પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કમ્પૅન્યનેટ રિલેશનશિપ શું છે?

28 January, 2026 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

LIR અને CR પહેલી નજરે સમાન લાગે, પણ હકીકતમાં આ બન્ને તેમના હેતુમાં, ભાવનાત્મક જવાબદારીમાં અને જીવનદૃષ્ટિમાં સંપૂર્ણપણે અલગ છે.

પ્રતીકાત્મક તસવીર

લિવ-ઇન રિલેશનશિપ (LIR) વિશેના ગયા લેખના અનુસંધાનમાં ચર્ચા થતાં મિત્રોએ સરસ પૂરક માહિતી આપી. એકબીજાના ભવિષ્યનાં સપનાં પૂરાં કરવાના વણલખ્યા કૉન્ટ્રૅક્ટને LIR કહેવાય છે જે સામાન્ય રીતે યુવાવર્ગ પૂરતો સીમિત થઈ જાય છે. આ કલ્પનાને વધુ વિસ્તારીએ તો પુખ્ત વયના આવા સંબંધ, જે સપનાં નહીં પણ સધિયારા માટે બંધાયા હોય એને શું કહીશું? શહેરી ભાષામાં એને કમ્પૅન્યનેટ રિલેશનશિપ (Companionate Relationship-CR) કહેવામાં આવે છે. પુખ્ત વયના વિધુર, વિધવા કે છૂટાછેડા થઈ ગયેલા એકલા વયસ્કોને સાથીદાર શોધવામાં બિનસરકારી સંસ્થાઓ (NGOs) મદદ કરતી હોય છે. અમદાવાદમાં આવી એક સંસ્થા છે જેનું ‘વિનામૂલ્ય અમૂલ્ય સેવા’ એવું સુંદર નામ છે. આવી સંસ્થાઓ સરાહનીય સેવા કરે છે. મોટી ઉંમરે પુનર્લગ્ન સામાજિક ટીકા કે ઉપહાસનું કારણ બને. એમાંથી આવી સંસ્થાઓ બચાવે છે. લગ્ન વગર સાથે રહેવાની સગવડ કરી આપે છે. 

આવા જ સંબંધોનો બીજો પ્રકાર છે જેમાં બન્ને પાત્રો પહેલેથી જ અપરિણીત હોય છે. એને કૉમન લૉ પાર્ટનરશિપ (Common Law Partnership) કહેવાય છે. નામ ગમે તે આપીએ, હેતુ એક જ હોય છે : એકબીજાને સહારો આપવો, માનસિક સધિયારો આપવો. આમાં જરૂર પડે આર્થિક આધાર પણ આવી જાય. કોઈ પણ ઉંમરે સાથીદારની હાજરી જીવનને સરળ બનાવે છે. ચિંતા, સમસ્યા, તકલીફ મનની મૂંઝવણ વહેંચવાથી ઓછી થાય છે. મનને હલકું જરૂર લાગે છે. 

તો અહીં તફાવત શું છે? યુવાનોની જેમ લગ્ન પહેલાંની ટ્રાયલ નથી અહીં, પણ લગ્ન પછીના લાંબા સમયનું કમિટમેન્ટ હોય છે. પોતાના મૂળ પાર્ટનરની લાંબી માંદગી પછી છૂટી થયેલી વ્યક્તિ કે મનમેળ વગરના પાર્ટનરથી છૂટાછેડા પામેલી વ્યક્તિ થોડીક વધુ શાંત, થોડીક વધુ સમજણી થઈ હોય છે. એમનાંય સપનાં મનમાં ને મનમાં રહી ગયાં હોઈ શકે. અથવા મન મનાવી લીધું પણ હોઈ શકે. હવે ઠરેલપણું આવ્યું હોય છે. છતાંય એકલા જીવને કોઈક તો જોઈએ જે મંદિર જતાં તેનો હાથ પકડે. મંદિર સાથે જવાનીયે એક ઑર મજા હોય છે. જૂના પિક્ચરોનાં ગીતો સાથે ગાવાનીયે એક ઑર મજા હોય છે. પોતપોતાના કૉલેજના દિવસની વાતો શૅર કરવાનીયે એક ઑર મજા હોય છે. એના માટે પણ એક સાથીદારની જરૂર તો હોય છે જ.

તો શું સામાજિક જીવનનું કેન્દ્ર લગ્ન જ હોવું જોઈએ? લગ્ન કોઈ કારણસર સફળ ન થયું, પતિ-પત્નીને સાથે રહેવું ન જ ફાવ્યું તો એવી વ્યક્તિને ફરી નવો પાર્ટનર મેળવવા લગ્ન શા માટે જરૂરી હોવાં જોઈએ?

