૂરી છે, પણ જનરલી એને એટલું ઇમ્પોર્ટન્સ અપાતું નથી.’

sex and relationships life and style