LIR અને CRમાં મુખ્ય તફાવત છે હેતુનો, સાથે રહેવાના હેતુનો. LIRમાં ‘ટેસ્ટિંગ’ હોય છે. આપણે સાથે રહી શકીશું કે કેમ એનું પરીક્ષણ હોય છે. લિવ-ઇન રિલેશનશિપમાં ભવિષ્યને લક્ષમાં રાખી સાથે રહેવાનું હોય છે, જ્યારે કમ્પૅન્યનેટ રિલેશનશિપમાં ‘ટેસ્ટિંગ’ નથી; ભવિષ્યનો વિચાર નથી, આજની જ વાત છે; વર્તમાનની વાત છે, આ ઉંમરે નવા પાર્ટનર સાથે લગ્ન વિના રહી શકીએ એમ છીએ કે નહીં એનું પરીક્ષણ છે. અહીં વિધિ વિનાની પ્રતિબદ્ધતા છે. કાયદાકીય નોંધણી નથી અહીં, કોઈ ખત-પત્તર નથી અહીં. 

પણ વિશ્વાસને ક્યાં કાયદાપોથીમાં નોંધાવવાની જરૂર હોય છે? વિશ્વાસને સમાજના સ્ટૅમ્પની ક્યાં જરૂર હોય છે? બન્નેનું વિશ્વ એકબીજા પરના વિશ્વાસ પર વિસ્તરે છે. અહીં વણલખ્યું કમિટમેન્ટ છે, લૉન્ગ-ટર્મ કમિટમેન્ટ. લગ્નનું સામાજિક બંધન નથી પણ ભાવનાત્મક બંધન છે. LIRની જેમ આ એક્સપરિમેન્ટ નથી, જિંદગીભરની રાસાયણિક ક્રિયાનો નિષ્કર્ષ પામ્યા પછીનો નિર્ણય છે.  

LIR અને CR પહેલી નજરે સમાન લાગે, પણ હકીકતમાં આ બન્ને તેમના હેતુમાં, ભાવનાત્મક જવાબદારીમાં અને જીવનદૃષ્ટિમાં સંપૂર્ણપણે અલગ છે.

આ વિષય આજે આટલો મહત્ત્વનો કેમ છે? આજના બદલાતા સંજોગોમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું આપણે સમાજની મંજૂરી વગર પણ એકબીજાના જવાબદાર સાથી તરીકે રહી ન શકીએ? કેટલાક સંબંધો બંધનમાંથી
છૂટવા માગે છે અને કેટલાક બંધન વગર પણ બંધાઈ રહેવાની હિંમત રાખે છે કારણ કે ત્યાં સાક્ષી સમાજ નહીં, અંતરાત્મા છે.

વિદ્યા અને પ્રતીકને જુઓ. બન્ને પચાસના દાયકામાં છે. ઢળતી યુવાનીમાં છે, પણ વૃદ્ધ ન કહેવાય. લગ્ન તૂટી ગયાં કે એકસાથે હવે નથી, ગમે તે કારણ હોય બન્ને એકલાં છે. જીવનના સપનાંઓ હવે યાદોમાં છે પણ એકાંતમાં પીડા આપે છે. બન્નેએ સાથે રહેવાનું નક્કી કર્યું. હવે એકબીજાની બીમારીમાં સંભાળ રાખે છે. દવાનો ખર્ચ, ઘરનો ખર્ચ વહેંચે છે. પૅકેજ ટૂરમાં સાથે જાય છે, ખરીદી કરે ત્યારે પણ ખર્ચ વહેંચે છે. વૃદ્ધાવસ્થાની યોજનાઓ પણ સાથે ઘડે છે. લગ્ન નથી કરવાં. કારણ પૂછો તો વિદ્યા શાંતિથી કહે છે : ‘અમે સમાજની સામે નથી થયાં કે સમાજથી ભાગતાં નથી પણ હવે અમને સમાજની મંજૂરીની જરૂર નથી.’ આ છે વિચારપૂર્વક પસંદ કરેલી પ્રતિબદ્ધતા. લગ્ન નામની ઉજવણી વગરની પ્રતિબદ્ધતા. આ સ્વતંત્રતા છે, સ્વચ્છંદતા નહીં. લાગણીની સાક્ષીએ સંબંધના સહીસિક્કા છે. 

સામાજિક રીતે જોઈએ તો આ એક નાજુક પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર થઈ રહ્યો છે. શું સંબંધનું ઔચિત્ય સમાજથી છે કે સંકલ્પથી? કદાચ બદલાતા સમયમાં સાચો પ્રશ્ન એ નથી કે સમાજ સ્વીકારશે કે નહીં? સાચો પ્રશ્ન એ છે કે શું આપણે કોઈ જોઈ ન રહ્યું હોય ત્યારે પણ સંબંધ નિભાવવાની હિંમત રાખી શકીએ છે કે નહીં?

બાય ધ વે, આંતરજ્ઞાતીય લગ્નોમાં પ્રશ્ન હોય છે, તમે કોની સાથે લગ્ન કરો છો? લિવ-ઇન રિલેશનશિપમાં પ્રશ્ન હોય છે, ક્યારે લગ્ન કરો છો? જ્યારે કમ્પૅન્યનેટ રિલેશનશિપમાં પ્રશ્ન છે, લગ્ન જરૂરી છે કે એ એક વિકલ્પ માત્ર છે?

- યોગેશ શાહ

(યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)

sex and relationships relationships columnists gujarati mid day